Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

એર ઇન્‍ડિયા : ૩ મહિનામાં ૧૦૦૦ ફરિયાદો : વ્‍યવસ્‍થાની ખુલી પોલ : ઓડિટમાં થયા ગંભીર ખુલાસાઓ

રીફન્‍ડ - ઓવરબુકિંગ - કર્મચારી વ્‍યવહાર મુખ્‍ય ફરિયાદો

નવી દિલ્‍હી તા. ૨૬ : છેલ્લા ત્રણ મહિના દરમિયાન એર ઈન્‍ડિયાની સેવા સંબંધિત ફરિયાદોનો ભરાવો થઈ ગયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્‍ડિયા વિરૂદ્ધ લગભગ ૧,૦૦૦ ફરિયાદો મળી છે. આ ફરિયાદો ભાડું રિફંડ, ફલાઈટ્‍સનું ઓવરબુકિંગ અને કર્મચારીઓના વર્તન જેવા મુદ્દાઓ સાથે સંબંધિત છે.

ગયા વર્ષે ૮ ઓક્‍ટોબરે એરલાઇન માટે બિડ જીત્‍યા બાદ ટાટા જૂથે ૨૭ જાન્‍યુઆરીએ એર ઇન્‍ડિયા પર નિયંત્રણ મેળવ્‍યું હતું.

એક તરફ, ટાટા એરલાઇન્‍સની સેવાને સુધારવાની યોજનાને નુકસાન પહોંચાડી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એર ઈન્‍ડિયા સહિત હવાઈ પરિવહન સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે ફરિયાદો મળી રહી છે જેમાં ભાડાનું રિફંડ, ફલાઇટ સંબંધિત સમસ્‍યાઓ, સ્‍ટાફની વર્તણૂક, લગેજ સંબંધિત સમસ્‍યાઓ અને ફલાઈટ્‍સનું ઓવરબુકિંગ સામેલ છે. છેલ્લા ત્રણ મહિનામાં આવી લગભગ ૧૦૦૦ ફરિયાદો મળી છે.

એવિએશન રેગ્‍યુલેટર ડીજીસીએએ આ વર્ષે મે અને જૂનમાં વિવિધ એરપોર્ટ પર નિર્ધારિત ડોમેસ્‍ટિક એરલાઈન્‍સનું ઓડિટ કર્યું હતું. આવા ઓડિટ દરમિયાન એર ઈન્‍ડિયા આ સંબંધમાં નિયમોનું પાલન કરતી ન હોવાનું જણાયું હતું. આ પછી એર ઈન્‍ડિયા પર નિર્ધારિત જોગવાઈઓ અનુસાર દંડ ફટકારવામાં આવ્‍યો હતો. ગયા મહિને, રેગ્‍યુલેટરને જાણવા મળ્‍યું હતું કે એર ઈન્‍ડિયાએ માન્‍ય ટિકિટ હોવા છતાં પેસેન્‍જરને બેસવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, કંપનીએ પેસેન્‍જરને વળતર પણ આપ્‍યું ન હતું.

આ કારણોસર, નિયમનકારે સરકારીમાંથી ખાનગીમાં જતી એરલાઇન પર દંડ લાદ્યો હતો. DGCAએ એક નિવેદનમાં કહ્યું કે DGCA એ બેંગલુરુ, હૈદરાબાદ અને દિલ્‍હીમાં દેખરેખ દરમિયાન સતત તપાસ હાથ ધરી હતી. એર ઈન્‍ડિયાએ ઘણા મામલાઓમાં નિયમોનું પાલન ન કર્યું હોવાનું જાણવા મળ્‍યું હતું. જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્‍યો હતો.

ડીજીસીએએ ૧૪ જૂનના રોજ કહ્યું હતું કે તેણે માન્‍ય ટિકિટ ધરાવનારા મુસાફરોને બોર્ડિંગ ન કરવા બદલ અને ત્‍યારબાદ ફરજિયાત વળતર ન ચૂકવવા બદલ એર ઈન્‍ડિયા પર ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તાજેતરમાં એર ઈન્‍ડિયાની ફલાઈટ AI 934 (દુબઈ-કોચી) ફલાઈટ દરમિયાન ઓછા દબાણનો અનુભવ કર્યા બાદ મુંબઈ તરફ વાળવામાં આવી હતી અને ફલાઈટને મુંબઈમાં સુરક્ષિત લેન્‍ડ કરવામાં આવી હતી.

(10:34 am IST)