Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કેન્દ્રીય ટીમનો અહેવાલઃ મહારાષ્ટ્ર-પંજાબ-છત્તીસગઢમાં અનેક ખામીઓઃ કયાંક ઓકિસજનની અછત તો કયાંક વેન્ટીલેટર નથી

ત્રણેય રાજ્યોના ૫૦ જેટલા જિલ્લાઓમાં કોરોનાના નિયમોનું પાલન નથી થતું

નવી દિલ્હી, તા. ૧૨ :. કેન્દ્ર દ્વારા વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવેલી ટીમોએ રીપોર્ટ આપ્યો છે કે મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત ૫૦ જિલ્લાઓમાં કોવિડ-૧૯ના નિયમોનું પાલન થતુ નથી. આ જિલ્લાઓમાં કોરોના વિરૂદ્ધ ઝુંબેશ ચલાવવા માટે ન તો પુરતી સંખ્યામાં સ્ટાફ છે કે ન તો પુરતી તપાસ થઈ રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ ટીમોના રીપોર્ટના આધાર પર આ ત્રણેય રાજ્યોને પત્રો લખી ચેતવ્યા છે. ત્રણેય રાજયોમાં કોરોના તપાસ, સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ, હોસ્પીટલોની ઉપલબ્ધતા વગેરે અંગે સવાલો ઉઠાવ્યો છે.

૫૦ સૌથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૩૦ તો મહારાષ્ટ્રના જ છે. જ્યારે ૧૧ છત્તીસગઢના અને ૯ પંજાબના છે. ટીમોએ જણાવ્યુ છે કે પટીયાલામાં તપાસ થતી નથી અને રૂપનગરમાં આરટીપીસીઆર લેબ પણ નથી. ટીમે જણાવ્યુ છે કે મહારાષ્ટ્રના ૩ જિલ્લામાં હોસ્પીટલો ફુલ છે પણ ઓકિસજન નથી.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કયાંક વેન્ટીલેટર કામ કરતા નથી તો કયાંક ઓકિસજનની અછત છે. જ્યારે પંજાબમાં પુરતા સ્વાસ્થ્ય કર્મચારીઓ નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૫ રાજ્યોમાં જ ૭૦ ટકાથી વધુ એકટીવ કેસ છે.

(9:48 am IST)