Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ત્રીજી લહેર આવે તો સારવાર માટે બધા ડોકટરોને છૂટ આપવી જોઈએ

સંઘ સાથેની બેઠકમાં અગ્રગણ્ય ડોકટરોનું સૂચનઃ રસીકરણ પર ભાર

રાજકોટ, તા. ૨૨ :. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં સરકાર અને પ્રજાને સહયોગી બનવા આર.એસ.એસ. દ્વારા પૂર્વ તૈયારી થઈ રહી છે. સંઘના આગેવાનોએ થોડા દિવસ પહેલા સંઘ કાર્યાલયે સંઘની પ્રવૃતિના પ્રોત્સાહક કેટલાક અગ્રગણ્ય ડોકટરો સાથે બેઠક યોજેલ. જેમાં સરકાર સુધી પહોંચાડવા માટે સૂચનો થયા હતા. ડોકટરોએ રસીકરણનો વ્યાપ વધારવા અને ત્રીજી લહેર આવે તો લાયકાત ધરાવતા તમામ ડોકટરોને કોરોનાની સારવાર માટે છૂટ આપવા સૂચવ્યુ હતું.

નિયત કોવીડ હોસ્પીટલો ઉપરાંત અન્ય એમ.ડી., એમ.બી.બી.એસ. સહિત તમામ જનરલ પ્રેકટીશ્નર્સને કોરોનાના હળવા કે મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવારની છૂટ આપવા ડોકટરોએ સૂચન કર્યાનું જાણવા મળે છે. સામાન્ય તકલીફવાળા દર્દીઓને પ્રારંભિક સારવાર મળી જતા સરકારી અને ખાનગી કોવીડ હોસ્પીટલો પરનું ભારણ ઘટાડી શકાશે. કોવીડના અનુભવી ડોકટરો દ્વારા આ પ્રકારના ડોકટરોને માર્ગદર્શન આપવા સમયાંતરે વર્કશોપ યોજવા જોઈએ. જરૂર પ્રમાણે નીતિ-નિયમો બનાવી શકાય. બીજી લહેરમાં જે છૂટ બહુ મોડી અપાયેલ તે છૂટ સમયસર આપી દેવી જોઈએ તેવુ જણાવાયુ હતું.

(10:30 am IST)