Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

5G સ્પેક્ટ્રમ માટે જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝ બિડ કરશે

5G સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયામાં રૂ.4.3 લાખ કરોડના 72 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ માટે બિડ કરવામાં આવશે : હરાજીની પ્રક્રિયા બે દિવસ સુધી ચાલશે

નવી  દિલ્લી તા.26 : આજથી 5G સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં રૂ.4.3 લાખ કરોડના 72 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ માટે બિડ કરવામાં આવશે. જે બિડ રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ સહિત અદાણી એન્ટરપ્રાઈઝ પણ કરશે. ઉદ્યોગને આશા છે કે હરાજીની પ્રક્રિયા બે દિવસ સુધી ચાલશે અને સ્પેક્ટ્રમનું વેચાણ અનામત કિંમતની આસપાસ થશે.

સ્પેક્ટ્રમ હરાજીના આ રાઉન્ડમાં હાલની ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા ઉપરાંત ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ પણ 5જી માટે બિડ કરવા જઈ રહી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગને 5G સ્પેક્ટ્રમની હરાજીથી રૂ. 70,000 કરોડથી રૂ. 1,00,000 કરોડની રેન્જમાં આવક થવાની ધારણા છે. દેશમાં 5G સેવાઓની રજૂઆત ખૂબ જ હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવાનો માર્ગ મોકળો કરશે. 5G સેવા હાલની 4G સેવાઓ કરતાં લગભગ 10 ગણી ઝડપી હશે.

રિલાયન્સ જિયો હરાજી દરમિયાન વધુ ખર્ચ કરે તેવી અપેક્ષા છે. એરટેલ પણ વોડાફોન આઈડિયા અને અદાણી એન્ટરપ્રાઈઝની મર્યાદિત ભાગીદારી સાથે રેસમાં અગ્રેસર થવાની અપેક્ષા છે.

બજાર વિશ્લેષકો કહે છે કે હરાજી દરમિયાન આક્રમક બિડિંગની આશા ઓછી છે. આનું કારણ એ છે કે સ્પેક્ટ્રમ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે જ્યારે ત્યાં માત્ર ચાર બિડર્સ છે.

રિલાયન્સ જિયોએ હરાજી માટે વિભાગમાં 14,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝે માત્ર 100 કરોડ રૂપિયા જમા કર્યા છે.

(7:07 pm IST)