Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ઓઈલ એન્‍જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર

ફિલ્‍ડ માર્શલના પોપટભાઈ પટેલનું ૮૬ વર્ષની વયે દુઃખદ નિધન

તેઓ છગનભાઈના નાનાભાઈ છે, જાપાનમાં એક ઉદ્યોગપતિ તરીકે જનાર તેઓ પ્રથમ ભારતીય હતા, ૧૯૬૩માં પી.એમ. ડીઝલ્‍સની સ્‍થાપના કરી હતીઃ કડવા પાટીદાર અગ્રણીનું ઉંઝા, સિદસર બાદ ગાંઠીલા ઉમિયા મંદિરના નિર્માણમાં જબરદસ્‍ત યોગદાન હતું

રાજકોટઃ જાણિતા પાટીદાર અગ્રણી અને ઓઈલ એન્‍જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર ફિલ્‍ડમાર્શલ ગ્રુપના પોપટભાઈ પટેલનું ૮૬ વર્ષની વયે ગતરાત્રે દુઃખદ નિધન થયું છે. તેઓ ફિલ્‍ડમાર્શલ ગ્રુપના છગનભાઈ પટેલના નાનાભાઈ થાય છે. પરિવારમાં ચંદ્રકાંતભાઈ, નીતિનભાઈ, દીપકભાઈ સહિત ત્રણ પુત્રો અને પુત્રી તેમજ બહોળા પરિવારને વિલાપ કરતાં છોડી ગયા છે. સદ્દગત પોપટભાઈની સ્‍મશાનયાત્રા આજે સવારે ૮:૩૦ વાગ્‍યે તેમના નિવાસસ્‍થાન ‘દિપક', રામકૃષ્‍ણનગર વેસ્‍ટ, કમિશ્નર બંગલા રોડ, રાજકોટ ખાતેથી નિકળી હતી. જેમાં બહોળી સંખ્‍યામાં પરિવારજનો, સગા સંબંધીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ જોડાયા હતા અને સદ્દગતને શ્રધ્‍ધાંજલી અર્પી હતી.
સદ્દગત પોપટભાઈ નરસીભાઈ કણસાગરા ફિલ્‍મમાર્શલના સર્જક હતા. ડિઝલ એન્‍જિનથી શરૂ થનાર ફિલ્‍ડમાર્શલ આજે ઓર્ગેનિક ફર્ટીલાઈઝરથી લઈ ઘરઘંટી, એરકૂલરથી માંડી ફિલ્‍ડમાર્શલ બ્રાન્‍ડ મિનિ ટ્રેકટર પણ બનાવે છે. દુનિયાભરમાં વિખ્‍યાત મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા ગ્રુપ સાથે ટાઈઅપ કર્યા બાદ ‘યુવરાજ' મિનિ ટ્રેકટરમાં પણ ફિલ્‍ડમાર્શલના જ એન્‍જિન ફીટ થાય છે. આ ઉપરાંત કેપ્‍ટન, એસકોર્ટ, સોનાલિકા જેવા બે ડઝન મિનિ ટ્રેકટરમાં પણ એન્‍જિનનો જ ઉપયોગ થાય છે.
ઉદ્યોગપતિ હોવાની સાથોસાથ પોપટભાઈ સમાજ સેવામાં પણ હંમેશા અગ્રેસર હતા. ઉંઝા, સિદસર બાદ જુનાગઢ જિલ્લાના ગાંઠીલા ઉમિયા મંદિરના નિર્માણમાં તેઓનું જબરદસ્‍ત યોગદાન રહેલ. તેઓએ ૧૯૯૨માં સિદસર મહોત્‍સવને કન્‍વીનર તરીકે એવી રીતે ડિઝાઈન કર્યો હતો કે જેનો ખેતી સાથે સંકળાયેલા લોકોને પણ લાભ મળે.
નિવૃત્ત થયા પછી પણ બમણાં ઉત્‍સાહથી સમાજ સેવા માટે મોકળા મનથી પોપટભાઈ પટેલ સદા અગ્રેસર રહ્યા છતાં ‘દાતા' હોવાનો દેખાડો તેમણે કર્યો નથી. રાજકોટના ફિલ્‍ડમાર્શલ- ગોવાણી કન્‍યા છાત્રાલય માટે ૭૫,૦૦,૦૦૦ રૂપિયાનું દાન આપનારા પોપટભાઈ પટેલ ઓડિટોરીયમ માટે ૨૫,૦૦,૦૦૦ તો અમદાવાદના સરદાર ધામના સ્‍થાપક ટ્રસ્‍ટી તરીકે ૫૧,૦૦,૦૦૦ તો વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન માટે ૨૫,૦૦,૦૦૦ તો ૨૦૨૦માં ઉંભા ખાતેના લક્ષચંડી મહોત્‍સવ પ્રસંગે શૈક્ષણિક હેતુ માટે ૩૩,૦૦,૦૦૦ની રકમ  ફાળવી છે તો શિક્ષણ માટેની સહાય માટે તો ‘ફિલ્‍ડ માર્શલ'ના દરવાજા આજે પણ ખુલ્લાં જ રહે છે. પોપટભાઈ પટેલે નાતજાતના ભેદભાવ વગર કરેલી આવી સહાયથી સમાજને અનેક ડોકટર, એન્‍જિનિયર અને વિવિધ ક્ષેત્રના નિષ્‍ણાત મળ્‍યાં છે.
૨૦૦૦ની સાલમાં શરૂ થયેલા ‘કૌન બનેગા કરોડપતિ' શોમાં આજે ૨૦૨૧માં પણ એક કરોડની રકમ જીતનાર વિજેતાને ‘બ્રેકીંગ ન્‍યુઝ' માનવામાં આવે છે. પરંતુ પોપટભાઈ પટેલ ૧૯૯૭માં પોતાની વ્‍યકિતગત ઈન્‍કમટેકસ ત્રણ કરોડ રૂપિયા ભર્યો હતો અને નેવુંનો એ આખો દસકો તેમણે આવો તોસ્‍તાન વ્‍યકિતગત (કંપની કે પરિવારનો અલગ) ઈન્‍કમટેકસ ભર્યો છે. દેશની તિજોરીને પણ વફાદાર રહેનારા પોપટભાઈ પટેલનું એટલે જ ખુદ ઈન્‍કમટેકસ ડિપાર્ટમેન્‍ટે હાઈએસ્‍ટ ટેકસપેયરનું સર્ટિફિકેટ આપીને સન્‍માન કર્યું હતું.
સદ્દગત પોપટભાઈ તેમના પુત્રો ચંદ્રકાંતભાઈ, નીતિનભાઈ, દિપકભાઈ અને દીકરી શોભનાબેન પ્રદિપકુમાર કોરડીયા તેમજ બહોળા પરિવારજનોને વિલાપ કરતાં છોડી ગયા છે.
સદ્દગતની સ્‍મશાનયાત્રામાં સગાસંબંધીઓ, જાણીતા ઉદ્યોગપતિઓ તેમજ કમલેશભાઈ મીરાણી, પુષ્‍કરભાઈ પટેલ, ડો.વલ્લભભાઈ કથીરીયા, મનિષભાઈ ચાંગેલા, શંભુભાઈ પરસાણા, હિતેષભાઈ બંગડાઈ, સીરીશભાઈ ત્રિવેદી, રાજેશભાઈ ભાલોડીયા, નવીનભાઈ ભાલોડીયા, જેરામભાઈ વાંસજડીયા, બાબુલાલ ઘોડાસરા, મગનભાઈ, પ્રભુદાસભાઈ કણસાગરા, સુરેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, બાવનજીભાઈ મેતલીયા સહિતના બહોળી સંખ્‍યામાં લોકો જોડાયા હતા.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

શનિવારે બેસણું

ફિલ્‍ડ માર્શલના પોપટભાઈ પટેલનું શનિવારે સવારે ૯ થી ૧૧ રૈૈૈયા રોડ ઉપર  આલાપગ્રીન સીટીની સામે આવેલ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે બેસણું

(12:19 pm IST)