Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

બાંગ્લાદેશના રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરવા બાદ લોકો રોષે ભરાયા : પાકિસ્તાન હાઈ કમિશન સમક્ષ વ્યાપક દેખાવો કર્યો

લોકોએ બેનરો લઈ પાક. હાઈકમિશન સામે નારા લગાવ્યા : બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓએ પાક.ની આ ઘટનાને પાકિસ્તાનની નાલાયકી કહી

નવી દિલ્લી તા.27 : પાકિસ્તાન હાઈકમિશન દ્વારા સોશ્યલ મીડીયા ઉપર બાંગ્લાદેશના રાષ્ટ્ર ધ્વજની જે તસ્વીર દર્શાવવામાં આવી હતી. તેમાં બાંગ્લાદેશના ધ્વજની સાથે પાકિસ્તાનના ધ્વજમાં રહેલા 'ચાંદ-તારા'ને પણ દર્શાવવામાં આવ્યા હતા. જેને લઈ બાંગલાદેશમાં વિવાદ છેડાયો છે.

બાંગ્લાદેશના રાષ્ટ્ર ધ્વજનું અહીના પાકિસ્તાનના હાઈકમિશને કરેલા અપમાન માટે ઢાકામાં પાક. હાઈ કમિશન સમક્ષ વ્યાપક દેખાવો યોજવામાં આવ્યા હતા. લોકોએ બેનરો લઈ પાક. હાઈકમિશન સામે જોરદાર નારા લગાવ્યા હતા.

બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓએ તેને પાકિસ્તાનની નાલાયકી કહી હતી. તેઓએ કહ્યું બાંગ્લાદેશે પાકિસ્તાન વિરુદ્ધ લાંબો સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલ્યો છે. તે મુકિત સંગ્રામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાયેલો છે.

આ નવ મહિના સુધી ચાલેલા લાંબા યુદ્ધ પછી ૧૯૭૧માં બાંગ્લાદેશે આઝાદી મેળવી હતી. આ નવ મહિનામાં ૩૦ લાખ લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા. પાકિસ્તાનના સૈનિકોએ એક લાખથી વધુ મહિલાઓ ઉપર ત્રાસ ગૂજાર્યો હતો. આ યુદ્ધમાં ભારતીય જવાનો પણ શહીદ થયા હતા. બાંગ્લાદેશ, પાકિસ્તાની સૈનિકોએ ગૂજારેલા અત્યાચારો કદી ભૂલી નહીં શકે.

આ પરિસ્થિતિમાં પાકિસ્તાનના હાઈ કમિશને બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનો ફોટો આ રીતે વાયરલ કર્યો હોવાથી લોકોમાં ગુસ્સો વ્યાપી રહ્યો છે. બાંગ્લાદેશ લિબરેશન વોર મંચ નામના સંગઠને માનવશ્રૂંખલા રચી રવિવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન ઢાકા યુનિવર્સિટીમાં રાજુની મૂર્તિ સમક્ષ કરવામાં આવ્યું હતું.

(12:25 am IST)