Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રૂખડીયાપરામાં ધોરણ-૭ની છાત્રા નાસ્‍તો લેવા બહાર જતાં ઉગ્ર બનેલા પિતા અબ્‍દુલે તલવારના ઘા ઝીંક્‍યા

૧૨ વર્ષની મુસ્‍કાનને માથા, હાથ, પીઠમાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવીઃ પિતાની માનસિક હાલત ઠીક નહિ હોવાનું પરિવારજનોનું કથન

રાજકોટ તા. ૪: રૂખડીયાપરામાં રહેતી અને ધોરણ-૭માં અભ્‍યાસ કરતી બાળાને શાળાએ નાસ્‍તામાં સેવ મમરા ભરી જવા હોઇ તે સેવ મમરા લેવા બહાર જતાં અને પાછી ઘરે આવતાં તેના પિતાએ પુછ્‍યા વગર કેમ બહાર ગઇ? તેમ કહી રૂમમાં લઇ જઇ તલવારથી હુમલો કરી હાથ-માથા, પીઠના ભાગે ઇજાઓ કરતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ રૂખડીયાપરા પાણીના ટાંકા પાસે રહેતી મુસ્‍કાન (ઉ.વ.૧૨)ને તેના પિતા અબ્‍દુલભાઇ માણેકે રૂમમાં પુરી તલવારથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં સિવિલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. મુસ્‍કાન એક ભાઇથી મોટી છે અને મંગલ પાંડે સ્‍કૂલમાં ધોરણ-૭માં અભ્‍યાસ કરે છે.

તેણીના માતાનું નામ ફાતેમાબેન છે. તેમણે આક્ષેપો કર્યા હતાં કે પતિ ઉગ્ર સ્‍વભાવ ધરાવે છે અને માનસિક સ્‍થિતિ ઠીક નથી. દિકરી મુસ્‍કાન બહાર જાય તો પણ પતિ ગુસ્‍સે થઇ જાય છે. આજે દિકરીને શાળાએ જવું હોઇ ઘરમાં નાસ્‍તો ન હોઇ તે બહાર સેવ મમરા લેવા ગઇ હતી. પરત આવતા જ મારા પતિ અબ્‍દુલે તેને રૂમમાં બોલાવી પુછ્‍યા વગર કેમ બહાર ગઇ હતી? તેમ કહી તલવાર લઇ દોડતાં દિકરી ભાગવા જતાં તેને માથા, હાથ, પીઠમાં ઘા ઝીંકી દેતાં ઇજા થઇ હતી. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(3:39 pm IST)