Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

PMને ક્‍લિનચીટ સામેની જાકીયા જાફરીની અરજી ફગાવાઇ

ગુજરાત ૨૦૦૨ રમખાણ કેસ : સુપ્રિમ કોર્ટે SIT તપાસને યોગ્‍ય ગણી : ૧૦ વર્ષ પહેલા મોદી સહિત ૬૩ અન્‍યોને ક્‍લિનચીટ મળી ચૂકી છે

નવી દિલ્‍હી તા. ૨૪ : ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણોના કેસમાં તત્‍કાલિન સીએમ નરેન્‍દ્ર મોદીને SITની ક્‍લીનચીટને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરીએ ૨૦૧૮માં અરજી દાખલ કરી હતી. આની સુનાવણી કરતાં જસ્‍ટિસ એએમ ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની બેન્‍ચે ૯ ડિસેમ્‍બર, ૨૦૨૧ના રોજ ચુકાદો અનામત રાખ્‍યો હતો. જેમાં રમખાણોના કેસોની તપાસ કરી રહેલી SIT દ્વારા દાખલ કરાયેલ ક્‍લોઝર રિપોર્ટને પડકારવામાં આવ્‍યો હતો, જેમાં ૬૪ લોકોને ક્‍લીનચીટ આપવામાં આવી હતી.

નિર્દોષ જાહેર કરાયેલા પૈકી એક વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી હતા, જેઓ ગુજરાતના તત્‍કાલિન મુખ્‍યમંત્રી હતા. ગુલબર્ગ સોસાયટીમાં રમખાણો દરમિયાન જાફરીના પતિનું મૃત્‍યુ થયું હતું. તેણે રમખાણો પાછળ એક મોટું ષડયંત્ર હોવાનો દાવો કર્યો હતો અને ૨૦૦૬માં ફરિયાદ નોંધાવી હતી. ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોના મામલાઓ પર નજર રાખતી વખતે SITને આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્‍યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૨માં, SITએ ફરિયાદ પર ક્‍લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. આ પછી, અરજદારોએ નીચલી કોર્ટમાં અરજી કરીને ક્‍લોઝર રિપોર્ટને પડકાર્યો હતો, જેને ફગાવી દેવામાં આવ્‍યો હતો. ક્‍લોઝર રિપોર્ટ સામેની અપીલ પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ લાવવામાં આવી હતી, જેણે તેને ૫ ઓક્‍ટોબર ૨૦૧૭ની રોજ ફગાવી દીધી હતી. આ પછી, અરજદારોએ ૨૦૧૮ માં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. આ મામલાની સુનાવણી ૧૪ દિવસ સુધી ચાલી હતી અને અરજદારોનું પ્રતિનિધિત્‍વ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્‍બલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. રાજય સરકારનું પ્રતિનિધિત્‍વ સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કરવામાં આવ્‍યું હતું જયારે સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી SIT તરફથી હાજર રહ્યા હતા.

ગોધરા ટ્રેન સળગાવવાની ઘટનામાં અયોધ્‍યાથી પરત ફરી રહેલા ૫૯ લોકોના મોત થયાના એક દિવસ બાદ રમખાણો ફાટી નીકળ્‍યા હતા. રમખાણો દરમિયાન ૧૦૦૦ થી વધુ લોકોના મોત થયા હતા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ટ્રેન સળગાવવાની ઘટનાના એક દિવસ પછી અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા ૬૯ લોકોમાં અહેસાન જાફરીનો સમાવેશ થાય છે.

(3:42 pm IST)