Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

છ મહિના પછી સસ્તી થવાના બદલે મોંઘી થઇ કોરોના રસી

કોવીશીલ્ડ ૫૦ રૂપિયા અને કોવેકસીન ૧૮૦ રૂપિયા થઇ મોંઘી

નવી દિલ્હી તા. ૨૯ : દેશમાં કોરોના રસીકરણ શરૂ થયાને છ મહિનાથી વધારે સમય થઇ ગયો છે. એવી આશા હતી કે રસીનું ઉત્પાદન વધવાની સાથે તેની કિંમતોમાં વધુ ઘટાડો થઇ શકે છે પણ આવું નથી થયું. ઉલટું કેન્દ્ર સરકાર પર ખર્ચો પહેલાની સરખામણીમાં વધારે વધી ગયો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં ફકત જુલાઇ સુધી જ ફાર્મા કંપનીઓ સાથે સરકારે કિંમતો નક્કી કરી હતી. તે દરમિયાન કોવીશીલ્ડનો એક ડોઝ ૨૦૦ અને કોવેકસીનનો એક ડોઝ ૨૦૬ રૂપિયા નક્કી કરાયો હતો પણ હવે નવી કિંમતો અનુસાર આ ભાવ વધીને ૨૦૫ અને ૨૧૫ થઇ ગયા છે. એટલે કોવીશીલ્ડની એક શીશીએ સરકારે પણ ૫૦ રૂપિયા વધારે ચુકવવા પડશે છે કેમકે એક શીશીમાં ૧૦ ડોઝ આવે છે. જ્યારે કોવેકસીનની એક શીશી પર આ ખર્ચ ૧૮૦ રૂપિયા વધી ગયો છે કેમકે તેમાં એક શીશીમાં ૨૦ ડોઝ આવે છે.

હવે સરકારે આ વધેલા ભાવે જ ઓર્ડર આપવો પડે છે. આરોગ્ય મંત્રાલયમાંથી મળેલી માહિતી અનુસાર ૧૬ જુલાઇએ કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાને કોવીશીલ્ડ રસીના ૩૭.૫ કરોડ ડોઝનો અને ભારત બાયોટેકને ૨૮.૫ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.

ભારત બાયોટેકની કોવેકસીન સ્વદેશી હોવા છતાં કોવીશીલ્ડની સરખામણીમાં હજુ પણ મોંઘી છે. લાંબો સમય વીતવા છતાં પણ એક તરફ કોવેકસીનનું ઉત્પાદન મંદ ગતિએ ચાલી રહ્યું છે તો બીજી તરફ તેના મોંઘા ભાવ સરકારની સાથે જ સામાન્ય માણસ માટે પણ વધારે છે કેમકે ખાનગી રસીકરણ કેન્દ્રોમાં અત્યારે સૌથી મોંઘી રસી એ જ છે.

(10:09 am IST)