Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વિજયભાઈની જન્મભૂમિ બર્મા, ૧૯૬૦માં રાજકોટ સ્થાયી થયેલા

૧૯૭૧માં જનસંઘમાં જોડાયેલાઃ કાલે ૨ ઓગષ્ટના જન્મદિન, ૬૭માં વર્ષમાં પ્રવેશ

(જીતેન્દ્ર રૃપારેલિયા),વાપીઃ ગુજરાતના માજી મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઈ રૃપાણીનો આવતી કાલે એટલે કે ૨જી ઓગષ્ટના રોજ તેમનો જન્મદિવસ છે.

   શ્રી વિજયભાઈના આ જન્મદિન વેળાએ તેમની યશસ્વી કારકિર્દી ની એક ઝલક જોઈએ તો ૨ જી ઓગષ્ટ ૧૯૫૬ના રોજ બર્માના રંગુન ખાતે વિજયભાઈનો જન્મ...જન્મભૂમિ બર્મા પરંતુ બર્મામાં અચાનક  આવી પડેલ રાજકીય અસ્થિરતાને પગલે પિતા રમણિક લાલ બર્માને છોડી ૧૯૬૦ના વર્ષમાં રાજકોટ આવી સ્થાયી થયા.

રાજકોટમાં પ્રાથમિક શિક્ષણ બાદ વિજય ભાઈ એ સૌરાષ્ટ્ર વિદ્યાલયમાંથી જ બી.એ અને એલ.એલ.બી સુધીની પદવી મેળવી આ દરમ્યાન એટલે કે ૧૯૭૧ના વર્ષમાં તેઓ જનસંઘમાં જોડાયા અહીં સંઘના કાર્યોમાં રચ્યા પચ્યા રહેવા લાગ્યા  દરમ્યાન ૧૯૭૬માં દેશને કટોકટીનો સામનો કરવો પડ્યો ત્યારે વિજયભાઈ આ લોક આંદોલનમાં જોડાયા એટલુંજ નહિ આશરે ૧૧માસ જેટલો તેમણે જેલવાસ પણ ભોગવ્યો,૧૯૭૮ થી ૧૯૮૧ દરમ્યાન વિજયભાઈએ સંઘના પ્રચારક તરીકેની જવાબદારી સંભાળી.

જનસંઘની જવાબદારીની સાથે સાથે વિજયભાઈ ભાજપમાં જોડાયા અને સ્થાનિક સમસ્યાઓને વાચા આપી પ્રજાના પ્રશ્નો માટે આગળ આવી નેતૃત્વ સંભાળ્યું. જોત જોતામાં લોકઉપયોગી કાર્યોને પગલે તેઓ લોકપ્રિય બનતા ગયા ૧૯૮૭ના વર્ષમાં વિજયભાઈ કોર્પોરેટર બન્યા અને સાથે સાથે રાજકોટ શહેર ભાજપના મહામંત્રીની જવાબદારી પણ સંભાળી.

સમયની સાથે સાથે વિજયભાઈની રાજકીય કારકિર્દી  પણ સતત આગળ ધપતી ગઈ કોર્પોરેટર બાદ ડ્રેનેજ સમિતિના ચેરમેન બન્યા એટલુંજ નહિ લોકપ્રિયતાના પગલે ૧૯૯૬ના વર્ષમાં તેઓ રાજકોટના મેયર તરીકે ચાર્જ સંભાળ્યો. ૧૯૯૮માં તેમને પ્રદેશ મહામંત્રીની મહત્વની જવાબદારી સોંપાઈ  એટલુંજ નહિ ૧૯૯૮માં શ્રી કેશુભાઈ પટેલની સરકારમાં વિજયભાઈને સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના ચેરમેનનો મહત્વનો હોદ્દો મળ્યો.

 ગુજરાત ભાજપમાં હાઈ કમાન્ડે એક આંચકો આપી કેશુભાઈની જગ્યાએ નરેન્દ્રભાઈને શાસનની ધુરા સોંપી ત્યારે પણ વિજયભાઈને નરેન્દ્રભાઈએ ૨૦૦૬ના વર્ષમાં સૌ પ્રથમ પ્રવાસનના ચેરમેનની જવાબદારી સોંપી એટલું જ નહિ તેમના કાર્યોની નોંધ લઇ રાજ્ય સભાના સભ્ય તરીકે તેમની પસંદગી થઇ વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૨ દરમ્યાન વિજયભાઈ એ સાંસદ તરીકે સુપેરે કામગીરી બજાવી રાજકોટના પ્રશ્નોને વાચા આપી.

વર્ષ ૨૦૧૩માં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ વિજયભાઈને મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન જેવી જવાબદારી આપી. ૧૯મી ઓકટોબર ૨૦૧૪ના રોજ ધારાસભ્ય બન્યા સ્વચ્છ છબી ધરાવતા વિજયભાઈ નરેન્દ્રભાઈ તેમજ અમિતભાઈનો વિશ્વાસ જીતી શકયા ધારાસભ્ય બન્યા બાદ વિજયભાઈને પાણી પુરવઠા, પરિવહન તેમજ શ્રમ અને રોજગાર વિભાગના ખાતાની જવાબદારી સોંપાય, પરંતુ મોવડી મંડળે તો કદાચ વિજયભાઈ માટે કંઈક અલગ જ વિચાર્યું હતું. ફેબ્રુઆરી ૨૦૧૬માં વિજયભાઈને ગુજરાત ભાજપના પ્રમુખ પદની જવાબદારી સોંપી હતી.  

ગુજરાતના રાજકીય આલમમાં અચાનક એક વળાંક આવ્યો આનંદીબેનને મુખ્યમંત્રી તરીકે બદલાવવાની સ્તિથી સર્જાઈ  ત્યારે  નવા મુખ્યમંત્રી તરીકે વિશ્વાશું એવા વિજયભાઈના નામ ઉપર મોહર લાગી...૭મી ઓગષ્ટ ૨૦૧૬ના રોજ વિજયભાઈ  ગુજરાતના મુખ્યમંત્રી  બન્યા.

૨૨મી ડિસેમ્બર ૨૦૧૭ના રોજ વિજયભાઈએ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ શાશનની ધુરાને આગળ સંભાળી હવે વિજયભાઈને વધુ ફાવટ આવવા લાગી હતી અને તેઓ ભારે આત્મવિશ્વાષ સાથે ગુજરાતને વિકાસના પંથે આગળ ધપાવવા કામે લાગ્યા.

સત્તા કે પદની કોઈ ખેવના નો રાખનાર વિજયભાઈએ હાઈ કમાન્ડના આદેશને પગલે ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યું અને ભાજપ હાઈ કમાન્ડે તેમના ઉપર મુકેલા વિશ્વાસને ફરી એક વાર સાર્થક કરી બતાવ્યું બતાવ્યું. સંઘના કાર્યકર...ભાજપના સભ્ય... ધારાસભ્ય...મંત્રી...મુખ્યમંત્રી...કે માજી મુખ્યમંત્રી...કોઈ પણ પદ ઉપર હોઈ વિજયભાઈની લોકપ્રિયતા માં સતત વધારો જ જોવા મળ્યો છે  આજે ભલે વિજય ભાઈ મુખ્યમંત્રી નથી આમ છતાં રાજકોટ ની વિવિધ  સંસ્થાઓ દ્વારા વિવિધ વોર્ડ માં સેવાકાર્યો  કરી તેમના આ જન્મદિનને 'સેવા દિન'તરીકે ઉજવી રહ્યા છે.

તેઓ ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે આ વેળાએ તેમને 'અકિલા' પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ.....

(4:05 pm IST)