Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

૧૭ વર્ષોમાં મની લોન્‍ડ્રીંગ હેઠળ નોંધાયા ૫૪૨૨ કેસᅠ

ફક્‍ત ૨૩નેᅠદોષિત જાહેર કરાયા : સંસદમાં કેન્‍દ્ર સરકારેᅠઆપી જાણકારી

નવી દિલ્‍હી તા. ૨૬ : દેશમાં ૧૭ વર્ષ પહેલા પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ લાગુ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારથી લઈને અત્‍યાર સુધી કાયદા હેઠળ ૫,૪૨૨ કેસ નોંધાયા છે, પરંતુ માત્ર ૨૩ને જ દોષિત ઠેરવવામાં આવ્‍યા છે. કેન્‍દ્રએ સંસદમાં આ આંકડા શેર કર્યા. કેન્‍દ્રીય નાણા રાજય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્‍યું હતું કે ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં, EDએ PMLA હેઠળ ૫,૪૨૨ કેસ નોંધ્‍યા છે.

કેન્‍દ્ર સરકારે માહિતી આપી હતી કે છેલ્લા ૧૦ વર્ષમાં ફોરેન એક્‍સચેન્‍જ મેનેજમેન્‍ટ એક્‍ટની જોગવાઈઓ હેઠળ લગભગ ૨૪,૮૯૩ કેસ નોંધાયા હતા જયારે ૩,૯૮૫ કેસ પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ હેઠળ નોંધાયા હતા. સભ્‍યએ છેલ્લા ૧૦ વર્ષમાં એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ હેઠળ નોંધાયેલા કેસોની વિગતો માંગી હતી. ચૌધરીએ જણાવ્‍યું હતું કે એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ એ એક તપાસ એજન્‍સી છે જેને ફોરેન એક્‍સચેન્‍જ મેનેજમેન્‍ટ એક્‍ટ પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ અને ફયુજિટિવ ઇકોનોમિક ઓફેન્‍ડર્સ એક્‍ટની જોગવાઈઓને લાગુ કરવાની સત્તા સોંપવામાં આવી છે.

તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ થી ૨૦૨૧-૨૨ દરમિયાન, વિદેશી વિનિમય વ્‍યવસ્‍થાપન કાયદાની જોગવાઈઓ હેઠળ લગભગ ૨૪,૮૯૩ અને છેલ્લા ૧૦ વર્ષમાં મની લોન્‍ડરિંગ નિવારણ કાયદા હેઠળ ૩,૯૮૫ કેસ નોંધાયા છે. નાણા રાજય મંત્રીએ કહ્યું કે ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે હેઠળ લગભગ ૫,૪૨૨ કેસ નોંધ્‍યા છે. તેમણે કહ્યું કે કેસની નોંધણી પછી, પીએમએલએની જોગવાઈઓ હેઠળ લગભગ રૂ. ૧,૦૪,૭૦૨ કરોડની મિલકતો એટેચ કરવામાં આવી હતી, ૯૯૨ કેસોમાં પ્રોસિક્‍યુશન ફરિયાદો દાખલ કરવામાં આવી હતી જેના પરિણામે રૂ. ૮૬૯.૩૧ કરોડ જપ્ત કરવામાં આવ્‍યા હતા અને ૨૩ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્‍યા હતા.

ચૌધરીએ કહ્યું કે ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે FEMA હેઠળ ૩૦,૭૧૬ કેસ લીધા છે. તેમણે કહ્યું કે કેસની નોંધણી બાદ તેના હેઠળ ૮,૧૦૯ કારણદર્શક નોટિસો જારી કરવામાં આવી છે અને ૬,૪૭૨ કેસોમાં ન્‍યાય અને ચુકાદો આપવામાં આવ્‍યો છે અને લગભગ ૮,૧૩૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો છે. આ સાથે, FEMA હેઠળ રૂ. ૭,૦૮૦ કરોડની સંપત્તિ અટેચ કરવામાં આવી છે.

(10:52 am IST)