Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજસ્‍થાનમાં અનામતની માગણી સાથે ફરી આંદોલન : ભરતપુરમાં ઇન્‍ટરનેટ બંધ

જયપુર-આગ્રા નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ચક્કાજામ : સૈની, કુશવાહા, મૌર્ય, શાક્‍ય, માલી સમાજે ૧૨ ટકા અનામતની માંગણી સાથે દેખાવો : કાયદો વ્‍યવસ્‍થા જાળવવા ઠેર-ઠેર પોલીસ તૈનાત

જયપુર,તા. ૧૪: રાજસ્‍થાનમાં ફરીથી અનામતની માગણી સાથે આંદોલન શરૂ થયું છે. આંદોલનકારીઓએ જયપુર-આગરા નેશનલ હાઈવે છેલ્લાં બે દિવસથી ચક્કાજામ કરી દીધો હોવાથી અસંખ્‍ય મુસાફરો ફસાઈ ગયા છે. સૈની, કુશવાહા, મૌર્ય, શાક્‍ય, માલી સમાજે ૧૨ ટકા અલગ અનામતની માગણી રાજય સરકાર સમક્ષ કરી છે.

અનામત સંઘર્ષ સમિતિના સંરક્ષક લક્ષ્મણ સિંહ કુશવાહાએ કહ્યું હતું કે આ માગણી વસતિના આધારે કરવામાં આવી છે. બંધારણની જોગવાઈ પ્રમાણે અનુચ્‍છેદ સંખ્‍યા ૧૬(૪)માં એવી જોગવાઈ છે કે રાજય સરકાર પછાત જ્ઞાાતિઓને વિશેષ અનામત આપી શકે છે. પહેલેથી જ સમાજોને અનામત મળે છે, પરંતુ એ કેટેગરીમાં અનેક જ્ઞાાતિઓનો સમાવેશ થતો હોવાથી વસતિ ૧૨ ટકા હોવા છતાં અનામતનો લાભ જોઈએ એવો આ સમાજોને મળતો નથી. અગાઉ આ મુદ્દે રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોતને રજૂઆત કરાઈ હતી અને તેમણે યોગ્‍ય નિર્ણય કરવાનું આશ્વાસન આપ્‍યું હતું, તેમ છતાં કોઈ જ નિર્ણય લેવાયો ન હોવાથી આંદોલન શરૃ કરાયું છે.

ભરતપુરના જે વિસ્‍તારોમાં આંદોલન શરૃ થયું છે તે વિસ્‍તારોમાં ઈન્‍ટરનેટની સેવા ૨૪ કલાક માટે બંધ કરવામાં આવી હતી. ભરતપુરના નદબઈ, વૈર ભૂસાવર, ઉચ્‍ચેન જેવા વિસ્‍તારોમાં ઈન્‍ટરનેટ બંધ કરવામાં આવ્‍યું છે. જિલ્લા કલેક્‍ટર આલોક રંજને કહ્યું હતું કે આંદોલનની અફવા રાજયમાં ફેલાય અને તેના વિડિયો ઠેર-ઠેર પ્રસરે તો અન્‍ય સ્‍થળોએ પણ કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જોખમમાં મૂકાઈ શકે છે. એ સ્‍થિતિ ન સર્જાય તે માટે ઈન્‍ટરનેટ સેવા બંધ કરાઈ હતી.

રાજય સરકારે આંદોલનકારીઓ સાથે વાતચીત કરવા માટે મંત્રી વિશ્વેન્‍દ્ર સિંહની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળની રચના કરી છે. આંદોલન સમિતિએ કહ્યું હતું કે અધિકારીઓ સાથે કોઈ જ વાટાઘાટો કરવામાં આવશે નહીં એ પછી સરકારે મંત્રીની આગેવાનીમાં સમિતિ બનાવી હતી. મંત્રી વિશ્વેન્‍દ્ર સિંહે કહ્યું હતું કે જયપુર-આગરા હાઈવે ચક્કાજામ થયો હોવાથી અસંખ્‍ય લોકો પરેશાન થઈ રહ્યા છે. આંદોલનકારીઓ તુરંત એ હાઈવે ખાલી કરી દેશે તો વાટાઘાટો માટે માર્ગ મોકળો થઈ જશે.

રાજસ્‍થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગરા હાઈવે પર અસંખ્‍ય લોકો લાકડી લઈને પ્રદર્શનો માટે આવી પહોંચ્‍યા હતા. એ પછી સરકારી તંત્ર સક્રિય થયું હતું. રાજસ્‍થાનની સરકારે પણ વાટાઘાટોના પ્રયાસો શરૂ કર્યા છે. 

(10:25 am IST)