Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

પટેલ નવદંપતિને કાળ બોલાવતો હોય તેમ બસમાંથી ઉતરી માસીયાઇ ભાઇના ઘરે જવાને બદલે સીધા જ ઝૂલતા પૂલે ગયા અને જીવ ગયો

એન્‍જિનીયર હર્ષ ઝાલાવડીયા પત્‍નિ મીરા અને માતા પિતાને સાથે લઇ હળવદ માસીના દિકરાના ઘરે વાયણુ જમવા ગયેલઃ પરત મોરબી પહોંચ્‍યા ત્‍યારે માતા-પિતા રાજકોટ જવા રવાના થયા અને હર્ષ તથા મીરા મોરબી માસીયાઇ ભાઇના ઘરે જવા ઉતરી ગયા'તાઃ પહેલા ઘરે જવાનું નક્કી થયેલું, પણ બાદમાં સીધા પૂલ પર ફરીને પછી ઘરે જવાનો નિર્ણય લેવાયો ને... :મોરબીની પૂલ દૂર્ઘટનામાં અંબિકા ટાઉનશીપની પટેલ નવોઢા મીરાએ ઘટનાને દિવસે અને પતિ હર્ષ ઝાલાવડીયાએ ગત સાંજે દમ તોડતાં કડવા પાટીદાર પરિવારોમાં કાળો કલ્‍પાંતઃ હર્ષ વૃધ્‍ધ માતા-પિતાનો એકનો એક પુત્ર અને આધારસ્‍તંભ હતોઃ છ મહિના પહેલા જેના ‘લગ્ન ગીતો' ગવાયા હતાં એમના હવે ‘મરશીયા' ગવાતાં શોકની કાલીમા : હર્ષ અને મીરાની સાથે હર્ષના મોરબી રહેતાં માસીયાઇ ભાઇ, ભાભીના પણ મોત નિપજ્‍યાઃ ૪ વર્ષના બાળકનો ચમત્‍કારીક બચાવ : રાત્રે પતિ-પત્‍નિની એક સાથે અંતિમયાત્રા નીકળતાં સર્જાયા અતિ કરૂણ દ્રશ્‍યો

કાળનો કોળીયો બનેલા હર્ષ ઝાલાવડીયા અને તેના પત્‍નિ મીરા ઝાલાવડીયાની એક ખુશનુમા પળની યાદગાર તસ્‍વીર (વચ્‍ચે) અને તેમનું સિધ્‍ધી હાઇટ્‍સ ખાતેનું નિવાસસ્‍થાન તથા સ્‍વ. મીરાના પિતા અને સ્‍વ. હર્ષના પિતા વિગતો જણાવતાં તથા નીચેની તસ્‍વીરમાં શોકમય સ્‍વજનો નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૧: ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી...કંઇક આવું જ શહેરની અંબિકા ટાઉનશીપનમાં આવેલી સિધ્‍ધી હાઇટ્‍સમાં રહેતાં કડવા પાટીદાર-ઝાલાવડીયા પરિવાર સાથે બની ગયું છે. મોરબી ઝૂલતા પૂલની ગોઝારી ઘટના આ પરિવારને પણ વજ્રઘાત આપી ગઇ છે. છ મહિના પહેલા જ લગ્નબંધને બંધાયેલા હર્ષ બટુકભાઇ ઝાલાવડીયા (ઉ.વ.૨૬) અને મીરા હર્ષ ઝાલાવડીયા (ઉ.વ.૨૪)નો મોરબી પૂલ હોનારતમાં ભોગ લેવાતાં ગત રાતે બંનેની એક સાથે ‘અરથી' ઉઠી ત્‍યારે અનેક આંખો રડી પડી હતી. હર્ષ શનિવારે પત્‍નિ, માતા, પિતા સાથે હળવદ વાયણુ જમવા ગયો હતો. ચારેય ત્‍યાંથી પરત રાજકોટ આવી રહ્યા હતાં ત્‍યારે હર્ષ અને મીરા મોરબી રહેતાં બીજા માસીયાઇ ભાઇના ઘરે જવા અહિ ઉતરી ગયા હતાં અને માતા-પિતા રાજકોટ રવાના થયા હતાં. કાળ જાણે બોલાવતો હોય તેમ આ બંને પહેલા માસીયાઇ ભાઇના ઘરે જવાના હતાં. પરંતુ બાદમાં સીધા જ ઝૂલતા પૂલે ભેગા થવાનું નક્કી કરી ત્‍યાં પહોંચ્‍યા હતાં અને ભોગ બની ગયા હતાં. સગાએ કહ્યું હતું કે જો આ બંને પહેલા માસીયાઇ ભાઇના ઘરે ગયા હોત તો કદાચ બચી ગયા હોત.
વિગત એવી છે કે અંબીકા ટાઉનશીપમાં ધ કોર્ટયાર્ડ સામે સિધ્‍ધી હાઇટ્‍સમાં રહેતાં અને બેંગ્‍લોરની કંપનીમાં સોફટવેર એન્‍જિનીયર તરીકે નોકરી કરતાં હર્ષભાઇ બટુકભાઇ ઝાલાવડીયા (કડવા પટેલ) (ઉ.વ.૨૬) શનિવારે પોતાના પત્‍નિ મીરા ઝાલાવડીયા (ઉ.૨૪) તથા માતા સુધાબેન અને પિતા બટટુકભાઇ બાવનજીભાઇ ઝાલાવડીયાને સાથે લઇ હળવદ ખાતે માસીયાઇ ભાઇના ઘરે વાયણુ જમવા ગયા હતાં. ત્‍યાંથી રવિવારે સવારે જ બધા પરત રાજકોટ આવવા નીકળી ગયા હતાં અને બસમાં બેઠા હતા. પરંતુ મોરબી આવતાં હર્ષ અને મીરા મોરબીમાં રહેતાં બીજા માસીયાઇ ભાઇ હાર્દિક અશોકભાઇ ફળદુના ઘરે જવા મોરબી ઉતરી ગયા હતાં. જ્‍યારે માતા-પિતા એ જ બસમાં રાજકોટ જવા નીકળી ગયા હતાં.
મોરબીથી હર્ષભાઇ સાથે તેમના પત્‍નિ મીરાબેન અને માસીયાઇ ભાઇ હાર્દિક અશોકભાઇ ફળદુ, તેની પત્‍નિ મીરલબેન હાર્દિક ફળદુ અને આ બંનેનો ૪ વર્ષનો દિકરો મળી પાંચ લોકો ઝૂલતો પૂલ જોવા પહોંચ્‍યા હતાં અને અને દૂર્ઘટનાનો ભોગ બની ગયા હતાં. હર્ષ, મીરા, તેનો માસીયાઇ ભાઇ અને ભાઇની પત્‍નિ મળી ચારેયના મૃત્‍યુ થયા હતાં. જ્‍યારે ચાર વર્ષના બાળકનો ચમત્‍કારીક બચાવ થયો હતો.
મીરાબેનનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યુ઼ હતું. જ્‍યારે પતિ હર્ષભાઇને રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. ગત સાંજે તેમનું પણ મૃત્‍યુ નિપજતાં પતિ-પત્‍નિની એક સાથે અંતિમયાત્રા નીકળતાં કડવા પાટીદાર પરિવારજનોમાં અને સિધ્‍ધી હાઇટ્‍સ તથા આસપાસના રહેવાસીઓમાં કલ્‍પાંત સર્જાયો હતો. જે આંગણે હજુ થોડા મહિના પહેલા જેના લગ્ન ગીતો ગવાયા હતાં અને નવદંપતિના મરશીયા ગાવાની વેળા આવતાં આક્રંદ સર્જાયું હતું. હર્ષ એક બહેનથી નાનો અને વૃધ્‍ધ માતા-પિતાનો એક માત્ર આધારસ્‍તંભ દિકરો હતો. જ્‍યારે મીરા પણ માતા-પિતાની એકની એક દિકરી અને એક ભાઇથી નાની હતી. કડવા પાટીદાર પરિવારજનો પર વજ્રઘાત થયો હતો.
એક સ્‍વજને જણાવ્‍યું હતું કે જાણે કારળ બોલાવતો હોય તેમ હળવદથી મોરબી પહોંચ્‍યા પછી હર્ષ અને મીરા પહેલા તેના માસીયાઇ ભાઇના ઘરે જવાના હતાં. પરંતુ પછી ગમે તે થયું હોઇ બંને સીધા ઝૂલતા પૂલે ફરવા પહોંચ્‍યા હતાં અને માસીયાઇ ભાઇ પણ તેના પત્‍નિ, પુત્રને લઇ પૂલ પર આવ્‍યા હતાં અને આ ઘટનાનો ભોગ બન્‍યા હતાં. જો હર્ષ અને મીરા સીધા ભાઇના ઘરે ગયા હોત તો કદાચ ઘટનાનો ભોગ બનતાં બચી ગયા હોતં.

 

મીરાના પિતાએ કહ્યું-અમે દૂર્ઘટનાના સમાચાર જોતા હતાં ત્‍યારે  ક્‍યાં ખબર હતી કે અમારા દિકરી-જમાઇ પણ ભોગ બન્‍યા છે!
મીરાને એક ભાઇ છે, હર્ષને એક બહેન

દૂર્ઘટનામાં દિકરી અને જમાઇ ગુમાવનારા મુળ જામજોધપુરના અને વર્ષોથી મેંગ્‍લોર સ્‍થાયી થયેલા હસમુખભાઇ સવસાણીએ ભારે ગમગીની સાથે જણાવ્‍યું હતું કે મારે એક દિકરી મીરા અને એક દિકરો છે. મીરાના લગ્ન અમે ગયા મે મહિનામાં જ બટુકભાઇ બાવનજીભાઇ ઝાલાવડીયાના દિકરા હર્ષ સાથે કર્યા હતાં. હર્ષ એક બહેનથી નાનો હતો અને સોફટવેર એન્‍જિનીયર હોઇ તે બેંગ્‍લોરની કંપનીમાં નોકરી કરતો હતો. જો કે હાલમાં તે કંપનીના નિયમ મુજબ ઘરે બેઠા કામ કરતો હતો. થોડા સમય પહેલા જ દિકરી-જમાઇ મેંગ્‍લોર આવ્‍યા હતાં રોકાઇને ગયા હતાં. પૂલ તૂટવાની ઘટના બની ત્‍યારે હું અને મારા પત્‍નિ એ સમાચાર ટીવી પર જોઇ રહ્યા હતાં. રાતના અગિયાર સુધી અમે સમાચાર જોયા પછી મેં મારા પત્‍નિને ટીવી બંધ કરવાનું કહ્યું હતું. ત્‍યારે અમને ક્‍યાં ખબર હતી કે અમારી દિકરી અને જમાઇ પણ આ પૂલની દૂર્ઘટનામાં ભોગ બન્‍યા છે. બીજા દિવસે અમને સાસુ સિરીયસ છે રાજકોટ આવો તેવો ફોન આવતા અમે આવ્‍યા હતાં ત્‍યારે અમને દિકરી-જમાઇના મૃતદેહ જોવા મળ્‍યા હતાં.

મારો તો એકનો એક આધાર છીનવાઇ ગયો...બટુકભાઇ આટલુ બોલી ધ્રુસકે ધ્રુસકે રડી પડયા
એકના એક આધારસ્‍તંભ દિકરા હર્ષને અને પુત્રવધૂ મીરાને ગુમાવનારા બટુકભાઇ બાવનજીભાઇ ઝાલાવડીયાએ જણાવ્‍યું હતું કે અમે હળવદ વાયણુ જમવા ગયા હતાં. ત્‍યાંથી પાછા રવિવારે રાજકોટ આવવા નીકળ્‍યા હતાં ત્‍યારે હર્ષ અને મીરા મોરબી ઉતરી ગયા હતાં અને અમે રાજકોટ આવવા નીકળી ગયા હતાં. એ પછી આ બનાવ બની ગયો હતો. મારો તો એકનો એક આધારસ્‍તંભ છીનવાઇ ગયો છે. તેમ કહી બટુકભાઇ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતાં.
બટુકભાઇ અને પત્‍નિ સુધાબેન બંને વયોવૃધ્‍ધ હોઇ તેમના માટે હર્ષ એકનો એક આધારસ્‍તંભ હતો. દિકરાને ગયા મે મહિનામાં જ રંગેચંગે પરણાવનારા બટુકભાઇને એ જ દિકરા અને પુત્રવધૂની અરથીને કાંધ આપવાની વેળા આવી પડતાં ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં. આ બનાવથી સિધ્‍ધી હાઇટ્‍સના તમામ રહેવાસીઓમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે.

 

(3:30 pm IST)