Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ટીડીએસની વિગત જાહેર કરવામાં ૭૫ દિવસઃ જ્‍યારે રિટર્ન ફાઇલ કરવામાં ૪૫

આઇટી પાસે પૂરતી વ્‍યવસ્‍થા છતાં વિગતો જાહેર નહીં કરતા પરેશાની : વિગતો જાહેર કરાયા બાદ ૭૫ દિવસનો સમય આપવામાં આવે તેવી માંગ

મુંબઇ,તા. ૨૬ : ઇન્‍કમટેક્‍સ પોર્ટલ પર ટીડીએસની વિગત દર્શાવવામાં ૭૫ દિવસનો સમય વિતાવી દેવામાં આવે છે. જયારે ટીડીએસની વિગત જાહેર કર્યાના ૪૫ દિવસમાં જ તમામ કરદાતાઓને એટલે કે નોન ઓડીટના દાયરામાં આવનારાઓને ભરવા માટેનો સમય આપવામાં આવતો હોય છે. તેના કારણે જ ઇન્‍કમટેક્‍સમાં બેવડી નીતિ અપનાવવામાં આવી રહી હોવાની ચર્ચા સીએ અને ટેક્‍સ કન્‍સલટન્‍ટમાં થઇ રહી છે.

ઇન્‍કમટેક્‍સમાં જે પણ કરદાતાઓએ ટીડીએસ ભરપાઇ કરવાનો હોય તે કરદાતાએ બાકી બચેલો ટીડીએસ નાણાંકીય વર્ષ પુરું થવાનું હોય તે પહેલાં એટલે કે ૩૧ માર્ચ પહેલા ભરી દેવાનો હોય છે. જેથી આવા કરદાતાઓએ જમા કરાવેલો ટીડીએસ કયા કરદાતાને ક્રેડિટ આપવાની છે તે માટે ઇન્‍કમટેક્‍સ વિભાગના પોર્ટલ અથવા તો સિસ્‍ટમ દ્વારા ૭૫ દિવસનો સમય લેવામાં આવે છે. તેના લીધે ૧૫ જુનના રોજ કરદાતાના ખાતામાં ટીડીએસ જમા દર્શાવવામાં આવતો હોય છે. ટીડીએસના આધારે જ કરદાતાઓ રિટર્ન ફાઇલ કરતા હોય છે. જયારે રિટર્ન ફાઇલ કરવા માટે કરદાતાઓને ૪૫ દિવસનો જ સમય આપવામાં આવી રહ્યો છે.

તેમાં પણ ૧૫ જુનના રોજ ટીડીએસની વિગતો જાહેર કરાયા પછી ૩૧ જુલાઇ સુધીમાં કરદાતાએ રિટર્ન ફાઇલ કરવાનો સમય આપવાના લીધે ગણતરીના ૪૫ દિવસો સામે જ કચવાટ પેદા થયો છે. તેના માટેનું કારણ એવું છે કે ઇન્‍કમટેક્‍સ વિભાગ પાસે પુરતી વ્‍યવસ્‍થા હોવા છતાં ટીડીએસની વિગતો જાહેર કરવામાં તો ૭૫ દિવસનો સમય વિતતો હોય ત્‍યારે કરદાતાઓને પણ રિટર્ન ફાઇલ કરવા માટે ૭૫ દિવસનો સમય આપવામાં આવે તેવી માંગ આ જ કારણોસર થઇ રહી છે. 

 

રિટર્ન ભરવા માટે પૂરતો સમય મળવો જોઇએ

ઇન્‍કમટેકસ વિભાગ પાસે તમામ વિગતો ઓનલાઇન હોવા છતાં તેને જાહેર કરવામાં ૭૫ દિવસનો સમય થતો હોય તો કરદાતાને પણ તેવી જ રીતે ૭૫ દિવસનો સમય આપવામાં આવવો જોઇએ. તેમાં પણ કરદાતાઓને ઓછો સમય આપવામાં આવતો હોવાના લીધે જ છેલ્લી ઘડીએ અનેક સમસ્‍યાનો સામનો કરદાતાઓને કરવો પડતો હોય છે. જેથી આ અંગે વિચારણા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. -સીએ

(10:19 am IST)