Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

ICC મહિલા T20I રેન્કિંગમાં 2 ભારતીય મહિલાઓ ટોપ-5માં : સ્મૃતિ મંધાના ચોથા સ્થાને અને શેફાલી વર્મા પાંચમા ક્રમે

સ્મૃતિ મંધા 681 રેટિંગ પોઈન્ટ તો શેફાલી વર્મા 679 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ-5માં પહોંચી : મેગ લેનિંગ નંબર વન પર રહી

નવી દિલ્લી તા.26 : ભારતની બે મહિલા ક્રિકેટરોએ ICC મહિલા T20I રેન્કિંગમાં ટોપ-5માં સ્થાન મેળવ્યો છે.  ભારતની સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ આ રેંકિંગમાં ચોથો અને  પાંચમો સ્થાન મેળવ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગે તેના જ દેશની બેથ મૂની પાસેથી નંબર વનની ખુરશી છીનવી લીધી છે.

ભારતની સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલી નવીનતમ મહિલા T20I રેન્કિંગમાં ટોપ-5માં છે. મંધાના 681 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે જ્યારે શેફાલી 679 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. મંધાના અને શેફાલી સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન ટોપ 10માં હાજર નથી.

ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગે ઓસ્ટ્રેલિયાની જ બેથ મૂની પાસેથી નંબર વનની ખુરશી છીનવી લીધી છે. પાકિસ્તાન અને આયર્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરનાર લેનિંગ હવે 731 રેટિંગ પોઈન્ટ સાથે વિશ્વની નંબર વન T20 બેટ્સમેન બની ગઈ છે. મૂની હવે બીજા નંબરે સરકી ગઈ છે. તેના લેનિંગ કરતા ત્રણ રેટિંગ પોઈન્ટ ઓછા છે. તેણે આયર્લેન્ડ સામે બે ઇનિંગ્સમાં 113 રન બનાવ્યા હતા. એ જ મેચમાં મૂની માત્ર નવ રન બનાવી શકી હતી.

ઓસ્ટ્રેલિયાની તાહલિયા મેકગ્રા પણ તાજેતરની બેટિંગ રેન્કિંગમાં 15 સ્થાનના ફાયદા સાથે 13માં સ્થાને પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ સામેના તેમના નિરાશાજનક પ્રદર્શન છતાં દક્ષિણ આફ્રિકન ત્રિપુટી લૌરા વોલ્વાર્ડ (14મું), એની બોશ (21મું) અને તાઝમિન બ્રિટ્સ (24મું) બેટ્સમેનોની યાદીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

(11:38 pm IST)