Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ફરીવાર કકળાટ:પૂર્વ ધારાસભ્યે પ્રદેશ  પ્રમુખને હટાવવા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સમક્ષ કરી માંગ

મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને બદલવાની ફરિયાદ અને માગ સાથે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા આશિષ દેશમુખ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા

મહારાષ્ટ્રમાં કોંગ્રેસની હાલત ચિંતાજનક છે. કોંગ્રેસ ચારે બાજુથી સાવ પડી ભાંગી રહી છે. એ ગેરસમજ છે કે સત્તા ગુમાવ્યા પછી પણ મહાવિકાસ અઘાડીની એકતા અતૂટ છે. આ સ્થિતિમાં મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને બદલવાની જરૂર છે. આ ફરિયાદ અને માગ સાથે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા આશિષ દેશમુખ  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. તેમણે ફરિયાદ કરી હતી કે જ્યારે નાના પટોલે કોંગ્રેસના અધ્યક્ષ છે ત્યારે કોંગ્રેસ દિવસેને દિવસે ડૂબી રહી છે.

આશિષ દેશમુખે 30 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં 5 બેઠકો માટે મતદાન પહેલાં નાસિક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બળવો કરવા માટે પટોલેને પણ જવાબદાર ઠેરવ્યા હતા. આ સાથે તેમણે કહ્યું કે, ડિસેમ્બર 2021માં વિધાન પરિષદની નાગપુર બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ભોઇર હતા. પરંતુ એક નાટકીય ઘટના બની હતી. અચાનક અપક્ષ ઉમેદવાર મંગેશ દેશમુખને ઉમેદવારી આપવામાં આવી હતી. જેના કારણે ભાજપના ચંદ્રશેખર બાવનકુળે જીત્યા, જેઓ આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશિષ દેશમુખે કહ્યું કે, ફેબ્રુઆરી 2021માં અધ્યક્ષ પદની જવાબદારી સંભાળતી વખતે નાના પટોલેએ કહ્યું હતું કે આવનારા સમયમાં તેઓ કોંગ્રેસને મહારાષ્ટ્રમાં નંબર વન પાર્ટી બનાવશે. પરંતુ તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસ સતત નીચે જતી રહી છે. તેમણે કહ્યું કે ચંદ્રકાંત હાંડોરે જૂન 2022ની વિધાન પરિષદની ચૂંટણીમાં નંબર વન ઉમેદવાર હતા. પરંતુ ભાઈ જગતાપને વધુ મત મળ્યા અને હાંડોરે ચૂંટણી હારી ગયા. હાઈકમાન્ડે હાંડોરેને જીતાડવા સૂચના આપી હતી, પરંતુ પરિણામ સૂચનાઓ વિરુદ્ધ આવ્યું.

(10:21 pm IST)