Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

લોકમેળામાં ‘માસ્‍ક' પહેરવા-રસીના બે ડોઝ લઇને આવવા કલેકટરની અપીલ

તમાકુ - સિગારેટ - પાન - ફાકીના વેચાણ - કેબીન - દુકાનો ઉપર પ્રતિબંધ : ચિલ્‍ડ્રન - ટોયવેન - ઇન્‍ડેક્ષ-સી - GSPL - DRDA - સાયન્‍સ ટેકનોલોજીના સ્‍ટોલ આવશે : યાંત્રિક સ્‍ટોલનું કોકડુ સાંજ સુધીમાં ઉકેલાઇ જશે : કલેકટરનો પોઝીટીવ પ્રતિભાવ : પોલીસ અને ખાનગી સિક્‍યુરીટીનો ચુસ્‍ત બંદોબસ્‍ત : આવકમાંથી સીએમ ફંડમાં ૫૦ લાખ અપાશે : લોકમેળામાં પ્રથમ વખત પબ્‍લીક પર્ફોમન્‍સ માટે અલગથી સ્‍ટેજ વ્‍યવસ્‍થાઃ ડાન્‍સ - મીમીક્રી - રાસ - ગરબા - સીટીની સોશ્‍યલ સંસ્‍થા- ગાયક કલાકારો કાર્યક્રમ રજૂ કરી શકશે

રાજકોટ તા. ૪ : રાજકોટમાં કોરોનાના કેસો વધતા તંત્ર એલર્ટ બની ગયું છે. ગઇકાલે રાજકોટમાં એકી સાથે ૮૪ કેસો આવ્‍યા છે, અને તે સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટરે આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે, કોરોનાના કેસો વધ્‍યા છે અને લોકમેળો આવી રહ્યો છે, આથી અમે સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છીએ.  કલેકટરે રાજકોટ શહેર - જિલ્લા અને મેળામાં આવનાર સૌરાષ્‍ટ્ર - કચ્‍છની પ્રજાને અપીલ કરતા જણાવેલ કે, કોરોના સામે સાવચેતી સંદર્ભે અને મેળામાં ભીડ હોય, લોકો અચૂક માસ્‍ક પહેરીને જ આવે, તેમજ મારી અપીલ છે કે લોકો વેકસીનના બે ડોઝ તથા ત્રીજો બૂસ્‍ટર ડોઝ પણ લઇ લ્‍યે... જેથી કરીને કોઇ મુશ્‍કેલી ઉભી ન થાય.

કલેકટરે જણાવેલ કે, લોકમેળામાં ગાંધીનગરથી ખાસ ચિલ્‍ડ્રન ટોયવેન, ઇન્‍ટેક્ષ-સી, જીએસપીએલ, ડીઆરડીઆર, સાયન્‍સ ટેકનોલોજીના ખાસ સ્‍ટોલ આવી રહ્યા છે, મેળાના નામકરણ અંગે તેમણે જણાવેલ કે, ૭૦૦થી વધુ એન્‍ટ્રીઓ આવી છે, આવતા અઠવાડિયે મેળાનું નામ ફાઇનલ થઇ જશે.

તેમણે જણાવેલ કે, મેળામાં મુખ્‍ય સ્‍ટેજ તો રહેશે જ પરંતુ આ વખતે રાજકોટની પબ્‍લીક પોતે પર્ફોમન્‍સ કરી શકે તે માટે પ્રથમ વખત અલગથી અમે સ્‍ટેજ ઉભું કરી રહ્યા છીએ જ્‍યાં ગાયક કલાકારો ડાન્‍સ, નાટક, મીમીક્રી, સોશ્‍યલ સંસ્‍થાના કાર્યક્રમો જે તે સંસ્‍થા લોકો રજૂ કરી શકશે.

કલેકટરે જણાવેલ કે, યાંત્રીકના ૪૪ સ્‍ટોલ ધારકો અંગેનો ટિકીટના દરનો પ્રશ્ન સાંજ સુધીમાં ઉકેલાઇ જશે, તેમની ડીમાન્‍ડ જો મંજૂર કરીએ તો લોકો ઉપર ભારણ આવે, મેળાની આ વખતની આવકમાંથી ૫૦ લાખ સીએમ ફંડમાં અમે આપવાના છીએ, અન્‍ય પણ ખર્ચા થાય છે, આમ છતાં યાંત્રિક સ્‍ટોલ ઇચ્‍છુકોનો પ્રશ્ન અમે પોઝીટીવ રીતે હલ કરીશું.

તેમણે જણાવેલ કે, લોકમેળામાં સીગારેટ, પાન, ફાકી, તમાકુ, કોઇપણ પ્રકારના ગુટખા ખાવા - વેચાણ ઉપર સદંતર પ્રતિબંધ રહેશે. કોઇ નાની દુકાન - સ્‍ટોલ - રેકડી એવું કંઇ કરી નહિ શકાય. તેમણે જણાવેલ કે, વોચ ટાવર સાથે મેળામાં સીટીનો ખાસ પોલીસ બંદોબસ્‍ત, કંટ્રોલરૂમ તથા ખાનગી સિક્‍યુરીટીનો પણ ખાસ બંદોબસ્‍ત તૈનાત રહેશે.

(3:25 pm IST)