Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

સરકારી મહેમાન

સત્‍ય ઓર ઇમાન સે, સરકાર બને મતદાન સેઃ કભી ન દેના ઉસે વોટ, જો બાંટે દારૂ ઔર નોટ

કર્તવ્‍ય સે કોઇ ન રૂઠે, કિસી કા વોટ કભી ન છૂટે જાગૃતિ છતાં પણ ૧૦૦ ટકા મતદાન નહીં : વ્‍યક્‍તિને મતાધિકાર પહેલાં ૨૧ વર્ષે મળતો હતો પરંતુ સુધારો કરી ૧૮ વર્ષ નક્કી કરાઇ છે : ૨૬મી જાન્‍યુઆરી પહેલાં ૨૫મી જાન્‍યુઆરીએ ‘નેશનલ વોટર ડે'ની શરૂઆત ૨૦૧૧માં થઇ હતી

ભારતના ચૂંટણી પંચ તરફથી મતદારો માટે જાગૃતિના અનેક કાર્યક્રમો આપવામાં આવતા હોય છે છતાં કોઇ જગ્‍યાએ ૧૦૦ ટકા મતદાન થઇ શકતું નથી. ઘણીવાર તો ૩૦ થી ૩૫ ટકા મતદાનમાં આખી સરકારની રચના થતી હોય છે જેમાં ૭૦ થી ૬૫ ટકા મતદારો તેમના અધિકારથી દૂર રહેતા હોય છે. જો કે છેલ્લા બે દસકામાં આવેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમ્‍યાન મતદારોમાં જાગૃતિનો સંચાર થયો છે અને ટકાવારીમાં વધારો નોંધાયો છે. મતદાનને ફરજીયાત કરવાના અનેક પ્રયાસો થયાં છે પરંતુ લોકશાહી પ્રક્રિયામાં અધરૂં બની રહ્યું છે. ગુજરાતમાં એક નવો પ્રયોગ ઓનલાઇન વોટીંગનો કરવામાં આવ્‍યો હતો પરંતુ તેને આગળ વધારી શકાયો નથી. ભારતના ચૂંટણી પંચે અનેક સુધારા કર્યા છે અને લોકોને સુવિધા ઉભી કરી આપી છે છતાં ઇચ્‍છિત મતદાન થઇ શકતું નથી. મતદાન કરવા માટેના આકર્ષક સ્‍લોગનની પણ અસર થતી નથી. રાષ્ટ્રીય મતદાન દિવસે અનેક સ્‍લોગન સાથે કાર્યક્રમો થતાં હોય છે. ‘ઉમ્ર અઠારહ પૂરી હૈ, મત દેના જરૂરી હૈ'... ‘પ્રજાતંત્ર સે નાતા હૈ, ભારત કે મતદાતા હૈ'...' ‘સત્‍ય ઔર ઇમાન સે, સરકાર બને મતદાન સે'...'ના ભ્રષ્ટાચાર સે ના બેઇમાન સે, સરકાર તો બનેગી હમારે મતદાન સે'... આ પ્રકારના સૂત્રોથી આ દિવસને મનાવવામાં આવે છે પરંતુ દિન ગયા બાત ગઇ... લોકો ભૂલી જાય છે.

 પ્રજાસત્તાક દિન પહેલાં ચૂંટણી પંચની રચના

ભારતમાં નેશનલ વોટર ડે પ્રતિવર્ષ ૨૫મી જાન્‍યુઆરીએ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના પ્રત્‍યેક નાગરિક માટે ખાસ છે. આ દિવસે પ્રત્‍યેક નાગરિકે તેના રાષ્ટ્ર પ્રત્‍યે પ્રત્‍યેક ચૂંટણીમાં ભાગીદારી કરવાની શપથ લેવી જોઇએ, કેમ કે ભારતની પ્રત્‍યેક વ્‍યક્‍તિના મતથી દેશના ભવિષ્‍યની ઇમારત ઉભી થતી હોય છે. દેશમાં જેટલી પણ ચૂંટણી થાય છે તેને નિષ્‍પક્ષતાથી તેને પૂર્ણ કરવાની જવાબદારી ભારતના ચૂંટણી પંચની હોય છે. આ પંચની રચના ભારતીય સંવિધાન લાગુ થયાના એક દિવસ પહેલાં એટલે કે ૨૫જ્રાક જાન્‍યુઆરી ૧૯૫૦ના રોજ થઇ હતી, કેમ કે ૨૬મી જાન્‍યુઆરીએ પ્રજાસત્તાક દિન આવી રહ્યો હતો. ભારતમાં લોકશાહી પ્રક્રિયાથી ચૂંટણી કરાવવા ચૂંટણી પંચની આવશ્‍યકતા હતી.

હવે પ્રત્‍યેક મતદાર મોબાઇલ સાથે જન્‍મે છે...

ભારત સરકારે ૨૦૧૧થી પ્રત્‍યેક ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચના સ્‍થાપના દિનને રાષ્ટ્રીય મતદાતા દિવસના રૂપમાં મનાવવાનું નક્કી કર્યું છે. આ દિવસ પ્રત્‍યેક નાગરિકને તેમના કર્તવ્‍યની યાદ અપાવે છે. એક વ્‍યક્‍તિનો મત સરકાર બદલી શકે છે. જો દેશની પ્રત્‍યેક ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન થાય તો સર્વોત્તમ રાજકીય પાર્ટી અને તેનો ઉમેદવાર પસંદ થશે. દેશમાં અત્‍યારે ૬૫ ટકા વસતી યુવાઓની છે તેથી દેશની પ્રત્‍યેક ચૂંટણીમાં યુવાનોએ સૌથી વધુ ભાગીદારી કરવાનો સમય છે. અત્‍યારના સમયમાં પ્રત્‍યેક મતદાર મોબાઇલ સાથે જન્‍મે છે તેની સમજ ચૂંટણી પંચ, રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોને આવી ચૂકી છે તેથી પ્રત્‍યક્ષ અને પરોક્ષ ચૂંટણી પ્રચાર કરવાની પદ્ધતિઓ બદલાઇ ચૂકી છે.

પ્રત્‍યેક વર્ષે ઉજવણીની થીમ બદલાય છે

લોકસભા અને રાજય વિધાનસભાની ચૂંટણીઓમાં સામાન્‍ય રીતે જોવામાં આવ્‍યું છે કે તે સાંપ્રદાયિક, જાતિવાદ અને ભાષાવાદના આધારે લડાઇ રહી છે પરંતુ હવે તેનાથી ઉપર આવીને સ્‍વચ્‍છ, ચારિત્ર્યશીલ અને પ્રતિભાવંત ઉમેદવારને ચૂંટીને મોકલવાનો સમય આવી ચૂક્‍યો છે. ભારતમાં મતદાન માટે ૧૮ વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે એટલે કે ૧૮ વર્ષ જેણે પૂર્ણ કર્યા હોય તેને મતાધિકાર મળે છે. પહેલાં મતદાન કરવા માટેની વયમર્યાદા ૨૧ વર્ષ હતી પરંતુ ૧૯૮૮માં તેને ઘટાડીને ૧૮ વર્ષની કરવામાં આવી છે. ૨૦૨૦ના વર્ષમાં રાષ્ટ્રીય મતદાતા દિનની થીમ ઇલેક્‍ટ્રોરલ લિટરસી ફોર એ સ્‍ટ્રોન્‍ગર ડિમોક્રેસી રાખવામાં આવી હતી. એ પહેલાં ૨૦૧૯માં નો વોટર ટુ બી લેફટ બિહાઇન્‍ડ હતી. ૨૦૧૮માં એસેસિબલ ઇલેક્‍શન્‍સ થીમ હતી. હવે ૨૦૨૧ની થીમ મેકીંગ અવર વોટર્સ એમ્‍પાવર્ડ, વિઝીલન્‍ટ, સેફ એન્‍ડ ઇન્‍ફોર્મ્‍ડ આધારિત છે.

વિશ્વના ચાર દેશોમાં મતદાન ફરજીયાત છે

મતદાન એક એવી પદ્ધતિ છે કે જેનાથી સભા, મતદારમંડળ જેવા જૂથ પોતાનો એક નિર્ણય લે છે કે મંતવ્‍ય રજૂ કરે છે. મોટાભાગે આમ થવા પાછળ ચર્ચા, વાદવિવાદ કે ચૂંટણી પ્રચાર કારણભૂત હોય છે. આ બાબત હંમેશા લોકશાહી અને લોકશાસનમાં જોવા મળે છે. લોકશાસનમાં સામાન્‍ય રીતે ચૂંટણી સમયે મતદાનને લાગુ પાડવામાં આવે છે. મતદાનમાં મત આપવો એક વ્‍યક્‍તિગત કાર્ય છે જેનાથી તે એક ચોક્કસ સભ્‍ય, સભ્‍યોની ચૂંટણી કે એક રાજકીય પક્ષના એક ચોક્કસ પ્રસ્‍તાવને પસંદ કે પોતાનો ટેકો પૂરો પાડે છે. સામાન્‍ય રીતે મતદાન કેન્‍દ્ર પર ગુપ્ત મતદાન થાય છે જેથી મતદારોની રાજનૈતિક ગોપનિયતા સુરક્ષિત રહે છે. મતદાન કરવાનું ઘણાં રાજયોમાં મરજીયાત છે, જયારે આજર્ેિન્‍ટના, ઓસ્‍ટ્રેલિયા, બેલ્‍ઝિયમ અને બ્રાઝિલ જેવા દેશોમાં ફરજીયાત છે.

ભારતમાં પહેલાં બેલેટ પછી ઇવીએમ આવ્‍યા...

ભારતમાં પહેલા બેલેટ પેપરથી મતદાન થતું હતું પરંતુ ૧૯૮૨માં પ્રથમવાર ઇવીએમનો ઉપયોગ કરવામાં આવ્‍યો ત્‍યારથી આ સિસ્‍ટમ લાગુ કરવામાં આવેલી છે. કેરળના પરાવુર વિધાનસભાના ૫૦ મતદાન કેન્‍દ્રો પર ઇવીએમનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. ચૂંટણી હારી ગયેલા ઉમેદવાર એસી જોસ એ ઇવીએમથી થયેલી ચૂંટણીના પરિણામને કોર્ટમાં પડકાર્યું હતું. કોર્ટે ફરીથી ચૂંટણી યોજવા માટેનો આદેશ કર્યો હતો પરંતુ મશીનમાં કોઇપણ જાતની છેડછાડ કરવામાં આવી ન હતી. એક ઇવીએમમાં કન્‍ટ્રોલ અને બેલેટીંગ એમ બે પ્રકારના યુનિટ હોય છે. બન્ને યુનિટ પાંચ મીટર લાંબા એક કેબલથી જોડાયેલા હોય છે. કન્‍ટ્રોલ યુનિટ મતદાન અધિકારી પાસે હોય છે અને બેલેટીંગ યુનિટ મતદાર માટે રાખવામાં આવે છે. ચૂંટણી પૂર્ણ થયા પછી મતદાન અધિકારી ક્‍લોઝ બટન દબાવીને ઇવીએમને બંધ કરે છે. એક ઇવીએમમાં ૩૮૪૦ મત આપી શકાય છે. ઇવીએમની ડિઝાઇન ચૂંટણી પંચે સરકારી ક્ષેત્રની બે કંપનીラ ભારત ઇલેક્‍ટ્રોનિક્‍સ લિમિટેડ અને ઇલેક્‍ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા સાથે મળીને કરી હતી. ૧૯૮૯-૯૦માં જયારે ઇવીએમ ખરીદવામાં આવ્‍યા હતા ત્‍યારે તેની કિંમત ૫૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

વિશ્વસનિયતા પર શંકા જતાં વીવીપેટનો જન્‍મ

ઇવીએમની વિશ્વસનિયતા પર શંકા ઉભી થતાં ચૂંટણી પંચે વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ)નો ઉપયોગ શરૂ કર્યો છે જે ઇવીએમ સાથે જોડાયેલું હોવાથી કોને મત આપ્‍યો તે મતદાતા જોઇ શકે છે. દેશમાં સૌ પ્રથમ વીવીપેટનો પ્રયોગ ૨૦૧૩માં નાગાલેન્‍ડની ચૂંટણીમાં થયો હતો, ત્‍યારબાદ સુપ્રીમ કોર્ટે વીવીપેટ મશીન બનાવવા માટે રૂપિયા ફાળવવા કેન્‍દ્ર સરકારને આદેશ કર્યો હતો. ૨૦૧૪માં પણ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. ભારત ઇલેક્‍ટ્રોનિક્‍સ લિમિટેડે ૨૦૧૬માં ૩૩૫૦૦ વીવીપેટ બનાવ્‍યા હતા. ૨૦૧૭માં યોજાયેલી પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે ૫૨૦૦૦ વીવીપેટનો ઉપયોગ કર્યો હતો. હવે દેશમાં યોજાનારી પ્રત્‍યેક ચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ કરવાનું ફરજીયાત બનાવવામાં આવેલું છે.

ભારતમાં ૨૫૯૮ રાજકીય પક્ષો સક્રિય છે

ભારતમાં રાજકીય પાર્ટીઓની સંખ્‍યા પ્રતિવર્ષ વધતી જાય છે. સૌથી જૂની પાર્ટી તરીકે કોંગ્રેસ પ્રસ્‍થાપિત થયેલી છે. સૌથી મોટી પાર્ટી હોવાથી નેતાઓ વચ્‍ચે મતમતાંતર વધતાં કોંગ્રેસના અનેકવાર વિભાજન થયાં છે. ભારતના ચૂંટણી પંચના આંકડા પ્રમાણે અત્‍યારે દેશમાં આઠ નેશનલ પાર્ટી, ૫૨ સ્‍ટેટ પાર્ટી અને ૨૫૩૮ અનરજીસ્‍ટર્ડ પાર્ટી સાથે કુલ ૨૫૯૮ રાજકીય પક્ષો સક્રિય છે, જેઓ વિવિધ ચૂંટણીમાં ભાગ લેતાં હોય છે. કોંગ્રેસનો જન્‍મ ૨૮મી ડિસેમ્‍બર ૧૮૮૫માં થયો હતો જયારે ભાજપનો જન્‍મ ૬એપ્રિલ ૧૯૮૦માં થયો હતો. ભારતના રાજકારણમાં ૨૦૧૨માં જયારે આમ આદમી પાર્ટીનો જન્‍મ થયો ત્‍યારે તે મજબૂત પક્ષ તરીકે ઉભરી આવી હતી. એવી જ રીતે કોંગ્રેસમાંથી છૂટા પડેલાં મમતા બેનરજીએ ૧લી જાન્‍યુઆરી ૧૯૯૮માં ઓનઇન્‍ડિયા ત્રૃણમૂલ કોંગ્રેસની સ્‍થાપના કરી હતી. બીજી તરફ કોંગ્રેસના સ્‍ટ્રોંગ લિડર શરદ પવારે કોંગ્રેસ છોડીને મહારાષ્ટ્રમાં નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીની સ્‍થાપના કરી હતી. આ ત્રણ રાજકીય પાર્ટીઓએ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ અને ભાજપનું ધ્‍યાન ખેંચ્‍યું છે.

-: આલેખન :-

ગૌતમ પુરોહીત

gpurohit09@gmail.com

 

(10:32 am IST)
  • ધો.૯ અને ૧૧ના વર્ગો શરૂ થઈ શકે છે : ભુપેન્દ્રસિંહજીએ આપ્યા સંકેત : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં ધો.૯ અને ૧૧ના વર્ગો પણ શરૂ થઈ શકે છે : હાલ ધો. ૧૦ અને ૧૨ની શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ છે અને શાળાઓ હાલ નોર્મલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે : આ અંગે ૨૭મીએ ચર્ચા - વિચારણા કરવામાં આવશે access_time 12:17 pm IST

  • અમદાવાદમાં પણ સવારે ધુમ્મસભર્યું વાતાવરણઃ અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે ઉપર વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી : રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સવારે ઝાળકવર્ષા જોવા મળે છે. દરમિયાન આવે વ્હેલી સવારે અમદાવાદમાં ગાઢ ધુમ્મસ જોવા મળેલ તો અમદાવાદ એકસપ્રેસ હાઇવે ઉપર ધુમ્મસના પગલે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. લાઇટો ચાલુ રાખી ધીમી સ્પીડે કાર ચાલકો વાહન ચલાવતા જોવા મળ્યા હતા. access_time 11:33 am IST

  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST