Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની આશંકા! પુણેમાં ફરીથી લાગ્યું વીકેન્ડ લોકડાઉન

સરકારી અને ખાનગી કંપનીઓ અડધા એટલે કે ૫૦% સ્ટાફ સાથે ચાલુ રહેશે

પુણે, તા.૧૯: અનલોકની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા પુણે શહેરમાં ફરીથી વીકેન્ડ લોકડાઉન લગાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોનાને ફેલાતો અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. વીકેન્ડ પર જીવન જરૂરી ન હોય તેવી વસ્તુઓની દુકાનો બંધ રહેશે. આદેશ પ્રમાણે રાત્રે ૧૦ વાગ્યા પછી કારણ વગર બહાર ફરવાની પણ મનાઈ કરી દેવામાં આવી છે. જોકે, હજુ સુધી એવું સ્પષ્ટ નથી થયું કે ફરીથી લગાવવામાં આવેલા પ્રતિબંધ કયાં સુધી અમલમાં રહેશે. અમુક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે મહારાષ્ટ્રમાં બહુ ઝડપથી ત્રીજી લહેર આવી શકે છે.

પીએમસી કમિશનર વિક્રમ કુમારે શુક્રવારે આ આદેશ કર્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જીવન જરૂરી ન હોય એવી વસ્તુઓની દુકાનો, મોલ, સલૂન, બ્યૂટી પાર્લર, સ્પા, બાર અને ફૂડ કોર્ટ્સ વીકેન્ડમાં બંધ રહેશે. આ પ્રતિબંધ પીએમસી, પુણે કેન્ટોનમેન્ટ બોર્ડ, કિર્કી કેન્ટોનમેન્ટ બોર્ડ ક્ષેત્રમાં લાગૂ રહેશે.

PMCએ ૧૪ જૂનથી હટાવવામાં આવેલા અમુક પ્રતિબંધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન સરકારી અને ખાનગી કંપનીઓ અડધા એટલે કે ૫૦% સ્ટાફ સાથે શરૂ રહેશે. લાઇબ્રેરી, કોચિંગ કલાસિસ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ ૫૦ ટકા ક્ષમતા સાથે શરૂ રહેશે. જરૂરી સેવામાં શામેલ લોકો લોકલ ટ્રેન સેવાનો ઉપયોગ કરી શકશે. જયારે જાહેર પરિવહન માટે બસ સેવા ૫૦ ટકા ક્ષમતા સાથે શરૂ રહેશે. આ દરમિયાન કોઈ પણ મુસાફરને ઊભા રહીને મુસાફરી કરવાની પરવાનગી નહીં આપવામાં આવે.

ગાર્ડન અથવા ખુલ્લા મેદાન જેવી જાહેર જગ્યાઓ સવારે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી ખુલી શકશે. આખો દિવસ આઉટડોર રમત રમી શકાશે. જયારે ઇન્ડોર ગેમ્સ માટે સવારે પાંચથી નવ અને સાંજે પાંચ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સાંજે સાત વાગ્યા સુધી જ કરી શકાશે. આ દરમિયાન ફકત ૫૦ લોકો જ શામેલ થઈ શકશે. લગ્નમાં ૫૦ અને અંતિમ સંસ્કારમાં ૨૦ લોકો શામેલ થઈ શકશે.

નવા નિયમોની અસર બાંધકામ ક્ષેત્ર અને ઈ-કોમર્સ સેવાઓ પર નહીં પડે. ઉલ્લેખનીય છે કે રાજય સરકાર તરફથી તબક્કાવાર છૂટ આપવામાં આવ્યા બાદ પુણેમાં મોટાભાગના પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા હતા. અમુક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે મહારાષ્ટ્રમાં બહુ ઝડપથી ત્રીજી લહેર આવી શકે છે.

(10:19 am IST)