Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી કરૂણાંતિકાના પગલે

રાજકોટ લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતિની ઉજવણી મોકૂફઃ તૈયાર થઇ ગયેલા પ્રસાદનું જરૂરીયાતમંદોમાં વિતરણ

સર્વજ્ઞાતિ મહાપ્રસાદમાં કુલ સવા લાખ ભાવિકોની ધારણા સંદર્ભે પ૦ હજાર ભાવિકો માટેના ગાઠીયા-બુંદી બની ગયા હતાઃ ગઇકાલના રામધૂન કાર્યક્રમ માટે પાંચ હજાર જલારામ ભકતો માટે પણ પ્રસાદ તૈયાર થઇ ગયો હતો : તૈયાર થઇ ગયેલ પ્રસાદનું સિવિલ હોસ્‍પિટલ, બોલબાલા ટ્રસ્‍ટ, નિલકંઠ ગ્રુપ, જલારામ જયંતિ નિમિતે પ્રસાદ બનાવતા રસોડા, લોહાણા મહાજનમાં નોંધાયેલ ૪૦૦ કાર્ડ હોલ્‍ડર કુટુંબો, મોરબી બચાવકાર્ય માટે આવેલ NDRF ટીમ અને આર્મીમેન, રોબીનહૂડ આર્મી વિગેરેમાં સેવાર્થે વિતરણ કરવામાં આવ્‍યું : રાજકોટની ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો, ચકરડી-ચગડોળ ચલાવતા કુટુંબો, ભિક્ષુકો, કુટુંબથી છૂટા પડીને રોડ ઉપર જીંદગી જીવતા લોકો વિગેરેને મહાજનના સ્‍વયંસેવકોએ જાતે પ્રસાદનું વિતરણ કર્યું: દાતાઓ દ્વારા અપાયેલ સામગ્રીઓ પણ પરત કરવામાં આવી : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી તૈયાર થઇ ગયેલ પ્રસાદનું જરૂરીયાતમંદોને વિતરણ કરવા માટે પ્રસાદની પેકીંગ કીટ બનાવી રહેલા રાજકોટ લોહાણા મહાજનના સ્‍વયંસેવકો તસ્‍વીરમાં નજરે પડે છે. તૈયાર થયેલ કીટ પણ જોઇ શકાય છે.

રાજકોટ તા. ૩૧ : વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન અને શહેરના અઢી લાખથી વધુ રઘુવંશીઓની માતૃ સંસ્‍થા રાજકોટ લોહાણા મહાજન દ્વારા આજરોજ પ.પૂ. જલારામબાપાની રર૩ મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી રાખવામાં આવી હતી. જેના ભાગરૂપે સાંજે ૬ વાગ્‍યાથી ‘જલિયાણધામ', રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, રાજકોટ ખાતે મહાઆરતી, ત્‍યારબાદ સર્વજ્ઞાતિ મહાપ્રસાદ અને રાત્રે ૯ થી ૧ર પ્રસિધ્‍ધ હાસ્‍ય ડાયરા કલાકરશ્રી માયાભાઇ આહીરનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો.
જલારામ જયંતિ મહોત્‍સવની ઉજવણીના આ તમામ કાર્યક્રમો ગઇ-કાલે મોરબી ઝુલતા પૂલની કરૂણાંતિકાને પગલે મોકુફ રાખ્‍યાનું રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ સંયુકત યાદીમાં જણાવ્‍યું હતું. રાજકોટ લોહાણા મહાજની સમગ્ર ટીમ દ્વારા મોરબી કરૂણાંતિકામાં સ્‍વર્ગસ્‍થ થયેલા તમામ આત્‍માઓની શાંતિ માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી.
‘જલિયાણધામ' ખાતે આજરોજ યોજાનાર સર્વજ્ઞાતિ મહાપ્રસાદમાં કુલ સવા લાખ જેટલા ભાવિકો પ્રસાદ લેવા આવનાર હોવાની ધારણા હતી. જે સંદર્ભે ગઇકાલે સાંજે ૭ વાગ્‍યા સુધીમાં પ૦ હજાર ભાવિકો માટેના ગાઠીયા-બુંદી બની ગયા હતા. ઉપરાંત ગઇકાલે રાત્રે પ્રખ્‍યાત ભજન ગાયકશ્રી અશોકભાઇ ભાયાણી પ્રસ્‍તુત ‘રામનામ કે હીરે મોતી' અંતર્ગત રામધુન માટેના કાર્યક્રમ માટે પાંચ હજાર જેટલા ભાવિકો માટે પણ પ્રસાદ તૈયાર થઇ ગયો હતો.
મોરબી કરૂણાંતિકાને પગલે રાજકોટ લોહાણા મહાજન આયોજીત જલારામ જયંતિ મહોત્‍સવ મોકુફ રહેતા તૈયાર થઇ ગયેલ તમામ પ્રસાદનું વિવિધ જગ્‍યાએ સેવાર્થે વિતરણ કરી દેવામાં આવ્‍યું છે. જેમાં સિવિલ હોસ્‍પિટલ, બોલબાલા ટ્રસ્‍ટ, નિલકંઠ ગ્રુપ, પ.પૂ. જલાબાપાની જન્‍મજયંતિ નિમિતે પ્રસાદ બનાવતા અને વિતરણ કરતા નાના-મોટા રસોડાઓ, વર્ષોથી રાજકોટ લોહાણા મહાજનમાં નોંધાયેલા અને અન્‍ન વિતરણનો સહયોગ ઇચ્‍છતા ૪૦૦ જેટલા કાર્ડ હોલ્‍ડર કુટુંબો, મોરબી કરૂણાંતિકા સંદર્ભે બચાવ કાર્ય માટે આવેલ એનડીઆરએફ  ટીમ અને આર્મીમેન, કુદરતી આફતો વખતે બચાવ કાર્યમાં અગ્રેસર રાજકોટની રોબીન હૂડ આર્મી વિગેરેનો સમાવેશ થાય છ.ે
ઉપરાંત રાજકોટમાં વિવિધ જગ્‍યાએ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો, ચકરડી, ચગડોળ ચલાવતા કુટુંબો, ભિક્ષુકો, અગમ્‍ય કારણોસર કુટુંબથી છૂટા પડીને જીંદગી જીવતા જરૂરીયાત મંદ લોકો વિગેરેમાં ગઇકાલે રાતથી આજ બપોર સુધીમાં રાજકોટ લોહાણા મહાજનના સ્‍વયંસેવકોએ જાતે જઇને પ્રસાદનું વિતરણ કર્યું હતું.
જલારામ જયંતિ નિમિતે દાતાઓ તરફથી તેલ, બેસન, ખીચડી સહીતની પુષ્‍કળ સામગ્રીઓ પ્રાપ્‍ત થઇ હતી તે તમામ  સામગ્રીઓ પૂ. શ્રી જલારામબાપાના નામ સાથે રાજકોટ લોહાણા મહાજન દ્વારા દાતાશ્રીઓને આભાર સહ પરત મોકલી આપવામાં આવી છે.
રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમે મોરબી કરૂણાંતિકાના અસરગ્રસ્‍તોને તમામ પ્રકારનો જરૂરી સહયોગ મળી રહે તેવી પ.પૂ. જલારામબાપાને પ્રાર્થના કરી હતી.

 

(3:35 pm IST)