Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન પુષ્પ કમલ  દહલ ‘પ્રચંડ’એ સંસદમાં વિશ્વાસ મત જીત્યો

સીપીએન-માઓઇસ્ટ સેન્ટરના 68 વર્ષીય નેતાએ ગયા વર્ષે 26 ડિસેમ્બરે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા

 નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ મંગળવારે સંસદમાં વિશ્વાસ મત જીત્યો હતો. સીપીએન-માઓઇસ્ટ સેન્ટરના 68 વર્ષીય નેતાએ ગયા વર્ષે 26 ડિસેમ્બરે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

વોટિંગ દરમિયાન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં હાજર 270 સભ્યોમાંથી 268એ વડાપ્રધાન પ્રચંડની તરફેણમાં જ્યારે 2એ તેમની વિરુદ્ધમાં વોટિંગ કર્યું હતું.

બેઠકની અધ્યક્ષતા કરનાર જે.બી. રાણાએ મતદાન કર્યું નહતું, જ્યારે અન્ય ચાર ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. પ્રચંડને વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ ચાલુ રાખવા માટે 275 સભ્યોની સંસદમાં માત્ર 138 મતોની જરૂર હતી.

ડિસેમ્બરમાં નેપાળમાં રાજકીય પક્ષો સરકાર રચવા માટે સંમત થયા પછી રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પુષ્પ કમલ દાહાલ પ્રચંડને દેશના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા.

પ્રચંડે અન્ય પક્ષો સાથે સમજૂતી કર્યા બાદ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પ્રચંડની પાર્ટી સીપીએન-માઓઇસ્ટ સેન્ટર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (સંસદ)માં ત્રીજી સૌથી મોટી પાર્ટી છે.

આ પહેલા વિપક્ષી સીપીએન (યુએમએલ) અને અન્ય નાના પક્ષોએ વડાપ્રધાન પદ માટે નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી કેન્દ્ર)ના અધ્યક્ષ પુષ્પ કમલ દાહાલ પ્રચંડને સમર્થન જાહેર કર્યું હતું.

પ્રચંડ અને ઓલી વૈકલ્પિક રીતે સરકારનું નેતૃત્વ કરશે તે અંગે સહમતિ બની છે, જેમાં પ્રથમ વારો પ્રચંડને મળશે.

(9:46 pm IST)