Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

હવે તો ગુજરાત ચૂંટણી માટે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠક પણ રદ : રાજ્ય માટે સમય નથી ? આદિત્ય ઠાકરે

 પહેલા ધારાસભ્ય મોકલવામાં આવ્યા અને પછી પ્રોજેક્ટ પણ ગયા, હવે કેબિનેટ પણ ગઇ

મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક બુધવારે રદ થઇ ગઇ છે, જેને લઇને શિવસેના અને NCPએ એકનાથ શિંદે સરકાર પર પ્રહાર કર્યા છે. ઉદ્ધવ જૂથના શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યુ કે અત્યાર સુધી ઔધોગિક પ્રોજેક્ટ ગુજરાત જઇ રહ્યા હતા પરંતુ હવે તો ગુજરાત ચૂંટણી માટે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠક પણ રદ થઇ ગઇ છે.

આદિત્ય ઠાકરેએ કહ્યુ, અત્યાર સુધી અમે મહત્વપૂર્ણ પરિયોજનાઓને રાજ્યની બહાર જતા જોઇ રહ્યા છીએ પરંતુ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે રાજ્ય મંત્રિ મંડળને પણ મહારાષ્ટ્રની બહાર મોકલી દીધા છે. આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો કે બુધવારે યોજાનારી રાજ્ય કેબિનેટની બેઠક રદ કરી દેવામાં આવી છે.

આદિત્ય ઠાકરે એક દિવસના બિહાર પ્રવાસે છે. બિહાર રવાના થયા પહેલા તેમણે મુંબઇમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વખતે તેમણે શિંદે-ફડણવીસ સરકારના કામકાજની ટિકા કરી હતી. આદિત્ય ઠાકરેએ કહ્યુ, મે સમાચાર સાંભળ્યા છે કે આજની કેબિનેટ બેઠક રદ થઇ ગઇ છે. જો બીજા રાજ્યમાં પ્રચાર ચાલી રહ્યો છે તો આ બેઠક કેમ રદ કરવામાં આવી રહી છે. બેરોજગારી વધી રહી છે, રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે પરંતુ આ કેબિનેટ અને સરકાર પાસે કેબિનેટ મીટિંગ કરવા માટે એક કલાક પણ નથી. આ તમામ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં લાગેલા છે. પહેલા ધારાસભ્ય મોકલવામાં આવ્યા અને પછી પ્રોજેક્ટ પણ ગયા, હવે કેબિનેટ પણ ગઇ.

શિવસેના નેતાએ કહ્યુ કે આ લોકો પાસે ગુજરાત ચૂંટણી માટે સમય છે પરંતુ મહારાષ્ટ્ર માટે અડધો કલાક પણ નથી. ગુજરાતમાં કેબિનેટ ચૂંટણી પ્રચારમાં લાગેલી છે. બીજા રાજ્યમાં પ્રચાર કરવા પર કોઇ આપત્તિ નથી પરંતુ કેબિનેટની બેઠક મહત્વની છે મહારાષ્ટ્રમાં કેટલાક અન્ય મુદ્દા પણ લંબિત છે. આદિત્ય ઠાકરેએ ટિપ્પણી કરી છે કે જો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટે મહારાષ્ટ્ર માટે એક કલાક પણ આપ્યો હોત તો કઇ ખોટુ ના હોત. આદિત્ય ઠાકરેના પ્રહાર પર શિંદે-ફડણવીસ સરકારનું કોઇ રિએક્શન આવ્યુ નથી.

આદિત્ય ઠાકરેને પૂછવામાં આવ્યુ કે શું તે રાષ્ટ્રીય સ્તર પર ત્રીજુ ગઠબંધન બનાવવાના અર્થથી તેજસ્વી યાદવને મળવા જઇ રહ્યા છે, જેની પર આદિત્ય ઠાકરેએ કહ્યુ કે તમે કોઇ અટકળો ના લગાવો. આદિત્ય ઠાકરેએ કહ્યુ કે આ કેસમાં તો મોટા નેતા વાત કરશે, આ વચ્ચે એનસીપી નેતા અજિત પવારે કહ્યુ કે ગુજરાતમાં ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં રજા જાહેર કરવામાં આવી છે. આવુ પ્રથમ વખત થઇ રહ્યુ છે. ગુજરાતમાં મતદાનના બે દિવસ 1 અને 5 ડિસેમ્બરે પાલઘર, નાસિક, ધુલે, નંદુરબાર જિલ્લામાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારના ઉદ્યોગ, ઉર્જા અને શ્રમ વિભાગે આ મામલે એક પરિપત્ર જાહેર કર્યો છે.

(8:37 pm IST)