Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ભારતનું 'યુવા નેશન'નુ બિરૂદ ખતરામાં

દેશમાં સામાન્ય વસ્તી વૃધ્ધિની સ્પીડ કરતાં ત્રણ ગણી સ્પીડે વધી રહ્યા છે વૃધ્ધો : આવતા ૧૦ વર્ષમાં દેશની ૧૩ ટકાથી વધુ વસ્તી વૃધ્ધોની હશે : ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્હી તા. ૨૯ : ભારત ભલે અત્યારે સૌથી વધારે યુવા આબાદીવાળો દેશ હોય પણ આ પરિસ્થિતિ લાંબો સમય રહેવાની શકયતા ઓછી છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશમાં સામાન્ય વસ્તીનો વધારો ૧૨ ટકાની ઝડપે થાય છે પણ બુઝર્ગો (૬૦ વર્ષથી ઉપર)ની વસ્તીમાં ૩૬ ટકાના દરે વધારો થઇ રહ્યો છે. આગામી દસ વર્ષમાં દેશની ૧૩ ટકાથી વધારે વસ્તી બુઝર્ગોની હશે.

ટેકનીકલ ગ્રુપ ઓફ પોપ્યુલેશન પ્રોજેકશન ઇન ઇન્ડીયાના રિપોર્ટને આધાર બનાવીને રાષ્ટ્રીય સેમ્પલ સર્વેએ વૃધ્ધો પર થોડા સમય પહેલા એક વિસ્તૃત રિપોર્ટ બહાર પાડયો છે. જેમાં કહેવાયું છે કે ૨૦૧૧-૨૧ વચ્ચે સામાન્ય વસ્તીના વધારાની ઝડપ ૧૨.૪ ટકા રહી છે. જ્યારે આ સમયગાળામાં ૬૦ વર્ષથી ઉપરની વસ્તી ૩૬ ટકાના દરે વધી છે.

રિપોર્ટ અનુસાર, ૨૦૦૧ થી ૨૦૧૧ વચ્ચે બુઝર્ગોની વસ્તીમાં ૨.૭ કરોડનો વધારો થયો. ત્યાર પછીના દાયકો એટલે કે ૨૦૧૧ થી ૨૦૨૧ દરમિયાન આ વધારો ૩.૪ કરોડ રહ્યો હતો. અને ત્યાર પછીના દાયકા ૨૦૨૧-૨૦૩૧ દરમિયાન વૃધ્ધોની વસ્તીમાં ૫.૬ કરોડનો વધારો થવાનો અંદાજ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ૨૦૩૧માં દેશની કુલ વસ્તીનો ૧૩.૧ ટકા હિસ્સો બુઝર્ગોનો હશે. ૨૦૨૧માં આ આંકડો ૧૦.૧ ટકા છે. ૧૯૬૧માં ફકત ૫.૬ ટકા વસ્તી બુઝર્ગોની હતી.

રિપોર્ટમાં કહેવાયું છે કે ઘણાં રાજ્યોમાં બુઝર્ગોની વસ્તી રાષ્ટ્રીય સરેરાશથી પણ વધારે છે. દેશની સરેરાશ બુઝર્ગોની વસ્તી ૧૦.૧ ટકા, જ્યારે કેરળમાં ૬૦ વર્ષથી વધારે વયના લોકોની વસ્તી ૧૬.૫ ટકા, તમિલનાડુમાં ૧૩.૬ ટકા, હિમાચલમાં ૧૩.૧ ટકા, પંજાબમાં ૧૨.૬ ટકા અને આંધ્રપ્રદેશમાં ૧૨.૪ ટકા નોંધાઇ છે. બીજી બાજુ વધારે વસ્તીવાળા રાજ્યો યુપી, બિહાર અને આસામમાં બુઝર્ગોની સંખ્યા અપેક્ષાકૃત ઓછી છે. રિપોર્ટ અનુસાર, બુઝર્ગોની સૌથી ઓછી વસ્તી બિહારમાં ૭.૭ ટકા છે. યુપી અને આસામમાં આ આંકડો ૮.૧ ટકા હોવાનું અનુમાન છે. રિપોર્ટ અનુસાર, ૨૦૩૧માં દેશની ૧૩.૧ વસ્તી બુઝર્ગોની હશે ત્યારે કેરળમાં ૨૧ ટકા અને તમિલનાડુમાં ૧૮ ટકા વૃધ્ધો હશે.

(10:24 am IST)