Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

રાજ ઠાકરેએ શિંદે જૂથને આપ્યો વિલીનીકરણનો પ્રસ્તાવ ! : ઉદ્ધવ ઠાકરેનાં પણ વિલયની ઓફર પર આકરા પ્રહારો

શિંદે અને તેમના સમર્થકોનો વિલીનીકરણનો પ્રસ્તાવ અમે સ્વીકારી શકીએ: રાજ ઠાકરે, કેટલા લોકોને કેમિકલ લોચો થયો છે તે કહેવું મુશ્કેલ : ઉદ્ધવ ઠાકરે

મુંબઈ  તા. 25 : મુંબઈના કાલાચોકી વિસ્તારમાં શિવસેનાની એક શાખાનું ઉદ્ઘાટન કરવા ઉદ્ધવ અને રાજ ઠાકરે ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે શિંદે જૂથ અને ભાજપ પર આકરા પ્રહારો કરતાની સાથે રાજ ઠાકરેનાં નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજ ઠાકરે દ્વારા શનિવારે નિવેદન આપવામાં આવ્યું હતું કે, જો શિંદે જૂથ સાથે એવી નોબત આવે કે, શિવસેના પર તેમનો દાવો સ્વીકારવામાં નહીં આવે તો તેઓ શિંદે અને તેમના સમર્થકોને તેમની પાર્ટીમાં વિલીનીકરણનો પ્રસ્તાવ સ્વીકારી શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘બંડખોરો(બળવાખોરો) પાસે એક જ ઉપાય બચ્યો છે. કાયદો કહે છે કે તેઓએ તેમના જૂથને કોઈક પક્ષ સાથે વિલય કરવો પડશે. તેઓ કઈ પાર્ટીમાં જશે? ગઈકાલે તેમને એક પાર્ટી દ્વારા ઓફર કરવામાં આવી હતી. આટલું કહીને ઉદ્ધવ ઠાકરે હસવા લાગ્યા. ત્યારે સામે હાજર શિવસૈનિકોના ટોળાએ કેમિકલ લોચા… કેમિકલ લોચા…નો અવાજ ઉઠાવ્યો. આ પછી ઉદ્ધવ ઠાકરેએ પણ તેમની સાથે સુર પુરાવતા કહ્યું કે, ‘કેટલા લોકોને કેમિકલ લોચો થયો છે તે કહેવું મુશ્કેલ છે.’

ઠાકરે સરકારના છેલ્લા તબક્કામાં રાજ ઠાકરેએ હિન્દુત્વની ભૂમિકા અપનાવી હતી. બાળાસાહેબ ઠાકરેની જેમ તેઓ હાથમાં આરતીની થાળી સાથે કેસરી શાલ પહેરેલા જોવા મળ્યા હતા. આવા ઘણા ફોટા હતા જેમાં રાજ ઠાકરે બાળાસાહેબ ઠાકરેની રીતભાત અપનાવતા જોવા મળ્યા હતા. મુંબઈના બીકેસી ગ્રાઉન્ડની સભામાં આ અંગે ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’ની વાર્તાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જે રીતે ગાંધી દિવસ-રાત મુન્નાભાઈના મન પર પ્રભુત્વ જમાવતા હતા. એ જ રીતે કેટલાક લોકોને મુન્નાભાઈની જેમ કેમિકલ લોચો થયો જોવા મળ્યો છે અને તેમને લાગે છે કે બાળાસાહેબ ઠાકરે તેમનામાં સમાઈ ગયા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આવા લોકોને લાગે છે કે તેઓ બાળાસાહેબ ઠાકરેની જેમ શાલ પહેરીને બાળાસાહેબ ઠાકરે બની જશે. આ મામલે રાજકારણના આ મુન્નાભાઈ ક્યારેક મરાઠીનો મુદ્દો ઉઠાવે છે તો ક્યારેક હિન્દુત્વનો મુદ્દો ઉઠાવે છે. ફરી એકવાર રાજ ઠાકરેની શિંદે જૂથને તેમની પાર્ટીમાં વિલીનીકરણની ઓફર બાદ ઉદ્ધવ ઠાકરેએ કેમિકલ લોચાની યાદ અપાવી છે. એટલે કે તેઓ રાજ ઠાકરેને એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો તેઓ પોતાની MNS પાર્ટીમાં શિવસેનાના બળવાખોરોને સામેલ કરશે તો MNS શિવસેના નહીં બની જાય.

(10:56 pm IST)