Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કૃષિ સુધારા માટે તે એક મહત્વપૂર્ણ પગલું છે

IMF એ કૃષિ કાયદાના ભરપેટ કર્યા વખાણ

વોશિંગ્ટન, તા.૧૫: નવા કૃષિ કાયદા વિરુદ્ઘ ખેડૂતોનું પ્રદર્શન છેલ્લા ૫૧ દિવસથી ચાલુ છે અને સુપ્રીમ કોર્ટે કાયદાના અમલ પર આગામી આદેશ સુધી વચગાળાની રોક લગાવેલી છે. જો કે આ બધા વચ્ચે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ કૃષિ કાયદાના વખાણ કર્યા છે અને કહ્યું કે કૃષિ સુધારા માટે તે એક મહત્વપૂર્ણ પગલું છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના સંચાર ડાયરેકટર ગેરી રાઈસે વોશિંગ્ટનમાં એક પત્રકાર સંમેલનમાં કહ્યું કે, 'અમારૂ માનવું છે કે ભારત સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિ કાયદામાં કૃષિ સુધારા માટે એક મહત્વપૂર્ણ પગલાંનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા છે. જો કે નવી પ્રણાલિથી જે લોકો પ્રભાવિત થઈ શકે છે તેમના માટે સામાજિક સુરક્ષાને મજબૂત કરવાની જરૂરિયાત છે.

રાઈસે કહ્યું કે, ' આ કાયદાથી ખેડૂતોને વિક્રેતાઓ સાથે સીધા કરાર કરવામાં અને ખેડૂતોને વચેટિયાઓની ભૂમિકા ઓછી કરીને વધારે ફાયદો મેળવવામાં વધુ મદદ મળશે. આ ઉપરાંત નવા કાયદાથી કાર્યક્ષમતા અને ગ્રામીણ વિકાસમાં પણ ફાયદો થશે.

IMFના પ્રવકતાએ કૃષિ કાયદા વિરુદ્ઘ ચાલી રહેલા વિરોધના સવાલ પર કહ્યું કે એ મહત્વપૂર્ણ છે કે જે લોકો આ નવી પ્રણાલિ લાગુ થવાથી પ્રતિકૂળ રીતે પ્રભાવિત થઈ શકે છે તેમને પૂરતી સામાજિક સુરક્ષા મળે. તેમણે વધુમાં કહ્યું કે પ્રભાવિત લોકો માટે નોકરી સુનિશ્ચિત કરીને તેમ કરી શકાય છે.

(4:35 pm IST)