Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

બિહારમાં મહાગઠબંધનની સરકારની મુશકેલીઓ વધશે ! : બિહારના ગેર બીજેપી નેતાઓ પર કેન્દ્રીય એજન્સીઓ સકંજો કસી શકે

વર્તમાન સમયમાં ત્રણ પાર્ટીના મોટા નેતા કેન્દ્રીય તપાસ એજન્સીઓના નિશાના ઉપર આવી શકે : પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ પર CBIનો શિકંજો

પટના તા.12 : બિહારમાં મહાગઠબંધનની સરકારે આકાર લઈ લીધો છે. સીએમની ખુરશી નીતિશ કુમાર પાસે છે અને ડિપ્ટી સીએમ તેજસ્વી યાદવ બની ગયા છે. નીતિશ કુમારે BJPથી અલગ થઈને મહાગઠબંધનનો રસ્તો પકડી લીધો છે, પરંતુ આ રસ્તામાં તેમના માટે અનેક રોડા આવવાના છે?

બીજેપી નેતા સુશીલ મોદીએ તો નીતિશ-તેજસ્વીની શપથના દિવસે જ કહી દીધું હતુ કે, તેજસ્વી વિરૂદ્ધ તો એટલા પુરાવા છે કે તેઓ જેલ જઈ શકે છે. બીજેપીએ નીતિશને અલગ થવાને વિશ્વાસઘાત ગણાવ્યો છે અને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, હવે બિહારના ગેર બીજેપી નેતાઓ પર કેન્દ્રીય એજન્સીઓ સકંજો કસી શકે છે. તેવામાં આવો જાણીએ બિહારના કયા નેતાઓ વિરૂદ્ધ કેસ ચાલી રહ્યાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે, વર્તમાન સમયમાં ત્રણ પાર્ટીના મોટા નેતા કેન્દ્રીય તપાસ એજન્સીઓના નિશાના ઉપર આવી શકે છે. RJDના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલૂ યાદવના હનુમાન તરીકે ઓળખાતા પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ પર વર્તમાનમાં CBIનો શિકંજો કસ્યો છે. ભોલા યાદવ પાસેથી મળેલા ઈનપુટના આધાર પર RJDના અનેક નેતાઓને CBI પૂછપરછ કરવા માટે સમન મોકલવાની તૈયારી કરી દેવામાં આવી છે.

અસલમાં IRCTC કૌભાંડ, હોટલના ટેન્ડર સાથે જોડાયેલો છે. રેલવે ટેન્ડર કૌભાંડ કેસમાં લાલૂ યાદવ અને રાબડી દેવી સાથે તેજસ્વી યાદવ પણ આરોપી છે. આ કેસમાં ઓગસ્ટ 2018માં EDએ ચાર્જશીટ દાખલ કરી હતી. અત્યાર સુધી આ કેસમાં નિર્ણય આવ્યો નથી. આ કેસમાં સીબીઆઈએ તેજસ્વી યાદવ સાથે પૂછપરછ પણ કરી હતી.

આ કેસમાં FIRમાં કહેવામાં આવ્યું છે કે લાલૂ યાદવે એક પ્રાઈવેટ કંપનીને ફાયદો પહોંચાડવા માટે પોતાના પદનો દુરપયોગ કર્યો. આના બદલામાં તેમને એક અજ્ઞાત કંપની ડિલાઈટ માર્કેટિંગ તરફથી કિંમતી જમીન મળી.

સુજાતા હોટલ્સના કરાર મળ્યા પછી 2010 અને 2014 વચ્ચેલ ડિલાઈટ માર્કેટિંગ કંપનીના માલિક બદલાઈ ગયા અને તેનો હક્ક રાબડી દેવી અને તેજસ્વી યાદવ પાસે આવી ગયો. જોકે, આ દરમિયાન લાલૂ રેલ મંત્રીના પદથી રાજીનામું આપી ચૂક્યા હતા. આરોપ પત્રમાં ઈડીએ લાલૂ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ, પૂર્વ મંત્રી પ્રેમચંદ્ર ગુપ્તા, તેમની પત્ની સરલા ગુપ્તા અને તત્કાલીન એમડી બીકે અગ્રવાલ સહિત અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.

સૃજન કૌભાંડ ભાગલપુરની સૃજન મહિલા વિકાસ સહયોગ સમિતિ નામની એનજીઓ સાથે સંબંધિત છે. તેની શરૂઆત મનોરમા દેવીએ વર્ષ 1993-94માં કરી હતી. મનોરમા દેવીના મૃત્યુ પછી તેમના પુત્રવધૂ પ્રિયા કુમાર અને તેમના પતિ અમિત કુમારે સર્જનનું કામ સંભાળ્યું.

બિહારમાં JDU-BJP સરકાર હેઠળ વર્ષ 2007-2008માં ભાગલપુરના સબૌરમાં સૃજન કો-ઓપરેટિવ બેંક ખોલ્યા બાદ કૌભાંડની રમત શરૂ થઈ હતી. ભાગલપુર ટ્રેઝરીના પૈસા સૃજન કો-ઓપરેટિવ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સરકારી નાણા બજારમાં લગાવવામાં આવ્યા હતા.

13 ઓગસ્ટ 2017ના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમારે કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ વિપક્ષના હુમલા વચ્ચે સૃજન કૌભાંડની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. સીબીઆઈએ 25 ઓગસ્ટ 2017ના રોજ એફઆઈઆર નોંધી કરીને સૃજન કૌભાંડમાં તેની તપાસ શરૂ કરી હતી. સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધીમાં 12 એફઆઈઆર નોંધી છે. તેની સાથે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. હાલમાં આ કૌભાંડના 15 આરોપીઓ જેલમાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ મામલામાં સીબીઆઈ નીતિશ કુમારના ઘણા સહયોગીઓની પણ પૂછપરછ કરી શકે છે, જેનાથી જેડીયુની મુશ્કેલી વધી શકે છે.

વરિષ્ઠ પત્રકાર ઉર્મિલેશ ઉર્મિલ કહે છે કે, જે રાજકીય પાર્ટીની જનતા અને સમાજમાં મૂળીયા છે અથવા જેમના પાસે જનાધાર છે, તેમને ગેર જરૂરી અને ખોટી રીતે હેરાન કરીને કોઈપણ રાજકીય પાર્ટી ખુબ જ લાંબી સફર નક્કી કરી શકતી નથી. (લાંબા સમય સુધી અસ્તિત્વ ટકાવી શકતી નથી). જે વર્તમાનનો આરજેડી નેતૃત્વ છે તે પહેલાની સરખામણીમાં વધારે સતર્ક છે.

ઉર્મિલેશ અનુસાર, નીતિશ કુમાર પણ વર્તમાન સમયના કોઈપણ નેતાના સરખામણીમાં અનુભવમાં ઓછા નથી. તે કારણ છે કે નીતિશ કુમાર સામે તે સમસ્યાઓ આવી નથી, જે મહારાષ્ટ્રના નેતાઓ સામે આવી છે.

બિહારની રાજનીતિને નજીકથી જાણનાર વરિષ્ઠ પત્રકાર ઉર્મિલેશ ઉર્મિલ કહે છે કે, તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી કે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી બિહારમાં તેજ થશે. પરંતુ આપણે તે સમજવાની જરૂરત છે કે, બિહારની જનતાનો મૂડ આ સમયે JDU-RJD ગઠબંધન સાથે છે. જનતાનો મૂડ સરકારને મદદ કરશે, તેમને શક્તિ આપશે અને નિર્ભીક થઈને સરકાર ચલાવવાનો રસ્તો બનાવશે.

ઉર્મિલેશ ઉર્મિલ અનુસાર, જો તમે વારંવાર ED-CBIનો ઉપયોગ કરશો, જેવી રીતે હાલના દિવસોમાં આખા દેશમાં કરવામાં આવી રહ્યો છે, તો એક દિવસ એવી સ્થિતિ ઉત્પન્ન થશે કે જનતાને લાગશે કે ઈડીનો અર્થ બીજેપી. જોકે, હાલ પણ લોકો એવું કહેવા લાગ્યા છે કે, ઈડી તો બીજેપીની છે.

(12:41 am IST)