Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

મંકીપોક્સનો સામનો કરવા સરકારનો માસ્ટર પ્લાન ! : એરપોર્ટ પર 15 લેબ સ્થાપિત કરાઈ, મુસાફરોનું સ્ક્રીનિંગ કરાશે

નવી દિલ્હીઃ ભારતનાં કેરળમાં ત્રણ અને દિલ્હીમાં એક સહિત કુલ ચાર મંકીપોક્સનાં કેસ નોંધાયા છે. આ કેસની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ હોવાની અટકળો છે. ત્યારે સરકારે આ મહામારીને વધતી અટકાવવા પ્લાન તૈયાર કર્યો છે. આજે મંગળવારે નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યું કે, એરપોર્ટ પર સ્ક્રીનિંગની સાથે લેબોને તૈયાર કરવા સહિત સરકારે અનેક પ્રભાવી પગલા ભર્યાં છે.

દેશમાં મંકીપોક્સના ચાર દર્દીની પુષ્ટિ થઈ ચુકી છે. આ સૂચનાની સાથે લોકો એકવાર ફરી ડરેલા છે. કોરોનાનો ખતરો હજુ યથાવત છે અને મંકીપોક્સે લોકો સાથે સરકારની ચિંતા વધારી દીધી છે. આ મહામારીને વિશ્વ આરોગ્ય સંસ્થા હેલ્થ ઈમરજન્સી જાહેર કરી ચુક્યું છે. દિલ્હી અને કેરલમાં મંકીપોક્સના કેસની પુષ્ટિ થઈ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યુ કે સરકારે ઘણા સપ્તાહ પહેલા સક્રિય પગલા ભર્યા છે. એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. 15 લેબ સ્થાપિત કરવામાં આવી છે. સ્થિતિ નિયંત્રણમાં છે અને ડરવાની જરૂર નથી.

બિહારમાં પણ મંકીપોક્સને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાન્ડેએ જાણકારી આપી કે, આજે અમે મંકીપોક્સને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી. જેમાં વાયરસના લક્ષણ, પરીક્ષણ અને તે સંબંધિત અન્ય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. આપણે એલર્ટ મોડ પર રહેવા અને સરકાર દ્વારા જારી દિશા-નિર્દેશોનું પાલન કરવાની જરૂર છે.

(9:25 pm IST)