Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ગાડીના ભાડાના પૈસા બાબતે મહંમદ અને સોહિલ વચ્‍ચે મારામારી : સામસામી ફરિયાદ

દેવપરા કાવેરીના મેદાનમાં બનાવઃ ભકિતનગર પોલીસે સમીર બાબવાણી, સોહીલ બાબવાણી અને સામાપક્ષે અફઝલ જુણેજાને સકંજામાં લઇ પુછપરછ આદરી

રાજકોટ,તા. ૪ : કોઠારિયા રોડ દેવપરામાં કાવેરીના મેદાનમાં ગાડીના ભાડાના પૈસા બાબતે બે મિત્રો વચ્‍ચે બોલાચાલી થયા બાદ મારામારી થતા સામસામી ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જંગલેશ્વર શેરી નં. ૧૬માં રહેતો સોહીલ રફીકભાઇ બાબવાણી (ઉવ.૨૩)એ ભકિતનગર પોલીસ મથકમાં મહંમદ હાસમભાઇ રાઉકેરડા સામે ફરિયાદ નોંધાવી છે. સોહિલે ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, ગઇ કાલે પોતે પોતાના પિતરાઇભાઇ સમીર સાથે કોઠારિયા રોડ પર શકિત હોટલ પાસે ઉભા હતા તે દરમ્‍યાન મિત્ર મહંમદ હાસમભાઇ રાઉકેરડા ત્‍યાં આવેલ અને પોતે મિત્ર મહંમદને પોતાની દોસ્‍ત પીક અપ ગાડી બે મહિના પહેલા ભાડેથી ચલાવવા માટે આપી હતી. અને રોજનું ભાડુ રૂા. ૧૫૦૦ નક્કી કર્યું હતું. તે ગાડી તેણે પંદર દિવસ ચલાવી હતી. બાદ તેનું ભાડુ નહીં આપતા પોતે તે ગાડી તેની પાસેથી પરત લઇ આવ્‍યો હતો. બાદ તેણે પોતાના રૂા. ૫૦૦૦ ખાતામાં જમા કરાવ્‍યા હતા. અને બાકીના રૂા. ૧૭,૫૦૦ પોતાને તેની પાસેથી લેવાના હતા. આ પૈસા માટે પોતે તેને અવાર-નવાર યાદ કરાવેલ પરંતુ તે પૈસા આપતો ન હતો. જેથી ગઇ કાલે બંને શકિત હોટલ પાસે આ પૈસાની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. પરંતુ માણસો વધારે હોય, જેથી બંને કાવેરીના મેદાનમાં ગયા હતા. અને ત્‍યાં પૈસા બાબતે બંને વચ્‍ચે બોલાચાલી થતા મહંમદે ઉશ્‍કેરાઇને નેફામાંથી છરી કાઢી પોતાને ડાબા હાથમાં અને પગમાં છરીનો ઘા મારી દીધો હતો. અને ઢીકાપાટુનો મારમાર્યો હતો બાદ પોતાના પિતરાઇભાઇ સમીરે પોતાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

 જ્‍યારે સામાપક્ષે હુડકો ચોકડી પાસે વિનોદનગર આવાસ યોજનાના કવાર્ટર બ્‍લોક નં. ૧૬ કવાર્ટર નં. ૨૨૨૩માં રહેતા મહંમદ હાસમભાઇ રાઉકેરડા (ઉવ.૨૮)અુ સોહીલ રફીકભાઇ બાબવાણી સામે ફરિફાદ નોંધાવી હતી. મહંમદે ફરિયાદમાં જણાવ્‍યુ છે કે પોતે પોતાના મિત્ર સોહીલ રફીકભાઇ બાબવાણી બંને કોઠારિયા રોડ પર શકિત હોટલ પાસે ભેગા થયા હતા.  પોતે સોહિલની દોસ્‍ત પીકઅપ કેરેજગાડી બે મહિના પહેલા ભાડે ચલાવવા માટે રાખી હતી. જેનું ભાડુ દરરોજનું રૂા. ૧૫૦૦ થતું હતું અને પંદર દિવસ તેની ગાડી ચલાવી બાદ પોતાનાથી ભાડામાં પહોંચાતુ ન હોય. તેથી આ ગાડી તેને પરત આપી દીધી હતી અને હિસાબ પેટેના પૈસા આપી દીધા હતા છતાં તે પોતાની પાસે ભાડાના પૈસા બાકી છે. તેમ કહી પોતાને ફોન કરતો હતો. જેથી ગઇ કાલે બંને શકિત હોટલ પાસે ભેગા થયા હતા. ત્‍યાં માણસો વધારે હોય તેથી  પોતે, બનેવી અફઝલ અને મિત્ર સોહીલ બધા કાવેરી મેદાનમાં વાત કરવા માટે ગયા હતા. ત્‍યાં પોતાને સોહિલ સાથે ભાડાના પૈસા બાબતે ઉગ્ર બોલાચાલી થતા સોહીલ ઉશ્‍કેરાઇને નેફામાંથી છરી કાઢી હુમલો કરતા પોતાને ડાબા હાથમાં ઇજા કરી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ બનાવ અંગે ભકિતનગર પોલીસે બંનેની સામસામી ફીરફાદ દાખલ કરી હેડ કોન્‍સ. પી.એન. ગોહિલે સમીર અલ્‍તાફભાઇ બાબવાણી, સોહીલ રફીકભાઇ બાબવાણી અને સામાપક્ષે અફઝલ  મહંમદભાઇ જુણેજાને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)