Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કોરોનાના લીધે સ્વજન ગુમાવનારા ૩૪૭ પરિવારોને રૂ.૧.૭૪ કરોડ વળતર ચૂકવાયું

ગુજરાતમાં કોરોનાના કારણે ૧૦,૦૯૨ લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી ૧,૨૫૦ મૃતકોના પરિવારજનોએ વળતર મેળવવા માટેના ફોર્મ ભર્યા છેઃ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કર્યુ સોગંદનામું : વિવિધ જિલ્લામાં વળતરની ચૂકવણીની કામગીરી માટે ૬૧.૨૫ કરોડની રકમની ફાળવણી કરી દેવામં આવી છેઃ જો કોઈ વ્યકિતને વળતરની રકમ સામે વાંધો હોય તો તેઓ તકરાર નિવારણ સમિતિ સમક્ષ રજૂઆત કરી શકે છે

નવી દિલ્હી, તા.૨૯: કોરોનામાં મૃત્યુ પામનારા વ્યકિતઓના પીડિત સ્વજનોને ૫૦,૦૦૦ રૂપિયા વળતર પેટે ચૂકવવાની કામગીરી તમામ રાજયોએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાથ ધરી છે. આ મુદ્દે કેન્દ્ર સરકારે ૧૯૦થી વધુ પાનાનું સોગંદનામું સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં ગુજરાત તરફથી જણાવવામાં આવ્યું છે કે, રાજયમાં કોરોનાથી કુલ ૧૦,૦૯૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. જે પૈકી ૧૨૫૦ પીડિતોએ વળતર મેળવવા માટે ફોર્મ ઓથોરિટી સમક્ષ જમા કરાવ્યા છે. જેમાંથી ૩૪૭ કેસોમાં ચકાસણી સહિતની કામગીરી કર્યા બાદ રાજય સરકારે ૧.૭૪ કરોડની રકમની ચૂકવણી કરી છે. જયારે અન્ય ૯૨૫ કેસમાં ચૂકવણીની મંજૂરી આપવામાં આવી છે.

આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની અગાઉ ભારે ટીકા કરવામાં આવી હતી. ખાસ કરીને રાજય સરકારે સ્ક્રૂટિની કમિટીનું ગઠન કરતી વખતે સખત નારાજગી વ્યકત કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ રાજય સરકારે નવું જાહેરનામું કરીને ભૂલ સુધારી હતી અને તકરાર નિવારણ સમિતિનું ગઠન કર્યું હોવાનું સોગંધનામામાં જણાવ્યું હતું. સાથે જ જણાવ્યું કે, અગાઉ રાજય સરકારે ૨૯ ઓકટોબરે વળતરની ચૂકવણીનો જે ઠરાવ કર્યો હતો તેમાં ૨૧ નવેમ્બરે સુધારો કરી દેવાયો છે. જેમાં કોવિડમાં મૃત્યુ પામનારા વ્યકિતઓના સ્વજનોને વળતરની ચૂકવણી કરવા માટેની પ્રક્રિયાને સરળ બનાવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. ઉપરાંત જણાવ્યું કે, રાજયના મહેસૂલ વિભાગે ૨૦ નવેમ્બરે એક ઠરાવ કર્યો હતો, જેમાં ૨૧ અને ૨૫ નવેમ્બરે જરૂરી સુધારા કરી તમામ જિલ્લાના કલેકટરોને વળતર ચૂકવવાના આદેશ આપવામાં આવ્યા છે.

રાજય સરકારે એવી વિગતો પણ આપી છે કે ૨૫જ્રાક નવેમ્બર સુધીમાં રાજયમાં કુલ ૧૦,૦૯૨ વ્યકિતઓના કોરોનાથી મૃત્યુ થયા છે. જોકે, આ આંકડામાં ફેરફાર અપેક્ષિત છે કારણકે ત્રીજી સપ્ટેમ્બરના દિશાનિર્દેશો મુજબ કોવિડથી મૃત્યુની વ્યાખ્યાને વિસ્તૃત કરવામાં આવી છે. અત્યાર સુધી વળતર મેળવવા માટે ૧૨૫૦ ફોર્મ મળ્યા છે અને વિવિધ જિલ્લામાં વળતરની ચૂકવણીની કામગીરી માટે ૬૧.૨૫ કરોડની રકમની ફાળવણી કરી દેવામાં આવી છે. હજુ સુધી ૩૪૭ કેસમાં ૧.૭૪ કરોડ રૂપિયા વળતર પેટે ચૂકવાયા છે. જો કોઈ વ્યકિતને ૫૦ હજારની વળતરની રકમ અંગે કોઈ તકરાર હોય તો તેઓ તકરાર નિવારણ સમિતિ સમક્ષ રજૂઆત કરી શકે છે.(

(3:28 pm IST)