Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

પ્રભુ સદગતોના આત્‍માને શાંતિ - સમાધિ આપે : પૂ.પદ્મદર્શન વિજયજી

ગિરનાર તીર્થની ગોદમાં યાત્રિક ભવન ખાતે મોરબીના હતભાગીઓને પૂ.પન્‍યાસ પ્રવર દ્વારા અંજલી અપાઇ

રાજકોટ, તા.૩૧: ગિરનાર તીર્થની ગોદમાં ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ.હેમવલ્લભસૂરિજી મ. અને પૂ.પંન્‍યાસપ્રવહ પદ્મદર્શનવિજયજી મ.ની પાવન નિશ્રામાં ચાતુર્માસની ઉજવણી ચાલી રહી છે.

પૂ.પંન્‍યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે મોરબીના મચ્‍છુ નદીની ઉપર બંધાયેલ ઝુલતા પુલની ગમખ્‍વાર ઘટના પ્રસંગે સંવેદના પાઉવતા સત્‍સંગીઓ સમક્ષ જણાવ્‍યુ હતુ કે કાળજુ કંપી ઉઠે એવી આ  દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં ૧૫૦ થી વધુ લોકોનાં મોત થયા છે જેમાં આશાસ્‍પદ યુવાનો અને ૨૦ થી ૨૫ નાના બાળકો પ્રભુના પ્‍યારા થયા છે. ગુજરાતનાં માથે કાળ ત્રાટકયો છે. આ દ્રશ્‍ય એટલુ કાતિલ હતુ કે ભલભલા ભડના દિકરા પણ ભાંગી પડે. માનવતા પણ રડી પડે એવુ આ દ્રશ્‍ય હતું.

સદગતના આત્‍માઓને અશ્રુભરી અંજલિ અર્પતા પૂજયશ્રી પંન્‍યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્‍યુ હતુ કે આ કુદરતી હોનારત નહીં માનવસર્જિત હોનારત છે. જે પણ બેજવાબદાર હોય તેમને સજા થવી જોઇએ. નિર્દોષો હોમાયા છે. કોઇનો એકનો એક દુધમલ દિકરો પણ હશે. પ્રભુ આ સદગતોના આત્‍માને શાંતિ અને સમાધિ આપે એવી હૃદયસ્‍પર્શી પ્રાર્થના કરવામાં આવી હતી.

(4:31 pm IST)