Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સાયકલ ઉપર ગેસનો બાટલો અને તેલનો ડબ્બો લઇને પરેશ ધાનાણી પુત્રીઓ સાથે મતદાન કરવા પહોંચ્યા

રાજકોટ : ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે અમરેલીમાં ગજેરાપરામાં આવેલ શ્રીમતી મંગળાબેન બાલમંદિર ખાતે તેમના પરિવાર સાથે સાયકલ પર જઈને મતદાન કર્યુ છે.ઙ્ગ

ધાનાણીએ સવારે પૂજા અર્ચન કરીને માતાના આશીર્વાદ લીધા ત્યાર બાદ તેઓ પરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો બાટલો, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા હતા.

આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીની મોટી દીકરી સંસ્કૃતિ પહેલીવાર મતદાન કરી રહી છે. તે પણ સાઇકલ પર તેલનો ડબ્બો લઇને પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કરવા પહોંચી હતી. આ સાથે તેમના માતા, પત્ની, અન્ય દીકરી અને તેમના ભાઇ શરદભાઈ અને તેના પત્ની પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

મતદાન કર્યા બાદ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજયમાં ૨૭ વર્ષથી સતત ભાજપના રાજમાં ગુજરાત બેહાલ થઈ ગયું છે. રાજયમાં આજે ગરીબના ઘરે બે ટાઈમ ચૂલો સળગાવવાની સમસ્યા છે. મોદી સાહેબની મહેરબાનીથી રાજયમાં આજે ગેસ નો બાટલો રૂ. ૧૧૨૦ નો થયો છે. પેટ્રોલ ડીઝલ પણ રૂ.૧૦૦ ને પાર થયું છે. તેલનો ડબ્બો રૂ.૩૦૦૦ ને પાર પહોંચી ગયો છે. ગરીબોને ઘરે વઘાર કેમ કરવો એની ચિંતા સતાવી રહી છે. ત્યારે રાજયમાં મંદી, મોંઘવારીમાંથી ગુજરાતની જનતાએ મુકત થવા, અત્યાચાર અને ભ્રષ્ટાચારના શાસનમાંથી લોકોએ મુકિત મેળવવા આજે ખુબજ સમજી વિચારીને મતદાન કરવાનું છે ત્યારે અમારો પરિવાર વહેલો સમજી ગયો છે અને વહેલા ઊઠીને મતદાન કર્યું છે. ત્યારે અમારો મત મંદી, મોંઘવારી, બેરોજગારી, નફાખોરી અને કાળાબજારીને હરાવવા, પોતાનું સ્વાભિમાન બચાવવા તેમજ અત્યાચાર અને ભ્રષ્ટાચારના શાસનમાંથી મુકિત માટે આપ્યો છે. ત્યારે રાજયના મતદારોને વિનંતી કરતા કહ્યું હતું કે આપ પણ આપનાં સ્વાભિમાનને બચાવવા માટે, શાસકોના અહંકારને ઓગાળવા મતદાન કરજો

(4:55 pm IST)