Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

એમ. એસ. યુનિ.નો ૭૧મો પદવીદાન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

નવપદવીધારકો પોતાના વિકાસ સાથે દેશના વિકાસનું લક્ષ્ય લઈને આગળ વધે: વિદ્યાર્થીઓ શિક્ષા-દીક્ષાનો ઉપયોગ સમાજને આગળ લઈ જવા માટે કરે: ભાષાકીય લઘુતાગ્રંથિમાંથી બહાર આવી માતૃભાષા પર ગૌરવ કરો:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણ નીતિ થકી દેશના યુવાઓ માટે અનેકવિધ તકોનું સર્જન કર્યું છે: અમિતભાઇ શાહ :ડિગ્રી સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આવડત રાજ્ય અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે: ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ:૧૯૧ વિદ્યાર્થીઓને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ૩૦૨ સુવર્ણચંદ્રક એનાયત કરાયા:એમ. એસ. યુ.ના નવનિર્મિત એમ.આર.આઈ.ડી ભવનનું શાહના હસ્તે ડિજિટલી લોકાર્પણ

અમદાવાદ :કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે નવપદવીધારકોને પોતાના વિકાસ સાથે દેશના વિકાસનું લક્ષ્ય લઈને આગળ વધવા માટે હાંકલ કરી હતી. સમગ્ર દેશ અને દુનિયાને પોતાના જ્ઞાન થકી આગળ લઈ જવા માટે યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો. આજે તમે વિદ્યાર્થી જીવનમાંથી સમાજ જીવનમાં પદાર્પણ કરી રહ્યા છો, ત્યારે સયાજીરાવના સિદ્ધાંતોને આત્મસાત કરી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરવા તેમણે જણાવ્યું હતું.
મહારાજા સયાજીરાવે ગુલામીના કાળખંડમાં શિક્ષણ, સંસ્કાર, ઉદ્યોગ અને વ્યક્તિનિર્માણનું ભગીરથ કાર્ય પોતાના સુશાસન થકી કર્યું હતું, તેનું સ્મરણ કરતા શાહે જણાવ્યું હતું કે, મહર્ષિ અરવિંદથી લઈને દિવંગત આઈ. જી. પટેલ જેવા અનેક મહાનુભાવો આ યુનિવર્સિટીએ દેશને આપ્યા છે. જેઓએ પોતાના યોગદાન થકી સમગ્ર દેશ સહિત વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી હતી.
વડોદરામાં સયાજીનગર ગૃહ ખાતે યોજાયેલ એમ.એસ.યુનિવર્સિટીના ૭૧ માં પદવીદાન સમારોહમાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને યુનિ.ના ચાન્સેલર શુભાંગિનીદેવી ગાયકવાડની ઉપસ્થિતિમાં ૭૭ વિદ્યાર્થીનીઓને ૧૧૫  સુવર્ણચંદ્રક અને ૧૧૪ વિદ્યાર્થીનીઓને ૧૮૭ સુવર્ણ ચંદ્રક સહિત ૧૯૧ વિદ્યાર્થીઓને કુલ ૩૦૨ સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા.આ પદવીદાન સમારોહમાં ૬૭૧૩ વિદ્યાર્થીઓ અને ૮૦૪૮ વિદ્યાર્થીનીઓ સહિત કુલ ૧૪,૭૬૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
આ અવસરે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલયના નવનિર્મિત એમ.આર.આઈ.ડી ભવનનું ડિજિટલી લોકાર્પણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે વિદ્યાર્થીઓને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, આજે અહીંથી તમે જે શિક્ષા-દીક્ષા લીધી છે, તેનો ઉપયોગ સમાજને આગળ લઈ જવા માટે કરવો જોઈએ. ભાષાકીય લઘુતાગ્રંથિમાંથી બહાર આવી પોતાની માતૃભાષાને હંમેશા યાદ રાખવા તેમણે અનુરોધ કર્યો હતો. ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે, સ્વભાષા વ્યક્તિનિર્માણનું મહત્વનું અંગ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. માતૃભાષાનો હંમેશા સંવર્ધન કરવા તેમણે આગ્રહ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને માતૃભાષા જેવા મહત્વના તત્વોનો સંગમ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને સ્ટ્રીમલેસ અને ક્લાસલેસ બનાવવાની સાથે તેમાં મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ નવી શિક્ષણ નીતિનો દેશમાં તમામ વર્ગો અને પક્ષોએ સ્વાગત કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
શિક્ષણ પદવી, નોકરી, સુખ-સુવિધા માટે નહીં, પરંતુ સંપૂર્ણ માનવ બનવા માટેનું માધ્યમ હોવાનું જણાવી તેમણે વિદ્યાર્થીઓને આઝાદીના અમૃતકાળમાં પરિશ્રમ અને વિઝન સાથે નવા ભારતની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાને સાકાર કરવા હાંકલ કરી હતી. આઝાદીના અમૃતકાળમાં દેશનું નેતૃત્વ યુવાઓના હાથમાં હશે, ત્યારે તેમણે જીવનમાં ભારત પ્રથમ અને વિશ્વમાં તમામ ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હશે તે માટે સંકલ્પબદ્ધ થવા તેમણે અનુરોધ કર્યો હતો.
 શાહે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬ માં દેશમાં ૭૫૪ સ્ટાર્ટઅપ હતા, આજે તેની સંખ્યા ૧૭ હજારથી પણ વધારે છે. વર્ષ ૨૦૧૬ માં ૪ સ્ટાર્ટ અપ યુનિકોર્ન ક્લબની સાપેક્ષમાં આજે ૧૦૭ સ્ટાર્ટ અપ યુનિકોર્ન ક્લબ છે. જેમાં મહિલાઓની ભાગીદારી ૪૫ ટકા છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ત્રણ હજાર પેટન્ટની અરજીઓ પૈકી ૨૧૧ પેટન્ટ ગ્રાન્ટ થઈ હતી, જેની સાપેક્ષે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧.૫૦ લાખ પેટન્ટની અરજીઓ પૈકી ૨૪ હજાર ગ્રાન્ટ થઈ છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
દેશમાં અગાઉ ૪૦ કેન્દ્રીય વિદ્યાલયો હતી, જેની સામે આજે ૪૬ કેન્દ્રીય વિદ્યાલયો છે. આવી જ રીતે, આઈ. આઈ. ટી. ૧૬ સામે ૨૩, આઈ. આઈ. એમ. ૧૩ સામે ૨૦, એઈમ્સની સંખ્યા ૭ ની સામે હાલ ૨૨, આઈ. આઈ. આઈ. ટી. ૯ થી વધીને ૨૫, મેડીકલ કોલેજ ૩૮૭ થી વધીને ૫૯૬, યુનિવર્સિટીઝ ૭૨૩ થી વધીને ૧૦૪૩, કોલેજની સંખ્યા ૩૬,૦૦૦ થી વધીને ૪૨,૩૪૩ સુધી પહોંચી છે. વડાપ્રધાનશ્રીએ ખેલો ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને યોગા જેવા નવા પ્રકલ્પો દ્વારા ભાવિ પેઢી માટે નવી તકોનું સર્જન કર્યું છે, ત્યારે આ તકોનો લાભ લઈને યુવાનો પોતાની કારકિર્દીનું ઘડતર કરે તે જરૂરી છે. દેશની ઈકો સિસ્ટમ યુવાઓ સાથે હોવાનું શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યુ હતું.
 શાહે વિદ્યાર્થીઓને સયાજીરાવના શાસનસૂત્રો (માઈનર હિંટ) અવશ્ય વાંચવાનો આગ્રહ કરી સયાજીરાવના સુશાસન પ્રણાલીની ઉદાહરણો સાથે સમજ આપી તેમના સુશાસનના કાર્યોનું સંસ્મરણ કર્યું હતું.
યુનિ.ના ચાન્સેલર રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડે પદવીધારકોને માનવકલ્યાણ અને સમૃદ્ધિ માટે સખત મહેનતથી કામ કરવાનો માર્ગ પ્રશિસ્ત કરી પોતાના ચારિત્ર્ય, સંસ્કાર થકી યુનિ.નું નામ ગૌરવાન્તિ કરવા  જણાવ્યું હતું.
ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધીને જણાવ્યું કે, માત્ર ડિગ્રી કામ નહી આવે, પરંતુ ગુણવત્તા અને આવડત જ દેશ અને રાજ્યને નવી દિશામાં લઈ જશે. મહિલા શિક્ષણ, ફરજીયાત શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, પુસ્તકાલયોની સ્થાપના સહિત શિક્ષણ ક્ષેત્રે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરેલા ભગીરથ પરિવર્તન અને પહેલોને તેમણે આ પ્રસંગે યાદ કરી હતી.
આઝાદીના અમૃત મહોત્સવમાં આ તેજસ્વી યુવાઓ શિક્ષણના માધ્યમથી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવશે, તેવી પરિકલ્પના વ્યક્ત કરતા તેમણે નવા ભારતની દોર વિદ્યાર્થીઓના હાથમાં હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ નવી શિક્ષણ નીતિને તેમણે આપણી સંસ્કૃતિના મૂળ સાથે ભવિષ્યને જોડનારી અને ભારતને નવી ઊંચાઈ સુધી લઈ જનારી ગણાવી હતી.
પ્રારંભમાં વાઈસ ચાન્સેલર ડો.વિજયકુમાર શ્રીવાસ્તવે  સૌનો આવકાર કરી યુનિવર્સિટીની વિવિધ પ્રવૃતિઓની જાણકારી આપી હતી. 
આ પ્રસંગે મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુકલા, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ,મેયર નિલેશ રાઠોડ, ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ, મનીષાબેન વકીલ, કેયુર રોકડીયા,ચૈતન્ય દેસાઈ, શૈલેષભાઈ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા, અગ્રણીઓ,પદાધિકારીઓ, શિક્ષણવિદો, યુનિ.વિવિધ ફેકલ્ટીના ડીન, સિંડીકેટ,સેનેટ સભ્યો, નગર સેવકો,પોલીસ કમિશનર ડો.શમશેરસિંહ, કલેકટર અતુલ ગોર, મ્યુનિ.કમિશનર બી.એન.પાની, પી.એચ.ડી ના વિદ્યાર્થીઓ સહિત વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

(9:49 pm IST)