Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

GST કાઉન્‍સિલના નવા નિર્ણયથી ખાદ્યતેલ ઉદ્યોગના અબજો અટવાઇ જશે

મુડી ફસાતા ખાદ્યતેલના ભાવ વધે તેવી વકી

પેકિંગ માટેના કાચા માલ -રિફાઇનિંગના કેમિકલ પર ૧૮ ટકા જીએસટી, ખાદ્યતેલ પર ૫ ટકા જીએસટી હોવાથી થતી તકલીફ

નવી દિલ્‍હી,તા. ૨૬ : ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ કાઉન્‍સિલની છેલ્લી બેઠકમાં ખાદ્યતેલ ઉદ્યોગ દ્વારા તેલના પેકિંગ માટે વપરાતા મટિરિયલ પર લેવાતા ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સની ક્રેડિટ માત્ર જીએસટી નંબર ધારકના લેજરમાં જમા આપવાનો અને તેનું રિફંડ તેમને ન આપવાનો નિર્ણય લીધો હોવાથી તેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રિફાઈનર્સ, પેકિંગ કરનારાઓ અને વેપારીઓના અબજો રૂપિયાનો જીએસટી અટવાઈને તેમના ખાતામાં પડી રહેશે. દર મહિને આ રકમમાં વધારો થતો જશે. એક તબક્કે તેમને વર્કિંગ કેપિટલ માટે નવી મૂડી ઊભી કરવાની પણ નોબત આવી શકે છે.

આઈલના પેકિંગ માટે વપરાતી ટીનની પ્‍લેટ પર, પ્‍લાસ્‍ટિકના પેકિંગ મટિરિયલ બનાવવા માટેના દાણા પર, પાઉચ ફિલ પર અને કોરુગેટેગ બોક્‍સ પર ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડે છે. ેતેમ જ ઓઈલ ઇન્‍ડસ્‍ટ્રી દ્વારા રિફાઈનિંગ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ પર પણ ૧૮ ટકાના દરે જીએસટી લેવામાં આવે છે. તેની સામે ફિનિશ્‍ડ પ્રોડક્‍ટ પર તેમણે ૫ ટકાના દરે જીએસટી જમા કરાવવાનો આવે છે. આમ દરેક વેચાણમાં તેમને ૧૩ ટકાનો વધારાનો બોજ વેંઢારવાનો આવી રહ્યો છે. પેકિંગ માટેના દરેક મટિરિયલ ઓઈલ ઇન્‍ડસ્‍ટ્રી જોબવર્કથી તૈયાર કરાવડાવે છે. એક ટીનના ડબ્‍બા પર તેને કારણે ૧૨ રૂપિયાનું બર્ડન આવી શકે છે.

ઓઈલ ઇન્‍ડસ્‍ટ્રીમાં રિફાઈનિંગ, પ્રોસેસિંગ અને પેકિંગ મટિરિયલ માટે જમા કરાવવામાં આવેલા ૧૮ ટકા જીએસટીનું રિફંડ જ ન આપવાનો નિર્ણય ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ કાઉન્‍સિલની છેલ્લી બેઠકમાં લેવામાં આવ્‍યો હોવાથી ખાદ્યતેલ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે તેને કારણે તેમની મોટી મૂડી બ્‍લોક થઈ જશે. આઈલ ઇન્‍ડસ્‍ટ્રીના નાના ખેલાડીઓ માટે આ નિયમને કારણે ટકવું પણ કઠિન બની જવાની સંભાવના રહેલી છે.

(10:52 am IST)