Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મુંબઇમાં ૧૦ દિવસમાં કોરોના પેશન્‍ટોમાં ૧પ ગણો વધારો

સ્‍થિતિ ચિંતાજનક ના હોવાનું હોસ્‍પીટલોનું મંતવ્‍ય

મુંબઇ તા. ૧૧: મુંબઇ ઓકસીજનની જરૂરીયાત વાળા કોરોના પેશન્‍ટોમાં ૧૦ દિવસમાં ૧પ ગણો વધારો થયો છે. આંકડાઓ અનુસાર, ર૬ મે સુધી ઓકસીજન પર હોય તેવા કોરોના પેશન્‍ટો માત્ર બે હતા જે ૧૦ જૂન સુધીમાં વધીને ૩૦ થઇ ગયા છે. આરોગ્‍ય અધિકારીઓએ આના માટે રોજના વધી રહેલા કેસનું કારણ આપ્‍યું છે.
રાષ્‍ટ્રીય કોરોના ટાસ્‍ક ફોર્સના સભ્‍ય ડો. રાહુલ પંડિતે કહ્યું કે આ આંકડો ચિંતાજનક નથી કેમકે કોરોનાના કુલ કેસમાં પણ ઉછાળો આવ્‍યો છે. ઉપરાંત આગળની લહેરોના પ્રમાણમાં હોસ્‍પીટલમાં દાખલ થવાનો દર નથી વધ્‍યો.
ડો. પંડિતે કહ્યું કે આગામી ર સપ્‍તાહ આપણે સાવચેત રહીને ધ્‍યાન આપવું પડશે કે કેસોમાં કેવોક વધારો થાય છે. જો કે સારી બાબત એ છે કે આવી રહેલા મોટા ભાગના નવા કેસો લક્ષણો વગરના છે અને તેમને દાખલ કરવાની જરૂર નથી પડતી.
તેમણે વધુમાં કહ્યું કે રાજયમાં નવા આવી રહેલા કેસોમાંથી ફકત ૧ ટકા દર્દીને દાખલ થવું પડે છે જે દર્શાવે છે કે ગંભીરતા બહુ ઓછી છે એટલે બહુ ચિંતા કરવા જેવું નથી. પણ આપણે રાહ જોઇને પરિસ્‍થિતિ પર ધ્‍યાન ચોકકસ રાખવું પડશે.

 

(3:24 pm IST)