Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

અર્થતંત્ર દોડયું...કેન્‍દ્રને જલ્‍સો...ટેક્ષ આવક તિજોરી છલકાવશે

કેન્‍દ્ર સરકારના બજેટ લક્ષ્યાંક ૨૨.૨ લાખ કરોડ કરતાં ૨.૫ લાખ કરોડ વધુ થશે ટેક્ષની આવક : પેટ્રોલ-ડિઝલ-જીએસટી-વ્‍યકિતગત આયકર-કોર્પોરેટ ટેક્ષ સંગ્રહ વગેરે સરકાર માટે કમાઉ દીકરો સાબિત થશે

નવી દિલ્‍હી,તા. ૧૮: અપ્રત્‍યક્ષ કર ચુકવવામાં તેજી, કર અનુપાલનમાં સુધારો અને મહામારીની બીજી લહેર પછી મોટા ભાગના સેકટરોમાં સુધારાના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સરકારની કરની આવક ૨૨.૨ લાખ કરોડના બજેટ લક્ષ્યની આગળ નિકળી શકે છે.
ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ માસિકમાં વ્‍યકિતગત આવકવેરા અને કોર્પોરેટ કર સંગ્રહ રિફંડ પછી ૭૫ ટકા વધીને ૫.૭૦ લાખ કરોડ રહ્યો હતો. એડવાન્‍સ ટેક્ષ અને ટીડીએસમાં તેજીથી કર સંગ્રહ વધ્‍યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ પ્રકારના કરનું લક્ષ્ય ૧૧.૦૮ લાખ કરોડ રખાયું છે. અને મોટાભાગનું પેમેન્‍ટ સામાન્‍ય રીતે નાણાકીય વર્ષના અંતમાં થતુ હોય છે. એવી જ રીતે તહેવારોના મહિનામાં ગ્રાહકોનો ખર્ચ વધવાથી જીએસટી સંગ્રહ માસિક ૧.૧ લાખ કરોડ રૂપિયાથી વધારે રહેવાની આશા છે. પેટ્રોલ અને ડીઝલમાંથી પણ સરકારને ઘણુ બધુ ઉત્‍પાદન શુલ્‍ક મળે છે.
૨૦૨૧-૨૨ના બજેટમાં ૨૨.૧૭ લાખ કરોડ રૂપિયાના કર સંગ્રહનું લક્ષ્ય રખાયુ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્‍યોને ચુકવ્‍યા પછી કેન્‍દ્રને શુધ્‍ધ કરની આવક ૧૫.૪૫ લાખ કરોડ રૂપિયા થવાનું અનુમાન છે. કેન્‍દ્રને જીએસટી દ્વારા આ વર્ષે ૬.૩૦ લાખ કરોડ મળવાની આશા છે.
અર્થશાષાીઓને પણ લાગે છે કે કરસંગ્રહ આ વર્ષના બજેટ અંદાજ કરતા વધારે રહેશે. એસબીઆઇ ગ્રુપના મુખ્‍ય આર્થિક સલાહકાર સૌમ્‍યકાંતિ ઘોષે કહ્યું, ‘અમારા અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં રાજસ્‍વ સંગ્રહ બજેટ અનુમાનથી ૨.૫ લાખ કરોડ રૂપિયા વધારે રહી શકે છે અને કુલ કર સંગ્રહ ૨૪ લાખ કરોડ રૂપિયાથી વધારે રહેશે. પ્રત્‍યક્ષ અને અપ્રત્‍યક્ષ કર સંગ્રહમાં જોરદાર વૃધ્‍ધિથી કરસંગ્રહમાં વધારો થવાની આશા છે.

 

(10:06 am IST)