Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મોરબી દુર્ઘટનામા ફરવા ગયેલા રાજકોટના વસાણી પરિવારના ૧૪ સભ્‍યોનો ચમત્‍કારીક બચાવ

પુલ ૩૦ થી ૩પ ટકા ક્રોસ કર્યોઃ વધારે ભીડ થતા હાલક ડોલક થઇ તુટયોઃ બનાવની ઘટના નજરે નિહાળી....

રાજકોટ તા. ૧ :.. રાજકોટના યુનિવર્સિટી રોડ પાસે રહેતા વસાણી પરિવારના ૧૪ સભ્‍યો મોરબી ઝૂલતા બ્રિજ પર ફરવા ગયા હતા. પુલ તુટતા પરિવારના ૧૪ સભ્‍યોએ મોતને હાથતાળી દઇ પાછા ફર્યા છે. સમગ્ર ઘટના નજરે નિહાળનાર આ પરિવારનો ચમત્‍કારીક બચાવ થયો છે.

ગૌરવ દવે/રાજકોટ :મોરબીની હોનારત ગુજરાતના ઈતિહાસમાં કાળી શાહીથી લખાશે. આજે મોરબીમાં માતમથી આખા દેશમાં શોક છવાયો છે. માત્ર 3 સેકન્ડમાં મોરબીનો પટ મરણચીસોથી ફેલાઈ ગયો હતો. જ્યાં ત્યા લાશો પડી હતી. કોઈનુ બાળક હતું, તો કોઈની માતા, કોઈના પિતા હતા, તો કોઈનો દીકરો... ચારેતરફ કલ્પાંત મચ્યો. કેટલાક તો આખેઆખા પરિવાર હોમાયા. વેકેશન કરવા ગયેલા પરિવારો મોતને લઈને પાછા ફર્યા. ત્યારે આ દુખની ઘડીમાં સૌ કોઈ દુખી છે. ચારેતરફ શોક મનાવાઈ રહ્યો છે. ત્યારે રાજકોટનો પરિવાર પોતાને નસીબનો બળિયો માની રહ્યો છે. મોરબીની ઘટનામાં ચમત્કાર જેવી ઘટના બની. રાજકોટના યુનિવર્સિટી રોડ પાસે રહેતો વસાણી પરિવાર મોરબીની મોતને હાથતાળી આપીને પાછો ફર્યો. 

આ પરિવાર ઘટનાનો સાક્ષી બન્યો. જ્યારે ઘટના બની ત્યારે વસાણી પરિવારના 14 સભ્યો પુલ પર હાજર હતા. સદનસીબે પરિવારના તમામ સભ્યો બચી ગયા હતા. રાજકોટના વસાણી પરિવારના 14 સદસ્યો મોરબીમાં બનેલો નવો ઝુલતો પુલ જોવા રાજકોટથી મોરબી ગયા હતા. પણ તેમને શુ ખબર હતી કે, આવુ થશે.  

પરિવારના મોભીએ કહ્યું કે, અમારો પરિવાર મોરબીમા બનેલો નવો પુલ જોવા માટે બહુ જ ઉત્સાહી હતો. અમે જોવા ગયા ત્યારે ખબર ન હતી કે આવુ થશે. અમે પુલ 30 થી 35 ટકા ક્રોસ કર્યો. પુલ વધારે પડતો હાલકડોલક થઈ રહ્યો હતો. તેથી અમને ડર લાતો હતો. આખરે એવુ જ થયું. અમે બધા 14 લોકો ઉપર હતા અને પુલ તુટ્યો, અમે બધા નીચે પાણીમાં પડ્યા. પુલ પર કદાચ 500 થી વધુ લોકો પણ હોઈ શકે છે તેવુ અમને જોઈને લાગ્યું હતું. 

નીચે પડ્યા બાદ કેવી રીતે બચ્યા. તે વિશે તેમણે કહ્યું કે, અમને કુદરતી શક્તિ મળી હોય તેવુ લાગ્યું. અમે લોકો છોકરાઓ પાણીમાં પડી ગયા હતા. તૂટેલો પુલના કોડ નજીક દેખાતો હતો, તે જોઈને જેમતેમ કરીને તેની પાસે પહોંચ્યા. તેના સપોર્ટથી લગભગ અડધો કલાક પકડીને ઉભા રહ્યા. ધીમે ધીમે કરીને પ્રયાસ કરીને સાઈડની ગ્રીલથી સપોર્ટથી બહાર આવ્યા. 

પરિવારના સદસ્યો મોત જોઈને પાછા આવ્યા હતા. ત્યારે તેઓ કહે છે કે, આવા કિસ્સામાં તંત્રએ ધ્યાન રાખવાની જરૂર હોય છે. પુલની કેપેસિટી 100 થી વધુ લોકોની હતી, તો આટલા બધાને ન જવા દેવા જોઈતા હતા. જ્યાં મેનેજમેન્ટને લોકોએ આટલા લોકોને એલાઉ કરવા ન જોઈતા હતા. 

તો પરિવારના નાનકડા દીકરા જુગલ વસાણીએ કહ્યું કે, મારી મમ્મી તરતા નથી આવડતુ, ડેડીને આવડે. તેથીમમ્મી પપ્પાને પકડીને બહાર આવી. મેં તરીને તાર પકડી લીધો હતો. આમ, મમ્મી બચી ગઈ, પણ તેને થોડુ વાગ્યું. કેટલાક લોકો પુલ હલાવતા હતા તો બીક લાગતી હતી. 

(5:42 pm IST)