Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

જામનગરમાં કરોડો રૂપિયાના છેતરપીંડી કેસમાં અમદાવાદ સીઆઈડી ક્રાઈમની ટીમ કાલાવડ કન્યા વિદ્યાલયના પ્રમુખ ગોપાલભાઈ અકબરી અને તેના પુત્ર મયંક અકબરીને ઉઠાવી ગઈ

અમદાવાદ રહેતા ઘનશ્યામ ચાંદમલ સારડાએ સીઆઈડી ક્રાઈમમાં ફરીયાદ કરતા કાર્યવાહીઃ અમદાવાદની સીએની ઓફિસમાં વહીવટ કર્યા બાદ છેતરપીંડી કરતા ગુન્હો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૨ :. જામનગરના પેલેસ રોડ ઉપર સ્વપ્નપીલ એપાર્ટમેન્ટમાં રહેતા અને કાલાવડ કન્યા સંકુલના પ્રમુખ ગોપાલભાઈ અકબરી, તેના પત્નિ કંચનબેન તથા તેનો પુત્ર મયંક ગોપાલભાઈ અકબરીએ અમદાવાદમા રહેતા ઘનશ્યામ ચાંદમલ સારડા સાથે ૧૦.૧૬ કરોડની છેતરપીંડી કરતા ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગોપાલભાઈ અકબરી અને તેના પુત્ર મયંક અકબરીને ઉઠાવીને અમદાવાદ લઈ ગઈ છે. અમદાવાદની સીએ અભિલાશ જે બ્રાહ્મણની ઓફિસમાં કાગળો કર્યા બાદ ૧૦ લાખ રોકડા અને ૧૩.૭૯ લાખ ડોલરમાં લીધા બાદ તેની સાથે છેતરપીંડી કરતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે. ગોપાલ અકબરી જામનગરમાં મયંક બ્રાસ ફીટ પ્રા.લી. નામનુ કારખાનુ ધરાવે છે.

જામનગરના પટેલ સમાજના અગ્રણી અને અગાઉ ઉદ્યોગનગરમાં વૂડગ્રીપ નામનું કારખાનુ ચલાવતા તેમજ હાલમાં મયંક બ્રાસ ફીટ પ્રા. લિ. નામની પેઢી ચલાવતા ગોપાલ અકબરી તથા તેમના પત્ની અને પુત્ર સામે રૂ. દસ કરોડ ઉપરાંતની છેતરપીંડી આચરવા અંગે સીઆઈડી ક્રાઈમ અમદાવાદમાં  ફરીયાદ નોંધાવાતા ચકચાર જાગી છે. જામનગર ધસી આવેલી ક્રાઈમ બ્રાન્ચે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી છે અને બન્નેને જેલમાં ધકેલી દીધા છે. આ કિસ્સાએ જામનગર શહેર-જિલ્લાના પટેલ સમાજમાં ચકચાર જગાવી છે.

જામનગર તેમજ જિલ્લાના ૫ટેલ સમાજ તથા વેપારી આલમમાં ચકચાર જગાવનાર આ બનાવની વધુ વિગત મુજબ જામનગરના જીઆઈડીસી-ઉદ્યોગનગર ૫ાસે મયંક બ્રાસ ફીટ પ્રાઈવેટ લિમિટેડ નામની પેઢી ચલાવતા અને મૂળ કાલાવડ તાલુકાના નવાગામના વતની તેમજ અગાઉ વૂડગ્રીપ નામનું બ્રાસપાર્ટનું કારખાનુ ચલાવતા ગોપાલ ડાયાભાઈ અકબરીએ મયંક બ્રાસ ફીટ નામની પેઢી શરૂ કરી હતી. જેમાં મયંક ગોપાલભાઈ પટેલ તથા કંચનબેન ગોપાલભાઈ પટેલ ડાયરેકટર છે. જ્યારે ગોપાલ ડાયાભાઈ પટેલ (અકબરી) આ કંપનીના વહીવટદાર તરીકે રહેલા છે.

તેઓની સામે ઘનશ્યામ ચાંદમલ સારડાએ અમદાવાદ સ્થિત સીઆઈડી ક્રાઈમની ઓફીસમાં ફરીયાદ લખાવી હતી. તેમાં તેઓએ જણાવ્યું હતું કે, ઉપરોકત આરોપીઓએ મોટી મોટી વાતો કરી, લાલચ બતાવી, બદદાનતથી અને ઠગાઈ કરવાના ઈરાદાથી ખોટા કરાર કરી બનાવટી દસ્તાવેજો બનાવી અને તેને ઈ-મેઈલથી મોકલી કંપની માટે ૧૩,૬૯,૮૧૨ અમેરીકન ડોલર તથા રૂ. ૧૦ લાખ રોકડા એટલે કે ભારતીય ચલણ મુજબ ગણતરી કરતા રૂપિયા ૧૦ કરોડ ૧૬ લાખ ૬૩ હજાર ૭૦૪ની રકમ ઘનશ્યામ સારડા પાસેથી મેળવી લઈ મયંક બ્રાસ ફીટ પ્રાઈવેટ લિમિટેડના એચડીએફસી બેન્કની જામનગર શાખામાં તે રકમ મંગાવી હતી અને ઘનશ્યામ સારડાએ તે રકમ ઉપરોકત ખાતામાં જમા કરાવી હતી.

ત્યારપછી ઉપરોકત નાણા પરત મેળવવા માટે ઘનશ્યામ સારડાએ માંગણી કરતા મયંક તથા ગોપાલભાઈ બ્હાના બતાવતા હતા અને ગાળાગાળી કરી ધમકી આપતા હતા.

ફરીયાદમાં વધુમાં જણાવવામાં આવ્યા મુજબ ફરીયાદી ઘનશ્યામ સારડાએ જે નાણા આપ્યા હતા તે માટે કરાયેલા કરારો ચાલુ હતા તેમ છતાં આરોપીઓએ કરારવાળી મિલકત અન્ય બેંકમાં મોર્ગેજ કરી નાણા મેળવી લીધા હતા અને ઘનશ્યામ સારડાને તેની રકમ પરત આપી ન હતી. ઉપરોકત કરારો વગેરે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી સીએ અભિલાષ જે. બ્રાહ્મણની ઓફીસમાં કરાયા હતા. ઘનશ્યામ સારડાના જણાવ્યા મુજબ ગોપાલ અકબરી સહિતના ત્રણેયએ યોજના બદ્ધ રીતે નાણા મેળવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી.

ઉપરોકત ફરીયાદના પગલે અમદાવાદ પોલીસ ચોંકી ઉઠી હતી. તપાસના શરૃ થયેલા ધમધમાટમાં જામનગર ધસી આવેલા સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ જામનગરના પેલેસ રોડ પર સ્વપ્નીલ એપાર્ટમેન્ટમાં ગોપાલ અકબરીના રહેણાંક પર દોડી આવી ગોપાલ અકબરી તથા તેના પુત્ર મયંક અકબરીની અટકાયત કરી અમદાવાદ ખસેડયા હતા. ત્યાં પૂછપરછ કરાયા પછી બન્ને પિતા-પુત્રને અમદાવાદ સ્થિત જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ કેસના આરોપી ગોપાલ ડાયાભાઈ પટેલ (અકબરી) પટેલ સમાજની જુદી જુદી સંસ્થાઓમાં હોદ્દેદાર રહી ચુકયા છે અને હાલમાં તેઓ કાલાવડ સ્થિત કન્યા વિદ્યાલયના પ્રમુખપદે સેવા આપી રહ્ના છે.

અમદાવાદમાં નોંધાવાયેલી ફરીયાદમાં આરોપી કંચનબેન ગોપાલભાઈ, ગોપાલ ડાયાભાઈ પટેલ તથા મયંક ગોપાલભાઈ પટેલ સામે ફરીયાદ નોંધાવાઈ છે અને તેમાં જણાવાયા મુજબ વર્ષ ૨૦૧૭ના જાન્યુઆરી મહિનામાં ઉપરોકત ગુન્હો આચરાયો હોવાનું જણાવાયું છે. કયારેક ગુન્હા બનાવનું સ્થળ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી સીએ અભિલાષ બ્રાહ્મણની ઓફિસ દર્શાવાઈ છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦(બી), ૪૭૭ (૬), ૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધ્યો છે.(૩૭.૧૭)

(5:13 pm IST)