Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

સંસદનું શિયાળુ સત્ર કાલે થશે પૂર્ણ : નિર્ધારિત સમયના એક દિવસ પહેલા પૂરી થશે કાર્યવાહી!

અત્યાર સુધીમાં મોટાભાગના સત્તાવાર કાયદાકીય કામકાજ પૂર્ણ થયા હોવાથી વર્તમાન સત્ર નિર્ધારિત સમયપત્રકના એક દિવસ પહેલા જ પૂરું થાય તેવી સંભાવના

નવી દિલ્હી :સંસદનું શિયાળુ સત્ર તેના નિર્ધારિત સમયના એક દિવસ પહેલા સમાપ્ત થવાની સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં મોટાભાગના સત્તાવાર કાયદાકીય કામકાજ પૂર્ણ થઈ ગયા હોવાથી વર્તમાન સત્ર તેના નિર્ધારિત સમયપત્રકના એક દિવસ પહેલા જ પૂર્ણ કરવામાં આવી શકે છે. વર્તમાન શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થયું હતું અને 23 ડિસેમ્બર સુધી ચાલવાનું હતું. શિયાળુ સત્રમાં સરકારે ઘણા મહત્વપૂર્ણ બિલ પાસ કર્યા છે

આ શિયાળુ સત્રમાં વિપક્ષી સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો પણ ગરમાયેલો રહ્યો. આ અંગે વિપક્ષોએ ખૂબ પ્રદર્શન કર્યું છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને અનેક વિપક્ષી નેતાઓએ 12 સાંસદોનું સસ્પેન્શન રદ્દ કરવાની હાકલ કરી હતી. તેમનો દાવો છે કે આ સાંસદોનું સસ્પેન્શન ગેરબંધારણીય છે. 29 નવેમ્બરે તેમના સસ્પેન્શન બાદથી આ સાંસદો સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે ધરણા કરી રહ્યા છે.

સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું કહેવું છે કે જ્યાં સુધી સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી તેઓ સંસદની કાર્યવાહી દરમિયાન સવારથી સાંજ સુધી મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા પર બેસશે. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે (નવેમ્બર 29), રાજ્યસભામાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના 12 સભ્યોને તેમના દ્વારા કરવામાં આવેલ કથિત ‘અભદ્ર વર્તન’ માટે સત્રના બાકીના સમયગાળા માટે ઉપલા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

(12:08 am IST)