Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ઓમિક્રોન કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં 3 ગણો ઝડપથી ફેલાય છે :કેન્દ્રએ જ્યોને આપી ચેતવણી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો :સ્થાનિક અને જિલ્લા સ્તરે ડેટા વિશ્લેષણ, કડક અને તાત્કાલિક નિયંત્રણની જરૂર

નવી દિલ્હી : કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે પત્રમાં કહ્યું છે કે ઓમિક્રોન કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ કરતા ત્રણ ગણો ઝડપથી ફેલાય છે. તેથી સ્થાનિક અને જિલ્લા સ્તરે ડેટા વિશ્લેષણ, કડક અને તાત્કાલિક નિયંત્રણની જરૂર છે.

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 216 કેસની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 65 કેસ છે. જ્યારે દિલ્હીમાં 54 કેસની પુષ્ટિ થઈ છે. તેલંગાણામાં આ પ્રકારના 20 કેસ, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 18, કેરળમાં 15 અને ગુજરાતમાં 14 કેસ નોંધાયા છે. ઓમિક્રોનના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સતત બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે સામૂહિક મેળાવડા અને નવા વર્ષની ઉજવણી મોટા પાયે કરવાની જરૂર નથી.

જ્યારે બીજી બાજુ ઓમિક્રોનની દહેશત વચ્ચે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે,અમદાવાદ એરપોર્ટ પર 8 મુસાફરો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેના લીધે તંત્ર એલર્ટ હરકતમાં આવી ગયું હતું. શહેરમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન આંશિક વધારો જોવા મળી રહ્યો છે .લંડનથી આવેલી ફલાઇટમાં 246 મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા તેમાંથી 8 મુસાફરોના ટેસ્ટ કોરોના પોઝિટિવ મળી આવતાં હાહાકાર મચી જવા પામ્યો હતો,લંડન અને  તાન્ઝાનિયાથી આવેલા મુસાફરો સંક્રમિત મળી આવ્યા હતા. તંત્રે તરત તેમને આઇસોલેશન કરી દીધાં હતા.

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. અને આરોગ્ય મંત્રાલયે પણ કહ્યું કે સામૂહિક મેળાવડા અને નવા વર્ષની ઉજવણી મોટા પાયે કરવાની જરૂર નથી.

(9:23 pm IST)