Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

દેશમાં પ્રથમ વખત! ચુકાદો જાહેર કરવામાં ૨ મહિનાનો વિલંબઃ સુપ્રીમ કોર્ટના જજે ભરી કોર્ટમાં માફી માંગી

ન્‍યાયતંત્રમાં વિલંબિત ચુકાદાના કેસોમાં જસ્‍ટિસ ગવઇએ અનોખું ઉદાહરણ રજૂ કર્યુ : જસ્‍ટિસ ગવઈએ મે ૨૦૧૯થી અત્‍યાર સુધીમાં ૬૮ ચુકાદા આપ્‍યા છે

નવી દિલ્‍હી, તા.૧૦: સુપ્રીમ કોર્ટના જસ્‍ટિસ બીઆર ગવઈ (B.R. ગવઈ) એ એક કેસમાં ૨ મહિનાના વિલંબ માટે માફી માંગી છે. ન્‍યાયતંત્રમાં વિલંબિત ચુકાદાના કેસોમાં જસ્‍ટિસ ગવઈએ અનોખું ઉદાહરણ રજૂ કર્યું હતું. દેશના ન્‍યાયતંત્રના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્‍યું છે, જ્‍યારે કોઈ ન્‍યાયાધીશે ચુકાદામાં વિલંબ કરવા બદલ માફી માંગી હોય. જસ્‍ટિસ ગવઈએ ચંદીગઢ સંબંધિત કેસમાં ચુકાદો આપવામાં વિલંબ માટે માફી માંગી એટલું જ નહીં, પક્ષકારોને વિલંબનું કારણ પણ જણાવ્‍યું.

જસ્‍ટિસ બી.આર. ગવઇ અને એમ.એમ. સુંદરેશ ચંદીગઢ શહેરમાં સિંગલ રેસિડેન્‍શિયલ યુનિટ્‍સને એપાર્ટમેન્‍ટમાં રૂપાંતરિત કરવાની મોટા પાયે પ્રથા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીના મામલામાં આદેશ જાહેર કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે ‘અમે વિવિધ કાયદાઓની તમામ જોગવાઈઓ અને તેના હેઠળ જાહેર કરાયેલા નિયમોને ધ્‍યાનમાં લેવાના હતા'. જસ્‍ટિસ ગવઈએ કહ્યું કે આ કારણે ચુકાદો ૩ નવેમ્‍બર, ૨૦૨૨ માટે અનામત રાખવામાં આવ્‍યો ત્‍યારથી બે મહિનાથી વધુ સમય લાગ્‍યો.

કોણ છે જસ્‍ટિસ ગવઈઃ જસ્‍ટિસ ભૂષણ રામકળષ્‍ણ ગવઈએ ૧૯૮૫માં એડવોકેટ તરીકે પ્રવેશ મેળવ્‍યો અને બોમ્‍બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં મુખ્‍યત્‍વે કાયદાની પ્રેક્‍ટિસ કરી. તેમણે સરકારી વકીલ તરીકે અને પછી મહારાષ્‍ટ્ર સરકાર માટે સરકારી વકીલ તરીકે સેવા આપી હતી. જો વરિષ્ઠતાનું પાલન કરવામાં આવે તો, જસ્‍ટિસ ગવઈ ૧૪ મે થી ૨૪ નવેમ્‍બર, ૨૦૨૫ સુધી ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ તરીકે સેવા આપશે. મે ૨૦૧૯માં સર્વોચ્‍ચ અદાલતમાં તેમની બઢતીથી, જસ્‍ટિસ ગવઈ (મે ૨૦૨૨ સુધી) ૬૮ ચુકાદાઓ આપી ચૂકયા છે. આ નિર્ણયો ફોજદારી બાબતો, મિલકત, વીજળી, કુટુંબ અને મોટર વાહન કાયદા સાથે સંબંધિત છે.

(4:00 pm IST)