Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

રસીની અછત બાબતે કર્ણાટક હાઇકોર્ટ કાળઝાળ

સરકારને આડે હાથ લીધી : રસીના ૧૧ લાખ ડોઝ સામે લેવાવાળાની સંખ્યા ૩૧ લાખ : લોકોના મૌલિક અધિકાર સાથે છેડછાડ શા માટે ?

બેંગ્લોર તા. ૧૪ : કોરોના સામેની રસીની સર્જાયેલ અછતને ધ્યાને લઇ કર્ણાટક હાઇકોર્ટ સમસમી ઉઠી છે. સરકારને આડેહાથ લઇ સવાલોનો ઝડી વરસાવી દીધી છે.

રાજયમાં કોરોનાએ ગંભીરતા સર્જી છે. ત્યારે વેકસીનનો એક ડોઝ લઇ લેનારાઓને સમયસર બીજો ડોઝ ન મળી શકવા બાબતે આક્રોશ ઠાલવ્યો છે. ચીફ જસ્ટીશ અભય ઓકા અને જસ્ટીશ અરવિંદ કુમારની બેંચે કહ્યુ છે કે રાજયમાં ૧૧ લાખ રસીના ડોઝ છે. જયારે રસી લેવા માટે વેઇટીંગમાં ૩૧ લાખ લોકો છે. આ બેલેન્સ કઇ રીતે થશે?

હાઇકોર્ટે રસીની અછત સામે આક્રોશભેર સવાલ ઉઠાવ્યો કે વેકસીનનો બીજો ડોઝ સમયસર મેળવવો એ લોકોનો મૌલિક અધિકાર નથી?

કોર્ટે એડીશનલ સોલીસીટર જનરલ ઓફ ઇન્ડિયા એશ્વર્ય ભાટીને પુછયુ કે તમે આ ગાળો કેવી રીતે ઘટાડશો? કોર્ટે સરકારને એવું પણ પુછયુ કે વેકસીનનો બીજો ડોઝ સમયસર ન લેવાથી શું પરિણામ આવી શકે?  કોર્ટે પુછયુ કે કલમ ૨૧ મુજબ સમય અવધીની અંદર રસીકરણનો બીજો ડોઝ લેવો એ લોકોનો મૌલિક અધિકાર નથી?

એએસજીએ કોર્ટને એવુ જણાવ્યુ કે નકિક સમય અવધિ પછી પણ વેકસીનનો બીજો જોઝ લઇ શકાય કે નહીં તે બાબતને લઇને કોર ટીમ અભ્યાસ કરી રહી છે. અને બે દિવસમાં રીપોર્ટ આપી દેશે.

આ અંગે કોર્ટ બેંચે જણાવ્યુ કે આ બધા બહાના છે જે અમને બતાવવામાં આવી રહ્યા છે. રસીની અછત કેમ દુર કરવામાં આવશે તે સાફ સાફ જણાવવા સુચના અપાઇ હતી.

એએસજીએ બેંચને જણાવેલ કે રાજયોને એવી સલાહ દેવામાં આવી છે કે ૪૫ વર્ષથી મોટી વયના એ લોકોને પ્રાથમિકતા આપવી જેઓ રસીનો બીજો ડોઝ લેવાના હોય. રાજયોને એવુ પણ જણાવાયુ છે કે કેન્દ્ર તરફથી ફાળવાયેલ ૭૦% રસી બીઝા ડોઝ લેનારાઓ માટે જ વાપરવામાં આવે.

કોર્ટ બેંચે એવુ પણ જણાવેલ કે આવી સ્થિતિમાં મંત્રીઓએ ખોટી નિવેદનબાજીઓ કરવાને બદલે લોકોને સાચુ જણાવી દેવુ જોઇએ. ઉપલબ્ધ વેકસીનના ડેટાની સ્થિતી વેબસાઇટ ઉપર મુકી દેવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકારે બુધવારે ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે અસ્થાયી રીતે રસીકરણને અટકાવી દીધુ હતુ.

(12:56 pm IST)