Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વર્ધામાં ફરીથી શાળા કોલેજો કરાઇ બંધ : યવતમાલમાં લોકડાઉન

મુંબઇ અને અકોલામાં સખ્તાઇ વધારી દેવાઇ : મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરથી ફફડાટ

મુંબઇ,તા. ૨૦: મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં કોરોનાની નવી લહેરે રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. વર્ધા જીલ્લામાં બધી શાળા -કોલેજો બંધ કરી દેવાઇ છે. અમરાવતીમાં વીક એન્ડ લોકડાઉન (શનિવાર સાંજથી સોમવાર સવાર સુધી) લાગુ કરાયા પછી યવતમાલમાં પણ ૧૦ દિવસ માટે લોકડાઉન લગાવી દેવાયો છે.

મુંબઇમાં બીએમસી તરફથી પણ સખત ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. નિયમોનું પાલન ન કરનાર સામે દંડ સહિત અન્ય કાર્યવાહીની ચેતવણી અપાઇ છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે અસરગ્રસ્ત જીલ્લાઓમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન નથી મળ્યો પણ વધી રહેલા કેસો ચિંતાજનક છે. મહારાષ્ટ્ર દેશનું સૌથી કોરોના પ્રભાવિત રાજ્ય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૦.૮૧ લાખ કેસ આવ્યા છે. જેમાંથી ૧૯.૮૭ લાખ લોકો સાજા થઇ ચૂકયા છે. રાજ્યમાં અત્યારે લગભગ ૪૧ હજાર એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં ૫૧ હજારથી વધારે લોકોના મત થઇ ચૂકયા છે.

મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે અને જળ સંસાધન પ્રધાન જયંત પાટીલ કોરોના પોઝીટીવ થયા છે. ટોપેએ ટવીટ કરીને પોતાના કોરોના પોઝીટીવ હોવાની માહિતી આપી છે. જ્યારે પાટીલ તે પહેલા જ સંક્રમિત થઇ ચૂકયા હતા.

(11:31 am IST)