Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રૈયા વિસ્‍તારમાં કોર્પોરેશનને ટી.પી.ના નવા રોડના કબજા મળશે

ટી.પી. સ્‍કીમ નં. ૩૩ ડ્રાફટ મંજુર : વિવિધ હેતુઓ માટે ૫૪ પ્‍લોટની ૩,૫૮,૯૫૧ ચો.મી. જમીન મળશે : નવો ૧૫૦ ફુટ રીંગ રોડ, ઘંટેશ્વર, સ્‍માર્ટ સીટી, રૈયાધારમાં ૧૨ થી ૨૪ મીટર સુધીના રસ્‍તા વિકાસના નવા દ્વાર ખોલશે

રાજકોટ તા. ૧ : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ગઇકાલે આયોજનબધ્‍ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક કદમ ભરીને રાજકોટ કોર્પોરેશન સહિત પાંચ ટાઉન પ્‍લાનિંગ સ્‍કીમને મંજુરી આપી છે ત્‍યારે ડ્રાફટ ટી.પી. સ્‍કીમ નં. ૩૩ (રૈયા) મંજુર થતા મ્‍યુનિ. કોર્પોરેશનને ૧૨ થી ૨૪ મીટર સુધીના ટી.પી. રોડના કબ્‍જા મળશે. પ્રારંભીક મંજુર થયા બાદ આવાસ યોજના, રહેણાંક - વેચાણ, વાણિજ્‍ય વેચાણ, સોશ્‍યલ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર તથા ગાર્ડન, ઓપન સ્‍પેસ, પાર્કિંગ હેતુ સહિતના ૫૪ પ્‍લોટની કુલ ૩,૫૮,૯૫૧ ચો.મી. જમીન પ્રાપ્‍ત થશે તેમ મનપાના સત્તાવાર સુત્રોએ જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીએ મંજુર કરેલી રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી. સ્‍કીમ નં. ૩૩ (રૈયા)નું ક્ષેત્રફળ ૨૨૪૯૩૪૦ (૨૨૪.૯૩ હેકટર) છે. આ યોજનામાં મહાનગરપાલિકાને નવો ૧૫૦ રીંગ રોડ, ઘંટેશ્વર વિસ્‍તાર બોર્ડર સુધી, સ્‍માર્ટ સીટી રૈયાધાર - રામદેવપીર ચોકડી વિસ્‍તારમાં ૯ થી ૨૪ મીટર સુધીના ૩,૬૧,૬૦૯ ચો.મી. રસ્‍તાના કબ્‍જાઓ મળશે. જેથી આ વિસ્‍તારમાં રસ્‍તાના વિકાસના નવા દ્વાર ખુલશે.

આ ઉપરાંત મનપાને વિવિધ હેતુ માટેના ૫૪ અનામત પ્‍લોટો પ્રાપ્‍ત થશે જેનું ક્ષેત્રફળ અંદાજીત ૧૮,૮૪,૯૭૫ ચો.મી. થાય છે.

૧૦ હજાર ઇડબલ્‍યુએસ આવાસો બનાવવા માટે ૧૧.૨૬ હેકટર સહિત ખુલ્લી જગ્‍યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે, જાહેર સુવિધા માટે અને આંતર માળખાકિય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે મળીને કુલ ૩૯.૪૯ હેકટર જમીન સંપ્રાપ્‍ત થશે.

 

રૈયા ટીપી મંજુર થતા ભૂપેન્‍દ્રભાઇનો આભાર વ્‍યકત કરતા પદાધિકારીઓ

રાજકોટ : શહેરની ડ્રાફટ ટી.પી. સ્‍કીમ નં. ૩૩ (રૈયા) સરકાર દ્વારા મંજુર કરવામાં આવતા મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનો પદાધિકારીઓએ આભાર વ્‍યકત કર્યો હતો.

મેયર ડો. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, ટાઉન પ્‍લાનીંગ કમિટિ ચેરમેન નરેન્‍દ્રભાઇ ડવ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, શહેરની ડ્રાફટ ટી.પી. સ્‍કીમ નં. ૩૩ (રૈયા) સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ. જે બદલ રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનો આભાર વ્‍યકત કરેલ.

 

કયાં કયાં હેતુના કેટલા પ્‍લોટ મળશે

  •      આવાસ યોજના બનાવવા માટે એસ.ઇ.ડબલ્‍યુ.એસ. હાઉસીંગનાં કુલ ક્ષેત્ર ૧,૧૨,૬૬૬ ચો.મી.નાં ૮ પ્‍લોટ્‍સ પ્રાપ્‍ત થશે.
  •      ભવિષ્‍યમાં હરરાજી કે અન્‍ય રીતે નિકાલ કરીને આવકનાંસ્ત્રોત તરીકે રહેણાંક વેંચાણ માટે કુલ ક્ષેત્રફળ ૮૪,૫૮૩ ચો.મી.ના ૬ પ્‍લોટ્‍સ અને વાણિજ્‍ય વેંચાણ માટે કુલ ક્ષેત્રફળ ૮૫,૫૫૬ ચો.મી.નાં ૮ પ્‍લોટસ પ્રાપ્‍ત થશે.
  •      સ્‍કુલ, હોસ્‍પિટલ, ફાયર સ્‍ટેશન વિગેરે જેવા સોશ્‍યલ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર કામો કરવા માટે કુલ ક્ષેત્રફળ ૫૫,૮૦૫ ચો.મી.ના ૭ પ્‍લોટ્‍સ પ્રાપ્‍ત થશે.
  •      ગાર્ડન/ ઓપન સ્‍પેસ/ પાર્કિંગ હેતુ માટે કુલ ક્ષેત્રફળ ૫૬,૩૦૩ ચો.મી.ના ૨૦ પ્‍લોટ્‍સ પ્રાપ્‍ત થશે.
  •      સ્‍માર્ટ સીટીને લાગુ પહેલા અને બીજા રીંગ રોડને જોડતી યોજના આવેલ હોય ઝડપથી અને યોજનાબધ્‍ધ વિકાસ થશે.
(4:22 pm IST)