Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

૨૦૨૦માં ૨૮૦૦૦થી વધુ છોકરીઓ-મહિલાઓ બળાત્કારનો શિકાર બની

ભારતમાં એક જ વર્ષમાં મહિલા અત્યાચારના ૩,૭૧,૫૦૩ ગુન્હા નોંધાયાઃ કડક કાયદાઓ છતાં દરેક જગ્યાએ મહિલાઓ અસુરક્ષિત !! : રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં મહિલાઓ ઉપર સૌથી વધુ બળાત્કારઃ સ્ત્રી સશકિતકરણના નારા વચ્ચે ઘરેલુ હિંસા, હુમલા, બળાત્કાર, અપહરણનો ભોગ બની પીસાઈ રહી છે આજની નારી

નવી દિલ્હી, તા. ૨૯ :. સ્ત્રી સશકિતકરણ અને બેટી બચાવો, બેટી પઢાઓના નારા વચ્ચે ૨૦૨૦ની સાલમાં ભારતમાં ૨૮૧૫૩ છોકરીઓ અને મહિલાઓ બળાત્કારનો શિકાર બની છે. આ સિવાય ઘરેલુ હિંસા, હુમલા, અપહરણના મામલા તો અલગ છે, ત્યારે દેશમાં એક પણ જગ્યાએ મહિલા સુરક્ષિત નહિ હોવાનું પ્રાપ્ત આંકડાઓના આધારે પ્રતિત થઈ રહ્યુ છે.

એક તરફ મહિલાઓની સુરક્ષા માટે મોટા કાનૂન બનાવાયા છે તો બીજી તરફ મહિલાઓ વિરૂદ્ધ દરેક જગ્યાએ ગુન્હાઓની ભરમાર જોવા મળી રહી છે. ઘર-પરિવાર હોય કે સાર્વજનિક સ્થળ હોય, ઓફિસ હોય કે શાળાઓ હોય દરેક જગ્યાએ મહિલાઓનું શોષણ થઈ રહ્યુ છે. ૨૦૨૦માં મહિલાઓ ઉપર અત્યાચારના ૩,૭૧,૫૦૩ ગુન્હાઓ નોંધાયા છે જે નારી સુરક્ષાની પોલ ખોલી રહ્યા છે. આ ગુન્હાઓ પૈકી ૩૦ ટકા ઘરેલુ હિંસાના મામલા છે, ૨૩ ટકા હુમલાના, ૧૬.૮ ટકા અપહરણના, ૭.૫ ટકા બળાત્કારના અને છેડતી-હુમલા-હત્યા સહિતના અન્ય મામલાઓ ૨૨.૭ ટકા નોંધાયા છે.

બળાત્કારના મામલાઓમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ૪ રાજ્યોની છે. જેમાં રાજસ્થાનમાં બળાત્કારના મામલા ૫૩૧૦, ઉત્તરપ્રદેશમાં ૨૭૬૯, મધ્યપ્રદેશમાં ૨૩૩૯ અને મહારાષ્ટ્રમાં ૨૦૬૧ સહિત ૨૮૧૫૩ જેટલા રેપ કેસ ભારતમાં નોંધાયા છે. સ્ત્રી અત્યાચારના ઉત્તરપ્રદેશમાં ૪૯૩૮૫ કેસ પૈકી ૧૪૪૫૪ ઘરેલુ હિંસાના છે. આવી જ રીતે પશ્ચિમ બંગાળમાં ૩૬૪૩૯ ગુન્હા પૈકી ૧૯૯૬૨, રાજસ્થાનમાં ૩૪૫૩૫ પૈકી ૧૩૭૬૫ ગુન્હા ઘરેલુ હિંસાના નોંધાયેલા છે. પતિ અને પરિવારજનો દ્વારા મહિલાઓ ઉપર આચરવામાં આવતી ક્રૂરતાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વાયબ્રન્ટ અને વિકસતા ભારત દેશમાં મહિલા અત્યાચારનો મામલો સર્વાધિકપણે ગંભીર અને વિચાર માંગી લે તેવો બન્યો છે. મહિલા આયોગની ઉપસ્થિતિ વચ્ચે ચારેકોર સ્ત્રીઓ ઉપર આચરાતા ગુન્હાહીત કૃત્યો નાથવા શું કરવું જોઈએ ? તે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું પડશે તેમ મહિલા સંગઠનોમાંથી સૂર ઉઠી રહ્યો છે.

(2:49 pm IST)