Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

મંકીપોક્સ વાયરસને ડિટેક્ટ કરવા Genes2Me એ નવો RT-PCR ટેસ્ટ તૈયાર કર્યો : 50 મિનિટમાં ચોક્કસ પરિણામ આપશે

આ ટેસ્ટ માત્ર અને માત્ર મંકીપોક્સ માટે વિકસાવવામાં આવ્યો, 50 મિનિટથી ઓછા સમયમાં કહી શકશે તે વ્યક્તિ સંક્રમિત છે કે નહીં : કંપનીનો દાવો

નવી દિલ્લી તા. 26 : દેશમાં કોરોના બાદ મંકીપોક્સ વાયરસને લઈ દેહશત ફેલાણી છે અને 4 લોકો આનાથી સંક્રમિત હોવાની પણ સત્તાવાર માહિતી સામે આવી છે. ત્યારે આ વાયરસને ડિટેકટ કરવા ભારતની એકમાત્ર કંપની Genes2Me એ એવો RT-PCR ટેસ્ટ તૈયાર કર્યો છે. જે 50 મિનિટમાં ચોક્કસ પરિણામ આપશે. અને ખબર પડી જશે કે તે વ્યક્તિ સંક્રમિત છે કે નહીં

એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ટેસ્ટ માત્ર અને માત્ર મંકીપોક્સ માટે વિકસાવવામાં આવ્યો છે. આ ટેસ્ટ દ્વારા 50 મિનિટથી ઓછા સમયમાં કહી શકાય છે કે કોઈ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત છે કે નહીં. કંપનીએ આગ્રહ કર્યો છે કે આ કિટનો ઉપયોગ એરપોર્ટ, હોસ્પિટલ, હેલ્થ કેમ્પમાં સ્ક્રીનિંગ દરમિયાન થઈ શકે છે. શુષ્ક સ્વેબ અને સ્વેબ બંનેનો ઉપયોગ પરીક્ષણ માટે કરી શકાય છે. Genes2Meના CEO નીરજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, તેઓ વર્તમાન સંસાધનોની મદદથી એક સપ્તાહમાં 50 લાખ ટેસ્ટ કીટ બનાવી શકે છે, પરંતુ જો તેમને પૂરતા સંસાધનો અને સમય આપવામાં આવે તો એક દિવસમાં 20 લાખ સુધીની ક્ષમતા પણ વિકસાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટ હજુ સુધી માર્કેટમાં આવ્યો નથી. તેનો ઉપયોગ માત્ર સંશોધન માટે થઈ રહ્યો છે. જ્યાં સુધી ICMR આ ટેસ્ટને લીલી ઝંડી ન આપે ત્યાં સુધી મંકીપોક્સ માટે Genes2Meનું RT-PCR ટેસ્ટ બજારમાં લોન્ચ કરી શકાશે નહીં.

નોંધનીય છે કે મંકીપોક્સ અને કોરોના બંને વાયરલ ઈન્ફેક્શન છે. બંનેના સ્ત્રોત પ્રાણીઓ છે પરંતુ તેમ છતાં તેમની વચ્ચે તફાવત છે. કોરોના કોરોનાવિરિડે મંકીપોક્સ પોક્સવિરિડે જૂથનો છે. કોરોનામાં, શરીર પર કોઈ ફોલ્લીઓ અને ખીલ નથી થતા જ્યારે મંકીપોક્સ જાતીય માર્ગ અને રક્ત માર્ગ સાથે કોરોનાની જેમ ફેલાય છે. કોવિડથી વિપરીત, મંકીપોક્સ ખૂબ ઝડપથી ફેલાતો નથી. મંકીપોક્સનો મૃત્યુદર શૂન્ય અને 3% ની વચ્ચે છે. કોવિડના લક્ષણો ઝડપી છે પરંતુ મંકીપોક્સના નથી.

 

(12:24 am IST)