Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

કેન્‍દ્ર સરકારે ૨૦૨૧-૨૨માં પેટ્રોલમાં ૭૮ અને ડીઝલમાં ૭૬ વાર વધારો કર્યો

સરકારે કર્યો ખુલાસો : ઘટયા માત્ર સાતવાર : ૨૦૨૧-૨૨માં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૫૪ વાર વધારો

નવી દિલ્‍હી,તા. ૨૬ : ૨૦૨૧-૨૨ના વર્ષમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં પાછું વળીને જોયું નથી. હવે ખુદ સરકારે સંસદને જાણ કરી છે કે તેના દ્વારા આ વર્ષમાં કેટલી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના એક સવાલના જવાબમાં કેન્‍દ્રીય પેટ્રોલિયમ અને ગેસ રાજયમંત્રી રામેશ્વર તેલીએ રાજયસભામાં લેખિત જવાબમાં જણાવ્‍યું કે ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૭૮ વખત વધારો કરવામાં આવ્‍યો હતો, જયારે ડીઝલના દરમાં ૭૬ વખત વધારો કરવામાં આવ્‍યો હતો. માત્ર ૭ વખત ઘટાડો કરાયો હતો.

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સરકારને સવાલ પૂછ્‍યો હતો કે એક વર્ષમાં કેટલી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્‍યો છે.  રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે રાજયસભામાં મારા પ્રશ્નના જવાબમાં, કેન્‍દ્ર સરકારે સ્‍વીકાર્યું કે છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૭૮ વખત અને ૭૬ વખત વધારો કરવામાં આવ્‍યો છે.

આપ સાંસદ ચઢ્ઢાએ કહ્યું કે ૨૦૧૬ અને ૨૦૨૨ દરમિયાનના છ વર્ષમાં ઈંધણ પર લાદવામાં આવેલી એક્‍સાઈઝ ડ્‍યુટીને કારણે સરકારને ૧૬ લાખ કરોડની આવક થઈ હતી. તેમણે કહ્યું કે સરકાર સંસદમાં મોંઘવારીની ચર્ચા કરવા કે તેનો ઉકેલ લાવવા પણ માગતી નથી.

(10:24 am IST)