Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ખશોગીની હત્યામાં સઉદી પ્રિન્સને છૂટ મળતા ટિક્કા થતા અમેરિકાએ વડપ્રધાન મોદીનું ઉદાહરણ આપ્યું

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલએ કહ્યું -અમેરિકાએ આવું પહેલીવાર કર્યું નથી. ભૂતકાળમાં પણ ઘણા રાજ્યોના વડાઓને આ પ્રકારની છૂટ આપવામાં આવી છે

નવી દિલ્હી : અમેરિકામાં જો બાઇડેન પ્રશાસને તાજેતરમાં સાઉદી અરેબિયાના પ્રિન્સ અંગે એક નિર્ણય આપ્યો હતો, જેના માટે તેમની ખૂબ ટીકા થઈ રહી છે. નિર્ણય એ છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પત્રકાર જમાલ ખાશોગીની હત્યાના કેસમાંથી રાહત મળી છે. ટીકાઓ અંગે હવે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતના વડાપ્રધાન મોદીનું ઉદાહરણ આપ્યું છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલને પૂછવામાં આવ્યું કે શું ભવિષ્યમાં કોઈ નેતાને આવી છૂટ આપવામાં આવશે, તો તેમણે કહ્યું-અમેરિકાએ આવું પહેલીવાર કર્યું નથી. ભૂતકાળમાં પણ ઘણા રાજ્યોના વડાઓને આ પ્રકારની છૂટ આપવામાં આવી છે.

પટેલે ઉદાહરણો ટાંકીને જણાવ્યું હતું કે 1993માં હૈતીમાં પ્રેસિડેન્ટ એરિસ્ટાઇડ 2001માં ઝિમ્બાબ્વેમાં રાષ્ટ્રપતિ મુગાબે, 2014માં ભારતમાં વડાપ્રધાન મોદી અને 2018માં DRCમાં પ્રેસિડેન્ટ કબિલાને પણ આવી રાહત આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 2005માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. 2002ના રમખાણોને જોતા અમેરિકાએ તેના વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મોદી પીએમ બનતાની સાથે જ 2014માં પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.

અમેરિકાનું કહેવું છે કે તેણે તેની નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી. પટેલે કહ્યું-જ્યાં સુધી બિન સલમાન વડા પ્રધાન પદ ધરાવે છે ત્યાં સુધી તેઓ યુએસ કોર્ટમાં કાર્યવાહીથી મુક્ત છે. તેઓ સરકારના વડા છે અને રાહત આપવાનો આ નિર્ણય કાયદેસર છે.

ખશોગીની ઓક્ટોબર 2018માં ઈસ્તાંબુલમાં સાઉદી કોન્સ્યુલેટમાં સાઉદી એજન્ટો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ ઓપરેશન માટે અમેરિકન ઈન્ટેલિજન્સ દ્વારા પ્રિન્સ મોહમ્મદને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં જ સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝે તેમના પુત્ર પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા.

અગાઉ જુલાઈમાં સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા યુએસ પ્રમુખ જો બાઇડેને કહ્યું હતું કે તેમણે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને અન્ય વરિષ્ઠ સાઉદી અધિકારીઓ સાથે પત્રકાર જમાલ ખાશોગીની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

(11:02 pm IST)