Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સિચુઆનમાં વીજકાપથી લિથિયમ સહિતની પ્રોડક્ટ ઉત્પાદનમાં ઘટાડો

આવાસીય વીજ પુરવઠાને પ્રાથમિકતા આપવા નિર્ણય : વિક્ષેપથી ૧૨૦૦ ટન લિથિયમ પ્રોડક્શનમાં ઘટાડો થશે

બેજિંગ, તા.૧૬ : ચીનના સિચુઆન પ્રાંતમાં વીજકાપના કારણે બ્લેકઆઉટ થયુ છે. જેના કારણે અહીં ૬ દિવસ માટે પ્રોડક્શન ઠપ થઈ ગયુ છે. બ્લેકઆઉટના કારણે અહીં અમુક મોટી કંપનીઓએ પોતાનુ પ્રોડક્શન રોક્યુ છે. સિચુઆન પ્રાંતને લિથિયમ પ્રોડક્શનનો ગઢ માનવામાં આવ્યા છે. એલ્યુમિનિયમ, લિથિયમ અને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ બનાવનારી અનેક મોટી કંપનીઓ સિચુઆનમાં છે. આ સિવાય સિચુઆનને ચીનનુ મોટુ પાવર સપ્લાય પ્રાંત પણ કહેવામાં આવે છે.

ચીનના દક્ષિણ-પશ્ચિમમાં પ્રાંત દેશના અડધા લિથિયમનુ ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ ઈલેક્ટ્રિક વાહનો માટે બેટરીમાં કરવામાં આવે છે અને તેની જળવિદ્યુત પરિયોજનાઓ દેશના પૂર્વ કિનારાની સાથે ઓદ્યોગિક કેન્દ્રને વીજળી પ્રદાન કરે છે પરંતુ સ્થાનિક સરકારે આવાસીય વીજ પુરવઠાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. રવિવારે જારી એક નોટિસ અનુસાર પ્રાંતના ૨૧ માંથી ૧૯ શહેરોમાં ઓદ્યોગિક ઉપયોગકર્તાઓને શનિવાર સુધી ઉત્પાદન સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

એલ્યુમિનિયમ ઉત્પાદક હેનાન ઝોંગફૂ ઈન્ડસ્ટ્રિયલ અને ખાતર ઉત્પાદકો સિચુઆન મેઈફેંગ કેમિકલ ઈન્ડસ્ટ્રી સહિત અમુક કંપનીઓએ સ્ટોક એક્સચેન્જના નિવેદનોમાં કહ્યુ કે તે ઉત્પાદનને સસ્પેન્ડ કરી રહ્યા છે. જોકે, અમુક કંપનીઓને તેમની ઉત્પાદન જરૃરિયાતોના આધારે સીમિત ક્ષમતા પર કામ કરવાની પરમિશન હશે.

સૂત્રો અનુસાર આ પાંચ દિવસમાં કામગીરીમાં વિક્ષેપના કારણે ૧૨૦૦ ટન લિથિયમ પ્રોડક્શનમાં ઘટાડો થશે. ચીનમાં અત્યારે ખૂબ ગરમી પડી રહી છે અને અમુક મુખ્ય શહેરોએ અત્યાર સુધીના સૌથી ગરમ દિવસો નોંધાયા છે. ચીનની રાષ્ટ્રીય વેધશાળાએ સોમવારે સૌથી વધારે તાપમાન માટે રેડ એલર્ટ જારી કર્યુ છે. દેશના અમુક ભાગમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતુ રહ્યુ છે. પશ્ચિમ ચીન પર નિર્ભર ઝેજિયાંગ, જિઆંગસુ અને અનહુઈ સહિત પ્રાંતોએ પણ ઓદ્યોગિક ઉપયોગકર્તાઓ માટે વિજળી પર પ્રતિબંધ લગાવી દીધો છે જેથી એ નક્કી કરવામાં આવી શકે કે ઘરમાં પર્યાપ્ત વિજળી હોય.

 

(7:29 pm IST)