Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

રાજ્યસભાની બેઠકો અને રાજ્યપાલ પદના ખોટા વચનો આપી 100 કરોડ રૂ.ની છેતરપિંડી કરવાના રેકેટનો પર્દાફાશ

CBIની FIRમાં દિલ્હી-NCRના મોહમ્મદ એજાઝ ખાનનું નામ ખૂલ્યું : સર્ચ ઓપરેશન દરમિયાન CBIનાં અધિકારીઓ પર હુમલો કરી એક આરોપી ફરાર

નવી દિલ્લી તા. 25 : CBIએ 100 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ રાજ્યસભાની બેઠકો અને રાજ્યપાલ પદના ખોટા વચનો આપીને છેતરપિંડી કરવાના ફિરાકમાં હતા. ત્યારે અધિકારીએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન CBI અધિકારીઓ પર હુમલો કરીને એક આરોપી ભાગી ગયો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે, CBIએ તેની FIRમાં મહારાષ્ટ્રના લાતુરના કમલાકર પ્રેમકુમાર બંદગર, કર્ણાટકના બેલગામના રવિન્દ્ર વિઠ્ઠલ નાઈક અને મહેન્દ્ર પાલ અરોરા, અભિષેક બુરા અને દિલ્હી-NCRના મોહમ્મદ એજાઝ ખાનનું નામ આપ્યું છે. મામલાથી વાકેફ લોકોના હવાલાથી આ સમાચાર આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, CBIએ આરોપીને પૈસાની લેવડ-દેવડ પહેલા જ પકડી લીધો. એટલું જ નહીં, આરોપીએ તેમને 100 કરોડના બદલામાં ગવર્નર બનાવવાની ઓફર પણ કરી હતી.

એક રિપોર્ટ અનુસાર, આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે, CBI અધિકારીઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફોન ઇન્ટરસેપ્ટ દ્વારા કોલ સાંભળી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેની નજર આરોપી પર હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી બંદગર પોતાને CBIના વરિષ્ઠ અધિકારી તરીકે રજૂ કરી રહ્યો હતો. આટલું જ નહીં, તે લોકો સમક્ષ ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બતાવતો હતો. તે બુરા, અરોરા, ખાન અને નાઈકને લોકોને કામ કરાવવાની લાલચ આપવા કહેતો હતો. જેથી તે બદલામાં કરોડો રૂપિયાના સોદા કરી શકે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓએ રાજ્યસભામાં બેઠકોની વ્યવસ્થા, રાજ્યપાલ તરીકે નિમણૂક, કેન્દ્રના મંત્રાલયો અને વિભાગો હેઠળની વિવિધ સરકારી સંસ્થાઓમાં અધ્યક્ષ તરીકે નિમણૂક માટે ખોટા આશ્વાસન આપી ખાનગી વ્યક્તિઓને છેતરવાનું કાવતરું રચ્યું હતું.

(10:49 pm IST)