Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

પશ્વિમ બંગાળમાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડ : સીબીઆઈ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ

ઉત્તરવહી ખાલી રાખનારા ઉમેદવારો પણ શિક્ષક બની ગયા હોવાનું તપાસમાં ખૂલ્યું

પશ્વિમ બંગાળમાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડ થયાનું ખૂલ્યું એ પછી સીબીઆઈ તપાસ શરૃ થઈ હતી. તપાસમાં આશ્વર્યજનક ઘટસ્ફોટ થયા હતા. ઉત્તરવહી ખાલી રાખનારા ઉમેદવારો પણ શિક્ષક બની ગયા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.

પશ્વિમ બંગાળમાં પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં કૌભાંડ થયાની ફરિયાદ ઉઠયા પછી સીબીઆઈ તપાસ થઈ હતી. સીબીઆઈના અધિકારીઓએ દાવો કર્યો હતો કે તપાસ દરમિયાન કેટલીક ઉત્તરવહી એવી મળી આવી હતી, કે જેમાં એક શબ્દ પણ ન લખનારા ઉમેદવારો શિક્ષક બની ગયા હતા.

માત્ર નામ, રજિસ્ટર નંબર ધરાવતી ઉત્તરવહી સાવ કોરી હતી. એવા ઉમેદવારોને અપોઈન્મેન્ટ લેટર મળ્યો હતો અને તેમને પ્રાથમિક શિક્ષક બનાવાયા હતા. આ કૌભાંડમાં શિક્ષણ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને થોડાંક ક્લાર્ક સંડોવાયેલા હોવાનો દાવો સીબીઆઈએ કર્યો હતો.

સીબીઆઈના કહેવા પ્રમાણે ભરતી પહેલાં જ ઉમેદવારો અને રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મોટા પાયે સેટિંગ પડયું હતું. આ કૌભાંડમાં કરોડો રૃપિયાની લેવડ-દેવડ થઈ હતી. અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલો પ્રમાણે આ દિશામાં વધુ પુરાવા મેળવવામાં આવી રહ્યા છે. એ પછી વધારે જાણકારી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પશ્વિમ બંગાળની સરકારના મંત્રીની દીકરીની ભરતી ગેરકાયદે થઈ હોવાની ફરિયાદ પછી કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.

(1:02 am IST)